રાજેશ યાજ્ઞિક
તે રટગર્સ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટ ધરાવે છે, ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સ અને બાર્ડ કોલેજમાંથી બાર્ડ ગ્લોબલાઇઝેશન એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સ પ્રોગ્રામ કરી ચૂકી છે. ધ યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ ઇન્ડિયા: અ હિસ્ટ્રી થ્રુ આર્કાઇવ્ઝ ધ ફોર્મેટિવ યર્સ અને ધ યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ ઇન્ડિયા: અ હિસ્ટ્રી થ્રુ આર્કાઇવ્ઝ ધ લેટર યર્સ સહિત અનેક પુસ્તકોના સહ-સંપાદક અને સહ-લેખક રહી છે. આ ઉપરાંત પણ તે શૈક્ષણિક ક્ષેત્રે ઘણું કામ કરી ચૂકી છે.
જોકે આ બધાં મુખ્ય કારણ નથી કે આપણે આ મહિલા વિશે આજે વાત કરી રહ્યા છીએ. આ અમેરિકન મહિલા ભારતવાસી બનીને તે કામ કરી રહી છે, જે ભારતવાસી હોવા છતાં ઘણી કહેવાતી સમાજસેવિકાઓ નથી કરી રહી. તેનું નામ છે માર્ટા વાન્ડુઝર-સ્નો. કદાચ આ નામ અજાણ્યું લાગતું હશે. તેણે લોકોનું જીવન બદલવા માટે પોતાનો દેશ છોડી દીધો એમ વિચારીને કે આ લોકોને મારી વધારે જરૂર છે.
માર્ટા પહેલા 2004માં ભારત આવી હતી. ત્યારે તેની મુલાકાત તેની શૈક્ષણિક કારકિર્દીને લગતી હતી. પણ અહીં આવીને તે ભારતના લોકોથી ભારે પ્રભાવિત થઇ. તેના ડોક્ટરેટના દિવસોમાં તેણે અમર્ત્ય સેનનું ‘ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ’ વાંચ્યું. તેનો તેના પર ઘણો પ્રભાવ પડ્યો.માર્ટાનો અંતરાત્મા તેને કહી રહ્યો હતો કે તે જે પ્રકારનું કાર્ય કરવા માંગે છે,જે રીતે તે સમાજના લોકોના હૃદયને સ્પર્શવા માગે છે તેના માટે ભારતથી ઉત્તમ જગ્યા બીજી કોઈ હોઈ ન શકે. તેથી તેણે 2012માં ફરીથી ભારત આવવાનું નક્કી કર્યું.
તેણે ઉત્તર પ્રદેશના એક અલ્પ વિકસિત ગામ જગતપુરનો સર્વે કર્યો અને દરેક ઘરને પૂછ્યું કે તેઓ તેમના ઘરો અને તેમના સમુદાયો માટે શું ઇચ્છે છે અને લગભગ બધાએ એક જ જવાબ આપ્યો: શૌચાલય, કેમકે ગામના મોટાભાગનાં ઘરોમાં ટોઇલેટ હતાં જ નહીં! તેથી માર્ટાએ શૌચાલય બનાવવા પર કામ કરવાનું શરૂ કર્યું.
રાજીવ ગાંધી મહિલા વિકાસ પરિયોજનામાં સ્વયંસેવક તરીકે માર્ટા જોડાઈ અને ઉત્તર ભારતના ગ્રામજનોને શૌચાલયની સુવિધા આપીને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યાથી છુટકારો અપાવવાનું શરૂ કર્યું. વહેલી સવારે અથવા મોડી રાત્રે ખુલ્લામાં શૌચ કરવા માટે મજબૂર થતી સ્ત્રીઓની દુર્દશા જોઈને તેણે બાષ્પીભવન શૌચાલયનો ખ્યાલ રજૂ કર્યો, જે માનવ કચરા પર કુદરતી રીતે પ્રક્રિયા કરે છે અને તેનો નિકાલ કરે છે.
રસપ્રદ વાત એ છે કે, માર્ટા દ્વારા ઉપયોગમાં લેવાતું બાષ્પીભવન-પ્રવાહી શૌચાલય મોડેલ બ્રાઝિલ સરકારે અપનાવેલા મોડેલથી પ્રેરિત છે. તેનાથી પણ વધારે રસપ્રદ વાત એ છે કે, તે ફક્ત 9,978 રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવી રહી છે, જે સરકારી ખર્ચ કરતાં અડધો છે! આ ડિઝાઇનનો સૌથી મોટો ફાયદો એ છે કે શૌચાલય ટાંકીને સાફ કરવાની કે જાળવવાની કોઈ જરૂર નથી. તે એક કુદરતી પ્રણાલી છે, જે તમામ માનવ મળમૂત્રને શોષી લે છે....
2018માં, માર્ટાએ સફલગ્રામ-બેટર વિલેજ બેટર વર્લ્ડની સ્થાપના કરી. જ્યાં લોકોને ખરેખર એની જરૂર હોય ત્યાં યોગદાન આપવાની ઇચ્છા સાથે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે.
માર્ટા કહે છે કે મેં બુદ્ધની જીવનકથામાંથી બોધપાઠ લેવાનું શરૂ કર્યું. માર્ટા ગ્રામીણ ભારતમાં આવી, ત્યારે તેણે જોયું કે, શૌચાલયનો અભાવ છોકરીઓના શાળાએ જવાનું ટાળે છે. એ જ રીતે વીજળીનો અભાવ પોષણને અસર કરે છે. આને ધ્યાનમાં રાખીને છેલ્લાં સાત વર્ષમાં માર્ટાએ સફલગ્રામે સ્વચ્છતા, માળખાગત સુવિધાઓ અને સ્વચ્છ પીવાના પાણી પોંહચાડવાના હેતુથી બીજા અનેક મુખ્ય પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે.
સફલગ્રામે પારગમ્ય રસ્તાની ડિઝાઇન પણ રજૂ કરી છે એટલે કે એવા રસ્તા જે વરસાદી પાણીને સપાટી પરથી પસાર થઈ જમીનમાં પ્રવેશવા દે છે. તેને કારણે વરસાદી પાણીના વહેણમાં ઘટાડો થાય, ધોવાણ ઘટે, ગરમીની અસર ઘટાડે ...આવા રસ્તા કિફાયતી દરે તૈયાર કરી શકાય છે. આની સાથે સ્વચ્છ પીવાના પાણી માટે, તેની સંસ્થાએ ધીમી રેતી ગાળણક્રિયા પ્રણાલીઓ અમલમાં મૂકી છે. પરંપરાગત પદ્ધતિમાં રેતી અને પથ્થરોના સ્ટ્રોમમાંથી પસાર થઈને ફિલ્ટર થયેલું પાણી ટાંકીઓમાં જમા કરવામાં આવે છે...
જોકે આ બધાં કામ કરવા સહેલાં નહોતાં. એક તો પરદેશી મહિલા, પાછું સાવ અલ્પ વિકસિત ગામડામાં જઈને કામ કરવાનું, ત્યાંના સરકારી કર્મચારીઓ પાસેથી સહયોગ મેળવતા નાકે દમ નીકળી જાય, ઉપરાંત ગામલોકોનો વિશ્વાસ જીતવો સહેલો ન હતો.
માર્ટાએ આ બધાં કર્યો કરવા પાછળ ગાંઠનું ગોપીચંદન પણ કર્યું છે, પણ તેનાં કાર્યોના કારણે ગામના 500 પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું એ હકીકત છે.
શૌચાલયની સુવિધાને લીધે ગામની બહેન-દીકરીઓના આત્મસન્માનમાં વધારો થયો. પીવાનું ચોખ્ખું પાણી મળતું થતાં આરોગ્ય સુધર્યું. શાળાએ ન જતાં બાળકો શાળાએ જતાં થયાં. હવે તેની સંસ્થા સોલાર પેનલ બેસાડીને વીજળીનો ખર્ચ ઓછો કરવા પર ધ્યાન આપી રહી છે.
બીજી તરફ સમાજ સેવાના નામે માત્ર દેખાડો અને દંભ કરતા કહેવાતા નેતાઓ અને સમાજસેવકોએ અને આપણે સુધ્ધાં માર્ટાના જીવન અને કાર્યમાંથી પ્રેરણા લેવા જેવી છે. માર્ટા જેવો નાનકડો પણ પ્રયત્ન જો સાચા દિલથી થાય તો અનેકના જીવનમાં ચોક્કસ ઉજાસ પાથરી શકાય...