ન્યૂ યોર્કઃ અમેરિકામાં એક શીખ વ્યક્તિનું અપહરણ થયું છે. કેલિફોર્નિયાના સાન જોક્વિન કાઉન્ટીના ટ્રેસી વિસ્તારમાંથી ૫૭ વર્ષીય શીખ વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ મળે છે.
સાન જોક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર પીડિતની ઓળખ અવતાર સિંહ તરીકે થઇ છે. તેમની ઊંચાઇ ૫'૭" અને વજન આશરે ૨૦૦ પાઉન્ડ હોવાનું જણાવાયું છે. તેમ જ અપહરણ સમયે તેમણે હળવા રંગનો પરંપરાગત શીખ પોશાક પહેર્યો હતો.

પોલીસે જણાવ્યું કે સર્વેલન્સ ફૂટેજ અનુસાર મંગળવારે બપોરે આશરે ૨-૩૦ વાગ્યે(સ્થાનિક સમય) એક સફેદ એસયુવીમાં ઘેરા રંગના વસ્ત્રો પહેરેલા ત્રણ અજાણ્યા લોકો દ્વારા સિંહને ઉઠાવી લેવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે એવું લાગે છે કે પીડિત તેની ઇચ્છા વિરુદ્ધ કારમાં બેઠો હતો. આ મામલે તપાસકર્તાઓ સક્રિયપણે તપાસ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું કે હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે આ એક અલગ ઘટના લાગે છે. તેથી સમુદાય માટે કોઇ ખતરો નથી. પોલીસે આ ઘટના વિશે માહિતી ધરાવતા કોઇ પણ વ્યક્તિને તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે.