સાળંગપુર: આજે હનુમાન જયંતીનો સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં ભક્તોના ભારે ઘસારો રહ્યો છે, હનુમાન મંદિરોમાં આજે વિશેષ પૂજા તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરમાં હનુમાન જયંતીનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારમાં મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનું હૈયે હૈયું દળાયું હતું.

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતીના દિવસથી 'કૃતજ્ઞતા મહામહોત્સવ'નો ઉલ્લાસપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે દાદાના પ્રાગટ્યોત્સવ હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે દાદાની મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણી મહોત્સવનો આરંભ થયો હતો. દાદાના પ્રાગટ્યોત્સવ દિવસે 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના આ દિવ્ય દર્શનનો લ્હાવો લેવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી.

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઇકાલથી દ્વિદિવસીય કૃતજ્ઞતા મહા મહોત્સવનો શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો હતો. બુધવારે સવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું ઐતિહાસિક અને દિવ્ય ’રાજોપચાર પૂજન’ કરવામાં આવ્યું હતું.. વિદ્વાન બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે દાદાનું શાહી પૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે દાદાને ઓર્કિડ, ગુલાબ અને સેવંતીના પુષ્પોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આકર્ષણનું મુખ્ય કેન્દ્ર 1008 કિલો પુષ્પો દ્વારા કરવામાં આવેલા દિવ્ય અભિષેક અને પુષ્પવર્ષા હતી. આ મનોરમ્ય દ્રશ્ય જોઈને હજારો ભક્તો ભાવવિભોર થયા હતા.

મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. સાંજના સમયે કિંગ ઓફ સાળંગપુર સમૂહ આરતીમાં વિશાળ સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભક્તિનો અદ્ભુત માહોલ સર્જ્યો હતો. રાત્રે રંગબેરંગી આતશબાજી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની, જ્યારે લોકડાયરા કાર્યક્રમમાં નામાંકિત કલાકારોએ ભક્તિરસની રમઝટ બોલાવી હતી.