પુરુષ

વૃક્ષ કી સુનો વહ તુમારી ભી સુનેગા !

ગાઢ હરિયાળાં જંગલ હશે તો જ પર્યાવરણની રક્ષા થશે-પૃથ્વી દીર્ઘાયુ થશે, પણ પલટાતી મોસમ -વધતી જતી કુદરતી હોનારત પછી પણ વૃક્ષોનાં આડેધડ નિકંદનથી મૂંઝાતા પર્યાવરણ રક્ષકોની કેવી રીતે વહારે આવી રહ્યાં છે આપણાં ન્યાયમંદિર?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

છેલ્લા શ્ર્વાસ સુધી કાર્યરત રહી શતાયુની આવરદા ઉજવનારા વિચક્ષણ રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવી વૃક્ષ કે પર્યાવરણની વાત નીકળે ત્યારે અમને કહેતા :
‘આજની પેઢીને વૃક્ષની ખરી કિંમત કે ઉપયોગિતા જલ્દી નહીં સમજાય. અમે નાનપણમાં નિશાળે જતા ત્યારે પગમાં ચપ્પલ તો હોય નહીં.આકરા ઉનાળામાં ધરતી ધોમ ધખી ગઈ હોય. એના પર ઉઘાડા પગે થોડું ચાલીએ,પછી પગ એવા દાઝવા માંડે કે દોડીને નજીકના ઝાડ નીચે ઊભા રહી જઈએ..એ વખતે એની છાયામાં જે સાતા પહોંચે ત્યારે અમને વૃક્ષની ખરી મહત્તા સમજાતી’
આ તો વૃક્ષ વિશે એક પ્રખર અનુભવીની વાણી હતી. આજની પેઢી પણ પર્યાવરણ વિશે વધુ સચેત થવા લાગી છે. આમ તો પર્યાવરણશાસ્ત્રીઓ પણ સ્વીકારે છે કે અમુક તબક્કે ‘કલાઈમેટ ચેન્જ’ એટલે કે પલટાતી મોસમ પૃથ્વીની તબિયત માટે ઉપકારક છે, છતાં યુવાનોના એક વર્ગ એ વિશે વધુ પડતી ચિંતા કરે છે. એ માટે ‘અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન’ (અઙઅ)એ અંગ્રેજીમાં એક નવો શબ્દપ્રયોગ યોજ્યો છે. એ શબ્દ છે ‘ઈકો ઍગ્ઝાયટિ’ . એનાથી પીડાતા વધુ પડતા સંવેદનશીલ યુવાનોનો ભય એક રીતે સાચો પણ છે,કારણ કે છેલ્લાં પાંચેક વર્ષથી અચાનક પલટાતી મોસમને લીધે કુદરતી હોનરતો ખાસ્સી વધી ગઈ છે. આમ છતાં આવી ચિંતામાંથી મુક્ત થવા આ સંસ્થા કેટલાક ઉપાય પણ સૂચવે છે,જે પાછો એક સાવ અલગ ચર્ચાનો વિષય છે,જેને આપણે અહીં ન ઉખેળીએ..

બીજી તરફ, અમુક્-તમુક સરકારી તેમજ ખાનગી પ્રોજેકટ્સ માટે વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે. એક યા બીજાં કારણોસર આ કુદરતી સંપત્તિનો નિયમિતરૂપે સફાયો થઈ
રહ્યો છે.

આ લેખ-કોલમ માટે એકઠી કરેલી છેલ્લાંમાં છેલ્લી મહિતી મુજબ. આ ફેબ્રુઆરી મહિનામાં ખુદ કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દેશનાં કેટલાંક મોટાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ માટે આગામી ૩ વર્ષમાં અંદાજે ૨૩ લાખ (જી,હા ૨૩ લાખ !) જેટલાં વૃક્ષો કાપવાં પડશે!

