કૌશિક મહેતા
ડિયર હની,
આશા ભોસલેએ 92 વર્ષે વિદાય લીધી. એમની ગાયકીને આજે બધા યાદ કરે છે, પણ એમનું પહેલું લગ્નજીવન અતિ દુખ:દાયી હતું અને એમણે એકલા હાથે ત્રણ સંતાનનો ઉછેર કર્યો હતો એ બહુ ઓછા યાદ કરે છે. અરે! ત્રીજા સંતાનના જન્મ પહેલા એમને પતિએ ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આશાતાઈ ત્યારે ગર્ભવતી હતાં. એ હિંમત ના હાર્યા અને સંતાનોનો ઉછેર કર્યો.
આ વાત એટલા માટે કહી રહ્યો છું , સમાજમાં પરણ્યા બાદ કોઈ સમસ્યા થાય અને લગ્નજીવન ભાંગી પડે ત્યારે સિંગલ મધર તરીકે સમાજમાં જીવવાનું એક સ્ત્રી માટે બહુ પડકારજનક બની જાય છે, પણ આવું જ સિંગલ ફાધરનાં કિસ્સામાં બહુ ઓછું બને છે. એવું કેમ?
આશા ભોસલેનું જીવન ખરેખર સંઘર્ષ અને મક્કમતાની અદભુત મિશાલ છે. માત્ર 16 વર્ષની ઉંમરે ઘરના વિરોધ વચ્ચે લગ્ન કરવા, ત્રણ બાળકોના જન્મ બાદ 26 વર્ષની ઉંમરે પતિનું ઘર છોડવું અને પછી એકલા હાથે સંતાનોના ઉછેર સાથે સંગીતની દુનિયામાં ટોચ પર પહોંચવું એ કોઈ નાની વાત નથી. ભારતમાં આવા બીજા ઘણા પ્રેરણાદાયી કિસ્સાઓ પણ છે.
નીના ગુપ્તાએ 1980ના દાયકામાં ખૂબ જ હિંમત બતાવી હતી. લગ્ન વગર જ તેમણે દીકરી મસાબા ગુપ્તાને જન્મ આપ્યો અને સમાજ સામે લડીને તેને એકલા હાથે ઉછેરી. આજે મસાબા ભારતની ટોચની ફેશન ડિઝાઇનર છે અને નીના ગુપ્તા પણ અભિનય ક્ષેત્રે સફળ પુનરાગમન કરી ચુક્યાં છે તો સૈફ અલી ખાન સાથેના છૂટાછેડા પછી અમૃતા સિંહે પોતાના બંને બાળક સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો ઉછેર એકલા હાથે કર્યો.
આજે સારા બોલિવૂડની સફળ અભિનેત્રી છે અને તે હંમેશા તેની સફળતાનો શ્રેય તેની માતાના એકલા હાથે કરાયેલા ઉછેરને આપે છે. ટેલિવિઝન ક્ષેત્રે જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ બે વખત નિષ્ફળ લગ્ન જીવનનો સામનો કર્યો છે. ઘરેલુ હિંસા સામે લડીને તેમણે પોતાની દીકરી પલક તિવારી અને દીકરા રેયાંશને એકલા હાથે સાચવ્યા છે. પલક આજે ગ્લેમર જગતમાં પોતાનું નામ બનાવી રહી છે.
એવી બીજી ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા જે 39; ‘કોમોલિકા 39’; તરીક જાણીતી બની એટલે એણે પણ આશાજીની જેમ માત્ર 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા અને 17 વર્ષે જોડકાં બાળકોના જન્મ બાદ તે અલગ થઈ ગઈ હતી. માત્ર 18 વર્ષની ઉંમરે સિંગલ મધર તરીકે તેમણે પોતાના બંને દીકરાનો ઉછેર કર્યો અને કરિયરમાં પણ મોટી સફળતા મેળવી.
કમલ હાસન સાથેના છૂટાછેડા બાદ સારિકાએ પોતાની બંને દીકરીઓ શ્રુતિ હાસન અને અક્ષરા હાસનને ઉછેરી. આજે શ્રુતિ હાસન દક્ષિણ ભારત અને બોલિવૂડની નામાંકિત સ્ટાર અને ગાયિકા છે. આ બધી સ્ત્રી બહુ મજબૂત હતી બાકી સમાજ મોટાભાગે સિંગલ મધરને બિચારી જ ગણે છે. છૂટાછેડા થયા હોય, તો સમાજ આજે પણ સ્ત્રી પર શંકાની નજર વધુ જલ્દી નાખે છે. સામા પક્ષે સિંગલ ફાધરને સમાજ ખૂબ જ આદર અને કુતૂહલથી જુએ છે. પિતા જ્યારે બાળકની રસોઈ બનાવતા કે વેણી ગૂંથતા જોવા મળે ત્યારે લોકો તેને ખૂબ પ્રોત્સાહન આપે છે, જ્યારે સ્ત્રી માટે આ કામ સ્વાભાવિક ગણાય છે.
સમસ્યા ક્યારે શરૂ થાય છે?
ઘણા કિસ્સાઓમાં જો સ્ત્રી પહેલાથી વર્કિંગવુમન ન હોય તો તેને આર્થિક રીતે પગભર થવા માટે મોટો સંઘર્ષ કરવો પડે છે. તેને બાળકોની સુરક્ષા અને આર્થિક ચિંતા વધુ રહે છે, પણ મોટાભાગના સિંગલ ફાધર આર્થિક રીતે સધ્ધર હોય છે અને બાકીની જવાબદારી નિભાવવા માટે એમને ઘરના સભ્યો કે માણસોની મદદ મળી રહે છે.
જો કે, એક વાતે સ્ત્રી પુરુષથી આગળ નીકળી જાય છે. માતા સંવેદનશીલ હોવાથી બાળકની મન:સ્થિતિ જલ્દી સમજી શકે છે. તે બાળકને ઈમોશનલ સપોર્ટ આપી શકે છે. બીજી કેટલીક સમસ્યાઓ પણ છે. સિંગલ મધરને બહારની દુનિયામાં એકલા ફરવામાં કે વ્યવહારો પતાવવામાં ઘણીવાર સુરક્ષાનો ડર લાગે છે, કારણ કે સમાજ એમને શંકાની નજરે જુએ છે. કોઈ પુરુષ સાથે વધુ વાતચીત કરે તો આંગળી ચિંધવામાં આવે છે.
સિંગલ ફાધરને સમાજમાં કે મિત્રવર્તુળમાં હળવા-મળવામાં કોઈ બાધ આવતો નથી. અને હા, સિંગલ ફાધર પર સમાજ અને પરિવાર તરફથી ફરી લગ્ન કરવાનું દબાણ વધુ હોય છે કારણ કે, કે ઘરમાં સ્ત્રી વગર નહીં ચાલે એવું માનવામાં આવે છે. સિંગલ મધર ઘણીવાર પોતાનાં સંતાનોના ભવિષ્ય અને સુરક્ષા માટે ફરીથી લગ્ન ન કરવાનો મક્કમ નિર્ણય વધુ જલ્દી લઈ શકે છે.
મારું કહેવાનું એ છે કે, સિંગલ મધર માટે આર્થિક અને સામાજિક સ્વીકૃતિ મોટો પડકાર છે, જ્યારે સિંગલ ફાધર માટે ભાવનાત્મક જોડાણ અને ઘરકામનું સંચાલન મોટો પડકાર છે , પણ સમાજે બંને કિસ્સામાં દૃષ્ટિકોણ બદલવો પડશે. જૂની દ્રષ્ટિની જગ્યાએ નવી આંખે આવા કિસ્સામાં આગળ વધવું પડશે તો સિંગલ મધરની સમસ્યા ઓછી થશે.
તારો બન્ની