નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેનાથી ઉભી થયેલી કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બાદ આજે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગલ્ફ દેશોમાં લગભગ એક કરોડ ભારતીયો વસે છે અને તેમની સુરક્ષા ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. તેમણે ગૃહને ખાતરી આપી હતી કે સરકાર આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 3,75,000 થી વધુ ભારતીયો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે, જેમાં ઈરાનથી આવેલા 700 તબીબી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
વડાપ્રધાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા જહાજો અને તેમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બરો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ વૈશ્વિક વેપારનો મુખ્ય માર્ગ હોવાથી યુદ્ધના કારણે જહાજોની અવરજવર પડકારજનક બની છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત રાજદ્વારી પ્રયાસો અને સંવાદ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા સહિતના દેશો સાથે સતત સંપર્કમાં છે. PMએ કહ્યું કે માનવ જીવન માટેનો કોઈપણ ખતરો માનવતાના હિતમાં નથી, તેથી ભારતે શાંતિ અને સંવાદનો પક્ષ લીધો છે.
VIDEO | Addressing Rajya Sabha, PM Modi (@narendramodi) said,
— Press Trust of India (@PTI_News) March 24, 2026
"West Asian war has impacted us all. I want to express the government's stance on this war in front of the House and the people of India. This war has been going on for over 3 weeks. It has created a serious fuel… pic.twitter.com/DJWgheThUB
યુદ્ધની આર્થિક અસરો અંગે ચર્ચા કરતા PM મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલા આ યુદ્ધે વિશ્વભરમાં ઈંધણની ગંભીર સમસ્યા ઉભી કરી છે, જેની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. જોકે, તેમણે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા હતા કે ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક અને સતત પુરવઠાની વ્યવસ્થા છે. સરકારે દેશમાં ૬૫ લાખ મેટ્રિક ટન ગેસની વ્યવસ્થા પર કામ શરૂ કરી દીધું છે અને છેલ્લા ૧૦ વર્ષમાં ભારતની રિફાઇનિંગ ક્ષમતામાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે.
VIDEO | Delhi: Addressing Rajya Sabha on West Asia crisis, PM Modi (@narendramodi) says, “All the countries have assured full safety for the Indians present there. However, it is very unfortunate that due to the attacks, some Indians have lost their lives and some have been… pic.twitter.com/ljT0b9HkXk
— Press Trust of India (@PTI_News) March 24, 2026
આગામી વાવેતરની સીઝનને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને ખેડૂતોને ખાસ ખાતરી આપી હતી કે સરકાર ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે દુર્ભાગ્યપૂર્ણ હુમલાઓમાં જીવ ગુમાવનારા ભારતીયોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને યોગ્ય તબીબી સારવારની ખાતરી આપી હતી. અંતમાં તેમણે ઉમેર્યું કે ભારત આ યુદ્ધની પરિસ્થિતિમાં પણ મુત્સદ્દીગીરી દ્વારા જહાજોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે.