Sat Apr 18 2026

Logo

ગૂગલ પર અચાનક કેમ ટ્રેન્ડમાં આવ્યું Lockdown ?

2026-03-25 10:46:00
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ ગૂગલ હાલ Lockdown In india 2026 ટોપ ટ્રેન્ડમાં છે. આ પાછળનું કારણ 24 માર્ચની તારીખ છે. 2020માં 24 માર્ચના રોજ દેશભરમાં લોકડાઉન લાદવાની જાહેરાત થઈ હતી. લોકો દિવસને યાદ કરીને તેમના અનુભવો શેર કરી રહ્યા છે.

ગૂગલ સર્ચમાં Lockdown in India વર્ડમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતો માને છે કે કોવિડના સમયની યાદો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે લોકોમાં ચિંતા વધી છે. 24 માર્ચ, 2020 ના રોજ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થઈ હતી.  તેની યાદો હજી પણ લોકોના દિમાગમાં છે. આ ઉપરાંતવડા પ્રધાન મોદીએ સંસદમાં સોમવારે કરેલા સંબોધન બાદ દેશભરના પેટ્રોલ પંપો પર લોકોએ ઈંધણ પુરાવા લાઈનો લગાવી હતી. જેના કારણે લોકોને કોરોના કાળ યાદ આવ્યો હતો અને હેશટેગ લોકડાઉન ઈન ઈન્ડિયા ટ્રેન્ડ શરૂ થયો હતો.

ઉલ્લેખનીય છે કે મિડલ ઈસ્ટમાં કટોકટીના કારણે  વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઊર્જા પુરવઠો હોર્મુઝની ખાડી ટૂંક સમયમાં ફરી ખુલે તેવા કોઈ સંકેતો નથી, જેના પરિણામે એશિયાના અનેક દેશો પર ભારે દબાણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિ એક 'સ્લો-બર્નિંગ' કટોકટી જેવી છે, જેમાં દરેક પસાર થતા અઠવાડિયા સાથે તણાવ સતત વધી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝની ખાડી દ્વારા થતી જહાજોની અવરજવર અટકી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના તેલનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. હવે તેલના ભાવ ઉછળીને બેરલ દીઠ 112 અમેરિકી ડોલર પર પહોંચી ગયા છે. અમેરિકામાં ગેસના ભાવ વધીને પ્રતિ ગેલન 5 ડોલર થઈ ગયા છે. પરિવહન ખર્ચ  વધવાને કારણે દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ દરમિયાન સંસદમાં પોતાના તાજેતરના સંબોધનમાં વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાનો સ્વીકાર કર્યો હતો. વડા પ્રધાને પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભારત માટે આ કોવિડના સમય જેવી તૈયારી રાખવાનો સમય છે, જે માટે સંકલિત પ્રતિભાવ અને તત્પરતા જરૂરી છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે મિડલ ઈસ્ટના સંકટે અભૂતપૂર્વ આર્થિક અને સુરક્ષા પડકારો ઉભા કર્યા છે. તેમના મતે, આ યુદ્ધની અસર વૈશ્વિક અર્થતંત્ર માટે લાંબા ગાળાની અને ગંભીર હોઈ શકે છે.

વડાપ્રધાન મોદીએ ખાતરી આપી છે કે ભારતમાં હાલમાં કોઈ તાત્કાલિક ઉર્જા સંકટ નથી. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પુરવઠો સુદ્રઢ રીતે જાળવી રાખવામાં આવી રહ્યો છે. સરકાર સક્રિયપણે આયાતના વિકલ્પો શોધી રહી છે અને સપ્લાય રૂટ સુરક્ષિત કરી રહી છે.

વિશ્વભરમાં ફ્યુઅલ મર્યાદાની શરૂઆત:

અહેવાલો અનુસાર, વિશ્વના અનેક દેશોએ તેલના વપરાશ પર મર્યાદાલાદવાનું શરૂ કર્યું છે. જાપાનમાં એનર્જી વાઉચર્સ દ્વારા ફ્યુઅલ રેશનીંગ લાગુ કરવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયામાં પણ આવા જ પગલાં લેવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ અને શ્રીલંકામાં પેટ્રોલ માટે લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સરકારે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

ભૌગોલિક અને આર્થિક સ્થિતિ

ભારત તેના કુલ તેલના વપરાશના લગભગ 80 ટકા હોર્મુઝની ખાડી મારફતે આયાત કરે છે. બીજી તરફ, પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જે તેલના વધતા ભાવને કારણે વધુ વણસ્યું છે.

ભારતમાં ખાસ કરીને રાંધણ ગેસ (LPG) પર તેની અસર જોવા મળી રહી છે. કેટલાક શહેરોમાં ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ, લાંબી કતારો અને નવા કનેક્શન પર કામચલાઉ રોક જોવા મળી રહી છે. અનેક જગ્યાએ લોકોએ સિલિન્ડર માટે દિવસો સુધી રાહ જોવી પડે છે અને કાળાબજારમાં ભાવમાં ઉછાળો આવ્યો છે. સરકારે નિકાસ કરતા સ્થાનિક માંગને પ્રાથમિકતા આપી છે અને ઇંધણ બચાવવા માટે ઔદ્યોગિક ગેસ સપ્લાયમાં કાપ મૂક્યો છે. ભારતે LPG ઉત્પાદન વધાર્યું છે, શિપમેન્ટના રૂટ બદલ્યા છે અને નાગરિકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા વિનંતી કરી છે.