કૂવા ફરતે એકાદ દોઢ ફૂટની જ પાળ: બાળકોના મેળાવડાના કાર્યક્રમમાંથી પાછા ફરતી વખતે કાર કૂવામાં પડી: કૂવા સુધીના પાકા રસ્તા પછી કાચા રસ્તે વાળવામાં ડ્રાઈવર થાપ ખાઈ ગયો: કૂવાના માલિક વિરુદ્ધ પણ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાશિકમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં બાળકોના મેળાવડાના કાર્યક્રમમાંથી પાછા ફરી રહેલા પરિવારની કાર કઠેડો તોડીને કૂવામાં પડી હતી. આ ઘટનામાં છ બાળક સહિત નવ જણે જીવ ગુમાવ્યા હતા. કૂવા પાસે પૂરા થતા પાકા રસ્તા પછી કાચા રસ્તે વાળવામાં કારનો ડ્રાઈવર થાપ ખાઈ જતાં આ ગોઝારો અકસ્માત થયો હતો. પોલીસે કાર ચલાવનારા સહિત કૂવાના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.
નાશિક ગ્રામીણ પોલીસના દિંડોરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની રાતે 10.15 વાગ્યે દિંડોરીના શિવાજીનગર ખાતે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ સુનીલ દત્તાત્રય દરગોડે (32) તેની પત્ની રેશમા (27), આશા અનિલ દરગોડે (32) તેમ જ તેમનાં સંતાનો ગુણવંતી (11), શ્રેયસ (11), શ્રાવણી (11), સૃષ્ટિ (14), શ્રદ્ધા (13) અને સમૃદ્ધિ (7) તરીકે થઈ હતી. પોલીસ અધિકારી પાનસરેએ જણાવ્યું હતું કે નાશિકના દિંડોરી તાલુકાના ઈંદોરે ગામમાં રહેતો દરગોડે પરિવાર શુક્રવારની સાંજે દિંડોરી શહેરમાં આવેલા રાજે બૅન્ક્વેટ હૉલમાં આવ્યો હતો. આ હૉલમાં ખાનગી ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓના મેળાવડાનું આયોજન કરાયું હતું. બાળકોના સિંગિંગ અને ડાન્સિંગ સહિત અન્ય કાર્યક્રમોમાં વાલીઓ પણ હાજર રહ્યા હતા.
કહેવાય છે કે મેળાવડો પત્યા પછી દરગોડે પરિવાર મારુતિની એક્સ.એલ.-સિક્સ કારમાં ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેમને કાળ ભરખી ગયો હતો. કાર ખેતીવાડી પર નભતા દરગોડે પરિવારનો સુનીલ ચલાવી રહ્યો હતો. પુરપાટ દોડતી કાર પરથી સુનીલે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેને કારણે કાર ખુલ્લા કૂવામાં પડી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સિમેન્ટ-કૉન્ક્રીટનો પાકો રસ્તો કૂવા સુધી જ બનાવવામાં આવ્યો હતો. રસ્તાને છેવાડે મોટો કૂવો હતો, જેની ફરતે માત્ર એકાદ દોઢ ફૂટ જેટલી જ પાળ બાંધવામાં આવી હતી. આ નાની પાળને તોડી કાર કૂવામાં જઈ પડી હતી. કૂવા પાસેથી ડાબે વળાંક લઈને કાચા રસ્તા પર કારને વાળવામાં સુનીલ થાપ ખાઈ ગયો હશે, એવું અનુમાન પોલીસે લગાવ્યું હતું.
દરમિયાન અકસ્માતની જાણ થતાં ગામવાસીઓ દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બે ક્રેન અને તરવૈયાઓની મદદથી કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. કારમાં હાજર નવેનવ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. પોલીસે તેમના મૃતદેહો સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
આ પ્રકરણે દિંડોરી પોલીસે કાર ચલાવનારા સુનીલ દરગોડે અને કૂવાના માલિક રાજેન્દ્ર પર્વતરાય રાજે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બેદરકારીથી કાર ચલાવીને પોતાના અને કારમાં હાજર અન્યોનાં મૃત્યુ માટે જવાબદાર ઠરવા બદલ સુનીલ વિરુદ્ધ જ્યારે રસ્તા વચ્ચે કૂવો બનાવી સુરક્ષાની દૃષ્ટિએ તારકમ્પાઉન્ડ અથવા મોટી પાળ ન બનાવવા બદલ રાજેન્દ્ર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.