હવે વાત કરીએ ગુજરાત રાજયનાકહેવાતા ‘વિકાસ’ અર્થે છેલ્લાં ૩ વર્ષમાં એક અંદાજ મુજબ ૮૪ હજાર વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં હતાં.આના પછી રાજ્યનો
શું વિકાસ થયો એ આપણે નથી જાણતા , પણ પેલાં ૮૪ હજારનાં લાકાડાં વેંચીને રાજ્ય સરકારે સત્તાવાર રીતે ૪૦ કરોડની રોકડી આવક કરી લીધી છે…! એમાંય ૯૨ % લાકડાની આવક માત્ર ડાંગ જિલ્લા જેવા વન્યવિસ્તારમાંથી થઈ હતી. આ ઓપરેશન ‘વૃક્ષ-નિકંદન’ દરમિયાન ડાંગ ઉપરાંત ગીર- જૂનાગઢ- સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ઈમારતી અને જલાય લાકડાનો સફાયો થયો હતો
ગુજરાત બહાર નજર ફેરવો તો મહારાષ્ટ્રમાં ય વૃક્ષો સલામત નથી. મુંબઈ મહાપાલિકાએ એક દાયકામાં એના વિભિન્ન વોર્ડસમાંથી વૃક્ષ કાપવાની જે સત્તાવાર મંજૂરી આપી છે એ અનુસાર ક્રમશ: ‘વૃક્ષોનાં મોત’ થઈ રહ્યાં છે. આમાંથી છેલ્લાં ૬ વર્ષ દરમિયાન ૨૧ હજારથી વધુ વૃક્ષોનું રીતસર નિકંદન નીકળી ગયું છે. આ બધાં વૃક્ષનાં મોત માટે વિવિધ વિકાસ પ્રકલ્પો -જેમકે મેટ્રો-બુલેટ ટ્રેન-કોસ્ટલ રોડ-હાઈવે લિંક રોડ કારણભૂત છે.

આ ઉપરાંત હજુય હજારો વૃક્ષો પર મોત ભમે છે,જેમકે નજીકના ભવિષ્યમાં મુંબઈ- વડોદરા હાઈ-વે તૈયાર કરવા માટે કુલ ૩૯ હજાર વૃક્ષોના ખુરદો નીકળી જવાનો અંદાજ છે. (આમાંથી ૩૨ હજાર તો કયારનાં ઢળી ગયાં છે!)
આ તો હજુ ચાલી રહેલાં કત્લેઆમની વાત છે. પ્રશાસકોના વેઈટિંગ લિસ્ટમાં હજુ બે-ત્રણ પ્રકલ્પ પણ છે એટલે કે વૃક્ષો પર હજુય બીજાં કેટલાંક ડેથ વોરન્ટ નીકળવાના છે….બાન્દ્રાના સ્યૂઈજ સિસ્ટમ માટે પણ વૃક્ષોની આહુતિ આપવી પડશે. અહીંનાં મળ -મૂત્રની ગટરવ્યવસ્થા માટે ૧૯૦થી વૃક્ષ કપાશે .

એ જ રીતે, અત્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ( સીએસએમટી સ્ટેશન )ની કાયાપલટ માટે જે યોજના ઘડાઈ રહી છે એમાં હાલના તબક્કે અવરોધ બની રહેલા ૨૬૬ વૃક્ષને ‘સજા-એ-મોત’ થશે.!

બીજા શબ્દોમાં કહીએ તો એક વાર હરિયાળુ -હરિત ગણાતું મુંબઈ બહુ ઝડપથી એની ગ્રીન કોરિડોર ગુમાવી રહ્યું છે. વૃક્ષોની આવી કત્લેઆમથી ઊહાપોહ પણ જબરો થાય છે,છતાં લાગતા-વળાગતા તરફ્થી પર્યાવરણના ચાહકોને સંતોષકારક જવાબ નથી મળતા. આ દિશામાં આપણાં ન્યાયાલયોએ એક ખરેખર બિરદાવા જેવું પગલું ભર્યું છે.

વનસંપત્તિ અને એની ઉપયોગિતાને લગતા અનેક અવનવાં સંશોધન અવારનવાર થઈ રહ્યા છે.એ ધ્યાનમાં રાખીને આપણી સર્વોચ્ચ અદાલતે વૃક્ષવિજ્ઞાનના નિષ્ણાતોની એક સમિતિ નીમી છે,જેમણે વૃક્ષોનું મૂલ્યાંકન કરવાની કામગીરી સોંપવામાં આવી છે. ક્યા પ્રકારનું વૃક્ષ છે – કેટલાં વર્ષ જૂનું છે

  • એની ‘તબિયત’ કેમ છે? વગેરેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ જે તારણ કાઢ્યાં છે એ ખરેખર રસપ્રદ છે, જેમકે સામાન્ય રીતે એક વૃક્ષ દર વર્ષે સરેરાશ રૂપિયા ૪૫,૦૦૦નો ઑક્સિજન પેદા કરી પર્યાવરણને આપે ઉપરાંત રૂપિયા ૨૦,૦૦૦નું ખાતર અને રૂપિયા ૧૦,૦૦૦ના એનાં લાકડાની કિંમત ગણીએ તો એક વૃક્ષની માત્ર એક વર્ષની કુલ કિંમત થાય રૂપિયા ૭૫ હજાર ..( જો કે સમિતિએ અહીં વૃક્ષ દીઠ રૂપિયા ૭૪,૫૦૦ની કિંમત મૂકી છે) એટલે વૃક્ષ જેટલાં વર્ષ જૂનું એ આંકનો ગુણાકાર ૭૪,૫૦૦થી કરો તો એ વૃક્ષની ખરી કિંમત ગણાય..!

