અજય મોતીવાલા
બે કહેવત બહુ સરસ છે. એક... ‘ઇતિહાસનું પુનરાવર્તન ક્યારેકને ક્યારેક થઈ જ જતું હોય છે’. બીજું, ‘વિક્રમ તૂટવા માટે જ બનેલા હોય છે’. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર ભારતનો જ કે રાજસ્થાન રૉયલ્સનો જ નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગતનો લાડલો વૈભવ સૂર્યવંશી થોડા સમયથી ધૂમ મચાવી રહ્યો છે. વૈભવ 15 વર્ષની ઉંમરે ક્રિકેટના ફલક પર એટલો બધો આગળ વધી ગયો છે કે અન્ડર-19 કૅટેગરીના મોટા ભાગના ખેલાડીઓ આ ઉંમરે પોતાની ગેમને હજી સમજી રહ્યા હોય છે, મજબૂત કરી રહ્યા હોય છે. જોકે તેણે તાજેતરમાં જિંદગીના 15 વર્ષ પૂરા કર્યા એટલે તેને ટીમ ઇન્ડિયામાં સમાવવાનાં સૂચનો આવવા લાગ્યાં છે.
ચાર સવાલ ચર્ચામાં
(1) 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આઇપીએલ પછી તરત જ ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ?
(2) વૈભવને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપીશું તો તેની વધુ ટૅલન્ટ બહાર આવશે? કે પછી તે માનસિક દબાણનો શિકાર થઈ જશે?
(3) આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બોજ ખમવાની ક્ષમતા 15 વર્ષના વૈભવમાં હજી છે ખરી?
(4) ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ-નિષ્ણાતોનું શું માનવું છે?
સચિનનો 37 વર્ષ જૂનો વિક્રમ તૂટી શકે
એક તરફ વન-ડે ટીમમાંથી પણ વિરાટ કોહલી અને રોહિત શર્માના નામની બાદબાકી થઈ જાય એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે ત્યારે 15 વર્ષના વૈભવને ભારતની ટી-20 ઉપરાંત વન-ડે ટીમમાં પણ સામેલ કરી શકાય એવી વાતો થવા લાગી છે. આઇપીએલ પછી વૈભવ જો ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરશે તો સચિન તેન્ડુલકરનો 16 વર્ષની ઉંમરના ડેબ્યૂનો 37 વર્ષનો ભારતીય વિક્રમ તોડી નાખશે.
બુમરાહના પ્રથમ બૉલમાં છગ્ગો મારવો એ તો જીગરવાળાનું જ કામ
જોકે મુખ્ય મુદ્દો એ છે કે વૈભવને આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બોજ ખમવા દેવો જોઈએ? તે 15 વર્ષની ટીનેજ વયે ઇન્ટરનૅશનલ ક્રિકેટનું દબાણ સહન કરી શકશે? આજે ક્રિકેટ માત્ર ટૅલન્ટની ગેમ નથી રહી, એમાં ખેલાડીના મનોબળની પણ કસોટી થાય છે અને તેણે સતત ફિટ પણ રહેવું પડે છે. વૈભવ આઇપીએલમાં જેવો એકાદ ધમાકેદાર ઇનિંગ્સ રમે એટલે ટીમ ઇન્ડિયામાં તેને લઈ જ લેવાની વાતો થવા લાગે છે. તેણે આ વખતની આઇપીએલમાં રાજસ્થાન વતી 265.00 જેટલા સ્ટ્રાઇક-રેટથી રન કર્યા છે.
બુમરાહ જેવા ડૅન્જરસ બોલર સામે પહેલા જ બૉલમાં સિક્સર ફટકારવી એ તો જીગરવાળાનું જ કામ કહેવાય, પણ વૈભવે બહુ ઝાકઝમાળ અને વધુ પડતી પ્રશંસાનો શિકાર ન થઈ જવાય એનું પણ ધ્યાન રાખવું પડશે. સોમવારે હૈદરાબાદના નવા પેસ બોલર પ્રફુલ હિન્ગે સામે વૈભવ પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. રાજસ્થાનની આગામી મૅચ રવિવારે (19મી એપ્રિલે) કોલકાતા સામે રમાવાની છે.
અન્ડર-19નો સિતારો
તાજેતરમાં જ ભારતને અન્ડર-19 વર્લ્ડ કપની ટ્રોફી અપાવવામાં મોટું યોગદાન આપનાર વૈભવનો મુદ્દો અત્યારે કેન્દ્રસ્થાને છે. આઇપીએલ પછી ભારતીય ક્રિકેટરો ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને વન-ડે રમશે, આયરલૅન્ડમાં ટી-20 શ્રેણી રમવા જશે અને ઇંગ્લૅન્ડમાં ટી-20 તથા વન-ડે સિરીઝ રમશે. આમાં વૈભવનો ક્યાંકને ક્યાંક ચાન્સ લાગી જશે એવી સંભાવના છે. તે જેમ-જેમ રમશે એમ વધુ ટૅલન્ટ બતાવતો જશે અને વધુ ઘડાતો જશે.
ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ નિષ્ણાતોનાં મંતવ્યો
(1) અનિલ કુંબલે: સ્પિન-લેજન્ડ અનિલ કુંબલે કહે છે કે ‘સચિન તેન્ડુલકર 1980ના દાયકામાં વૈભવ જેટલી જ ઉંમરે સેન્ચુરી પર સેન્ચુરી ફટકારતો હતો. અત્યારે વૈભવ પણ એવું પર્ફોર્મ કરી રહ્યો છે. 15 વર્ષની નાની ઉંમરે વૈભવ આંતરરાષ્ટ્રીય ટીમ વતી રમે તો તે થોડું પ્રેશર જરૂર અનુભવશે, પણ મને લાગે છે કે તે બે મહિના પછી વૈભવ ભારતીય ટીમમાં હશે અને કદાચ નહીં પણ હોય. જોકે સૂર્યવંશીનો આ ઊગતો સૂરજ તો કહી જ શકાય. કેટલાક ખેલાડી 28 વર્ષે ઊભરતા હોય છે અને વૈભવ 15 વર્ષે ઊભરી રહ્યો છે. આ વર્ષે નહીં તો એક વર્ષ પછી અથવા બે વર્ષ બાદ તે ભારત વતી રમતો જોવા મળશે જ. સિલેક્ટરો તેના પર્ફોર્મન્સ પર બારીકાઈથી નજર રાખશે જ.’
(2) ઇરફાન પઠાણ: ભૂતપૂર્વ પેસ બોલર ઇરફાન પઠાણે કહે છે કે ‘વૈભવને બાળપણથી જ ભાગ્યમાં ટૅલન્ટ મળી છે. 15 વર્ષની નાની ઉંમરે તે અભૂતપૂર્વ કમાલ બતાવી રહ્યો છે. બુમરાહ જેવા દિગ્ગજ બોલરના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારવી એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. એમાં જ તેના ભવિષ્યની ઝાંખી થઈ જાય છે. તે બોલરની ઍક્શન પર નહીં, પણ માત્ર બૉલ પર ફૉકસ રાખતો હોય છે અને એ રીતે ટ્રીટમેન્ટ આપતો હોય છે. આવા ટૅલન્ટેડ પ્લેયરને ભારતીય ટીમમાં સમાવી લેવા કોઈ જ વિલંબ ન કરવો જોઇએ.
(3) રવિચન્દ્રન અશ્ર્વિન: સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્ર્વિનનું માનવું છે કે ‘વૈભવને 15 વર્ષની નાની ઉંમરે ભારતીય ટીમ વતી રમવાનું કહેવામાં આવશે તો તેના મન પર મોટો બોજ આવી પડશે. હજી તે બાળક છે. ધોની જો 45 વર્ષની ઉંમર સુધી રમી શકતો હોય અને માની લઈએ કે વૈભવ 40 વર્ષની ઉંમર સુધી રમશે તો પછી તેના ડેબ્યૂની શરૂઆત માટે હજી થોડો સમય કાઢી શકાય. વૈભવને તેની નૅચરલ ગેમ ડેવલપ કરવા હજી થોડો સમય આપવો જોઈએ. થોડી ધીરજ રાખવી જોઈએ. તેના ડેબ્યૂ માટે હજી સમય નથી પાક્યો.’
(4) લલિત મોદી: આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી કહે છે, ‘વૈભવ આટલી નાની ઉંમરે જે આત્મવિશ્ર્વાસથી બૅટિંગ કરે છે એ કાબિલેદાદ છે. ભવિષ્યમાં તે ભારતીય ક્રિકેટનું નામ રોશન કરશે. ગયા વર્ષે 14 વર્ષની ઉંમરે તેણે રાજસ્થાન વતી જે પર્ફોર્મ કર્યું એ જોઈને હું ચોંકી જ ગયો હતો. મારા માનવામાં જ નહોતું આવતું. 35 બૉલમાં સેન્ચુરી! શું વાત છે!
(5) માઇકલ વૉન: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉનનું માનવું છે કે ‘શું વૈભવ 15 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કરશે તો મોટા પાયે રાખવામાં આવતી અપેક્ષાનો બોજ ખમી શકશે? મની અને સ્ટારડમ, આ બે બાબતને તે મૅનેજ કરી શકશે?