Fri Apr 17 2026

Logo

આઝાદીના 80 વર્ષ પછી પણ દેશની કડવી વાસ્તવિકતા.... કયા મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી?

2026-04-08 10:31:00
Author: Devayat khatana
Article Image

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન ભારતીય સમાજમાં વ્યાપ્ત પિતૃસત્તાક માનસિકતા પર આકરી ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, દેશમાં ભલે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ થઈ હોય, પરંતુ પિતૃસત્તા આજે પણ એક કડવી વાસ્તવિકતા છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ માનસિકતાને કારણે જ આજે પણ મહિલાઓ પર અત્યાચાર ચાલુ છે. આ દરમિયાન કોર્ટે રાજસ્થાનના એક વ્યક્તિની આજીવન કેદની સજા યથાવત રાખી હતી, જેણે પોતાની નવપરિણીત પત્નીને માત્ર એટલા માટે જીવતી સળગાવી દીધી હતી કારણ કે તેણે પતિને રસોઈ બનાવવા માટે કહ્યું હતું.

શું છે સમગ્ર મામલો?
આ ઘટના રાજસ્થાનના બુંદી જિલ્લાની છે, જ્યાં 2012માં શંકર નામના શખ્સના લગ્ન સુગના બાઈ સાથે થયા હતા. લગ્ન પછી તરત જ પતિના દારૂ પીવાના અને મારપીટ કરવાના ત્રાસથી કંટાળીને સુગના તેના પિયર જતી રહી હતી. શંકર ત્યાં પહોંચ્યો અને તેને ઘરે પાછા આવવા દબાણ કર્યું જેથી તે તેના માટે રસોઈ બનાવી શકે. જ્યારે સુગના પાછી આવી અને રસોઈ બનાવવા લાગી, ત્યારે નશામાં ધૂત શંકરે પહેલા તેની સાથે મારપીટ કરી અને ત્યારબાદ કેરોસીન છાંટી ઓરડામાં બંધ કરી આગ લગાડી દીધી હતી.

ટ્રાયલ કોર્ટે 2014માં શંકરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, જેને 2019માં હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચતા દોષિતના વકીલે દલીલ કરી હતી કે પત્નીનું મૃત્યુ પૂર્વેનું નિવેદન ભરોસાપાત્ર નથી, પરંતુ કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. મેડિકલ રિપોર્ટ અને ડોક્ટરોની પુષ્ટિના આધારે કોર્ટે માન્યું કે સુગના નિવેદન આપવાની હાલતમાં હતી અને તેનું નિવેદન સત્ય છે.

સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આઝાદીના આટલા વર્ષો પછી પણ મહિલાઓ માટે સમાનતા અને સન્માન સાથે જીવવાનો અધિકાર હજુ સાકાર થયો નથી. કોર્ટે અવલોકન કર્યું કે શહેરોમાં સ્થિતિ થોડી સુધરી છે, પરંતુ ગામડાઓ અને નાના શહેરોમાં આજે પણ ઘરની સંપૂર્ણ જવાબદારી માત્ર મહિલાઓ પર જ થોપવામાં આવે છે. કોર્ટે ઉમેર્યું કે મહિલા કમાતી હોય તો પણ તેની પાસે એવી જ અપેક્ષા રાખવામાં આવે છે કે તે કામ પર જતા પહેલા અને પરત ફર્યા પછી ઘરના તમામ કામો અને રસોઈમાં વ્યસ્ત રહે.