ટૂંકમાં ૧૦૦ વર્ષ જૂનાં એક હેરિટેજ- વારસાગત વૃક્ષની કિંમત ૧ કરોડથી પણ વધુ હોય શકે..!

દોઢેક વર્ષ પહેલાં વડોદરા નજીકના ગામમાં આવેલા એક પ્રાચીન વૃક્ષનું મૂલ્યાંકન થયું હતું . જાણકારો કહે છે એમ તે ૯૫૦ વર્ષ પુરાણું છે એ હિસાબે આજે એની કિંમત રૂપિયા ૧૦ કરોડથી વધુ આંકવામાં આવે છે !
જ્યારે પણ કોઈ પ્રોજેકટ માટે અવરોધ બનતાં વૃક્ષને દૂર કરવાની વાત આવે ત્યારે ન્યાયાલયોનો પહેલો આગ્રહ એ હોય છે કે વૃક્ષના વિચ્છેદને બદલે બને ત્યાં સુધી આજની આધુનિક ટેકનોલોજિથી એનું સ્થળાંતર કરવું. એ શક્ય ન બને તો કપાયેલાં વૃક્ષની ઉંમર અનુસાર પાંચથી લઈને ૨૦ સુધી નવાં વૃક્ષારોપણ કરવાં..

જો કે, જે રીતે મહારાષ્ટ્ર-મુબઈમાં જેઆડેધડ રીતે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એની રક્ષા માટે શહેરના સજાગ નાગરિકોની કેટલીક ‘સેવ -ટ્રી વૃક્ષ બચાવો ’ જેવી સંસ્થાઓ સચેત છે. સદભાગ્યે આપણી અદાલતો પણ પર્યાવરણની રક્ષા માટે એમને સાથ આપી રહી છે.

મોટેભાગે શહેરના વિકાસ અર્થે કે પછી કોઈ સ્થળની કાયાપલટ માટે મહાનગરનાં વૃક્ષોનો ભોગ સૌપ્રથમ લેવાય છે. ખાસ કરીને ,શહેરના નવાં નવાં મેટ્રો રેલવે રુટ પ્રોજેકટ માટે થોડા સમય પહેલાં મેટ્રો-૩નાં સ્ટેશન્સ માટે ૨૫૭થી વધુ વૃક્ષ કાપવા પડ્યાં હતાં. એમાંથી ૧૧૯ વૃક્ષને યોગ્ય સ્થળે ફરી રોપવામાં આવશે . એ જ રીતે,બાન્દ્રાના સ્યૂઈજ સિસ્ટમ માટે ૧૯૦થી વૃક્ષ કપાશે,પણ એની સાથે જેનોવિચ્છેદ થશે એવાં અન્ય ૩૫૫ વૃક્ષોનું સ્થળાંતર પણ કરવામાં આવશે આમ મુંબઈના બહુચર્ચિત મેટ્રો રેલવે પ્રોજેકટની કામગીરી દરમિયાન રેલવે બોર્ડ – રાજ્ય સરકારે કોર્ટના આવા આદેશનું પાલન કરવું પડે છે તો બીજી તરફ, કોલકાતામાં તૈયાર થઈ રહેલી એક સેવન સ્ટાર હોટેલના બાંધકામ વખતે પરવાનગી વગર ૬૦થી વધુ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે એવી ફરિયાદનો ઐતિહાસિક ચુકાદો આપતા કોલકાતા હાઈ કોર્ટેપેલી હોટેલને ફરમાન કર્યું છે કે પર્યાવરણને આ રીતે અક્ષમ્ય નુકસાન પહોંચાડવા બદલ વળતર રૂપે ૪૦ કરોડ રૂપિયા ગણી આપો અને બીજાં ૧૦૦ વૃક્ષ પણ તાત્કાલિક વાવો, નહીંતર!…
( સંપૂણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza