Fri Apr 17 2026

Logo

અમેરિકા-ઈરાન યુદ્ધ વિરામ અને રિઝર્વ બૅન્કે વ્યાજદર યથાવત્‌‍ રાખતા ડૉલર સામે રૂપિયો બાવન પૈસા ઉછળ્યો

2026-04-08 21:06:00
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનાં યુદ્ધમાં બે સપ્તાહના યુદ્ધ વિરામની જાહેરાત કરવાની સાથે આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ત્રણ દિવસીય નાણાનીતિની સમીક્ષાની બેઠકના અંતે વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા. વધુમાં બેઠકના અંતે રિઝર્વ બૅન્કના ગવર્નરે બાંયધરી આપી હતી કે તાજેતરમાં લેવામાં આવેલાં પગલાં કાયમી ધોરણનાં નથી. તેમ જ એચડીએફસી બૅન્કની સુપરવાઈઝરી તપાસમાં ગવર્નન્સને લગતી કોઈ ગેરરીતી ન હોવાનું જણાવ્યું હોવાથી ખાનગી બૅન્કિંગ ક્ષેત્રની યંત્રણાની સ્થિતિમાં પુન વિશ્વાસ સંપન્ન થવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બાવન પૈસાનો ઉછાળો આવ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 93.06ના બંધ સામે સુધારાના અન્ડરટોને 929.92ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.92 અને ઉપરમાં 92.45 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે બાવન પૈસાના ઉછાળા સાથે 92.54ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 16 પૈસાનો ઘટાડો આવ્યો હતો. 
છ સપ્તાહ સુધી ચાલેલાં અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારા, વેપારમાં થયેલા વિક્ષેપ અને રૂપિયામાં થયેલા ધોવાણ ઉપરાંત તેની ફુગાવા પર થનારી સંભવિત અસરોની આકારણીને ધ્યાનમાં લેતા રિઝર્વ બૅન્કે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી વ્યાજદર 5.25 ટકાના સ્તરે યથાવત્‌‍ રાખ્યા હતા અને ભવિષ્યની નાણાનીતિ માટે તટસ્થ વલણ અપનાવ્યું હતું. વધુમાં ક્રૂડતેલના વૈશ્વિક સરેરાશ ભાવ બેરલદીઠ 85 ડૉલર આસપાસની સપાટીએ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ 2027 દરમિયાન ડૉલર સામે રૂપિયો 94 આસપાસ રહેશે, એમ રિઝર્વ બૅન્કે ઉમેર્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.96 ટકા ઘટીને 98.90 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે યુદ્ધ વિરામની જાહેરાત બાદ બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 13.73 ટકા ઘટીને બેરલદીઠ 94.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 2946.32 પૉઈન્ટ અને 873.70 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 8692.11 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.