અમૂલ દવે
માર્ચ 2026ના આ અંધકારમય દિવસોમાં વિશ્વ એક એવી વિનાશક જ્વાળાનો સાક્ષી બની રહ્યું છે, જેણે માનવતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના પાયા હચમચાવી દીધા છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા-ઇઝરાયલે ઇરાન પર જે આશ્ર્ચર્યજનક હવાઈ હુમલાઓ શરૂ કર્યા, તે માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ એક સાર્વભૌમ રાષ્ટ્રના અસ્તિત્વ પરનો સીધો પ્રહાર છે. આ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈ સહિતના ટોચના નેતૃત્વની હત્યા એ સ્પષ્ટ કરે છે કે આક્રમકો આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મર્યાદાઓને નેવે મૂકી ચૂક્યા છે.
આ યુદ્ધની શરૂઆત અને તેની આક્રમકતા સંપૂર્ણપણે અમેરિકા અને ઇઝરાયલ તરફથી છે, જેઓ આંતરરાષ્ટ્રીય કાયદાને પોતાના પગ તળે દબાવી રહ્યા છે. આ ભયાનક પરિસ્થિતિમાં સૌથી વધુ આઘાતજનક અને ચિંતાજનક બાબત એ છે કે વિશ્વમાં જાણે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) કે સુરક્ષા પરિષદ (સિક્યોરિટી કાઉન્સિલ) જેવી કોઈ સંસ્થાઓ અસ્તિત્વમાં જ ન હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય સંગઠનો, જેનો મૂળભૂત હેતુ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિ જાળવવાનો અને નબળા દેશોને શક્તિશાળી દેશોની આક્રમકતાથી બચાવવાનો હતો, તે આજે માત્ર મૌન પ્રેક્ષક બનીને રહી ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની કલમ 2(4), જે કોઈપણ દેશ વિરુદ્ધ બળપ્રયોગની મનાઈ કરે છે, તેનો આજે સરેઆમ ભંગ થઈ રહ્યો છે, છતાં ન્યાય આપનારી આ સર્વોચ્ચ સંસ્થા લાચાર દેખાય છે.
આ સંસ્થાઓની નિષ્ક્રિયતાએ શક્તિશાળી દેશોને આંતરરાષ્ટ્રીય નિયમોનું નિરંકુશ ઉલ્લંઘન કરવાની છૂટ આપી દીધી હોય તેમ જણાય છે. જેવી રીતે અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધમાં પુતિન અને પેલેસ્ટાઈન સંઘર્ષમાં નેતન્યાહુને યુદ્ધ અપરાધો માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા, તેવી જ રીતે આ વર્તમાન સંઘર્ષમાં પણ અમેરિકા અને ઇઝરાયલ વૈશ્વિક નૈતિકતાનું ચીરહરણ કરી રહ્યા છે. સુરક્ષા પરિષદમાં વીટો પાવરનો દુરુપયોગ કરીને ન્યાયની પ્રક્રિયાને રૂંધવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય માણસનો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.
યુદ્ધની સૌથી ભયાનક અને કાળજું કંપાવનારી બાજુ એ છે કે આક્રમકોએ માત્ર લશ્કરી છાવણીઓ જ નહીં, પરંતુ ગીચ વસ્તીવાળા નાગરિક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે. બંદર અબ્બાસ પાસે મિનાબમાં આવેલી એક ક્ધયા શાળા પર થયેલો અમેરિકી મિસાઇલ હુમલો એ આધુનિક યુગનું સૌથી મોટું કલંક છે. આ હુમલામાં 170થી વધુ માસૂમ છોકરીઓના જીવ ગયા, જેમનાં સપનાઓ અને ભવિષ્યને ક્ષણભરમાં રાખ કરી દેવામાં આવ્યા.
આ કોઈ અકસ્માત નથી, પરંતુ જીનિવા કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે નાગરિકો અને શૈક્ષણિક સંસ્થાઓને યુદ્ધના મેદાનથી અલગ રાખવાની હિમાયત કરે છે. જ્યારે આક્રમકો આવા સંવેદનશીલ સ્થળો પર હુમલો કરે છે, ત્યારે તે સાબિત થાય છે કે તેમના માટે માનવ જીવનની કોઈ કિંમત નથી. પેલેસ્ટાઈનના ગાઝામાં ઇઝરાયલે જે રીતે હજારો બાળકો અને મહિલાઓની હત્યા કરીને નરસંહાર કર્યો, તે જ ક્રૂરતાનો નવો અધ્યાય હવે ઈરાનની ધરતી પર લખાઈ રહ્યો છે.
માનવતા વિરુદ્ધના આ ગુનાઓ માત્ર શારીરિક હિંસા કે રક્તપાત સુધી મર્યાદિત નથી, પરંતુ તે જીવન ટકાવવા માટેના અનિવાર્ય સ્ત્રોતો સુધી વિસ્તર્યા છે. ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનના કેશમ આઇલેન્ડ પરના ડેસાલિનેશન (પાણી શુધ્ધીકરણ) પ્લાન્ટ પર હુમલો કરીને 30 થી વધુ ગામડાઓનો પીવાના પાણીનો પુરવઠો કપાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા મુજબ, નાગરિક વસતીના અસ્તિત્વ માટે અનિવાર્ય એવા સંસાધનો પર હુમલો કરવો એ ગંભીર યુદ્ધ અપરાધની શ્રેણીમાં આવે છે.
પાણી વગર તડપતા લોકોની વેદના એ આક્રમકોની જીત નથી, પરંતુ તેમની નૈતિક હાર છે. જ્યારે ઇરાને આ અન્યાય અને બર્બરતાના જવાબમાં બહેરિનના ખારા પાણીને મીઠા પાણી બનાવતા પ્લાન્ટ પર પ્રહાર કર્યો, ત્યારે પશ્ચિમી મીડિયા અને દેશોએ ઉલટાનું ઇરાન પર જ ‘આક્રમકતા’ના આરોપો લગાવ્યા. ઈઝરાયલે ઈરાનના તેલ અને ગેસનાં મથકો પર હુમલો કરતા ઈરાને અખાતના દેશો પર પ્રતિ હુમલો કર્યો હતો. અમેરિકાએ આ હુમલા અંગે પોતાના હાથ ખંખેરી દીધા છે અને બધો દોષ ઈઝરાયલ પર નાખી દીધો છે.
આ યુદ્ધ હવે પરમાણુ ક્ષેત્રે પણ અત્યંત જોખમી વળાંક લઈ રહ્યું છે. નાતાંઝ ન્યુક્લિયર પ્લાન્ટ પર કરવામાં આવેલા હુમલાઓએ માત્ર ઈરાન જ નહીં, પરંતુ સમગ્ર પશ્ર્ચિમ એશિયામાં પર્યાવરણીય અને રેડિયોએક્ટિવ હોનારતનું જોખમ ઊભું કર્યું છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) અને અન્ય ન્યુક્લિયર વોચડોગ સંસ્થાઓના વિરોધ અને ચેતવણી છતાં આ હુમલાઓ કરવામાં આવ્યા, જે બતાવે છે કે આંતરરાષ્ટ્રીય દેખરેખ રાખતી સંસ્થાઓ હવે માત્ર કાગળ પરની વાઘ બની ગઈ છે.
જવાબમાં ઇરાને ઇઝરાયલના ડિમોના ન્યુક્લિયર સ્થળ પર જે મિસાઇલ હુમલો કર્યો અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલું 48 કલાકનું અલ્ટિમેટમકે જો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને તુરંત ખુલ્લું કરવામાં નહીં આવે તો ઈરાનના તમામ પાવર ગ્રીડ અને પાવર પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે તે આંતરરાષ્ટ્રીય દાદાગીરીનો તાદૃશ્ય નમૂનો છે. હોર્મુઝની ખાડી એ ઈરાનના સાર્વભૌમ જળસીમાનો ભાગ છે અને તેના પર પોતાનું નિયંત્રણ લાદવું એ ઈરાનનો કાનૂની અધિકાર છે. ટ્રમ્પની આ ધમકીઓ માત્ર માનવ અધિકારોનું જ નહીં, પણ વૈશ્વિક આર્થિક સ્થિરતાનું પણ ઉલ્લંઘન છે.
ઈરાનનો પ્રતિકાર એ માત્ર લશ્કરી લડાઈ નથી, પરંતુ તે ન્યાય અને સ્વમાનની લડાઈ છે. જ્યારે વિશ્વની તમામ મોટી સંસ્થાઓ મૌન ધારણ કરી લે અને જ્યારે સુરક્ષા પરિષદ માત્ર નિવેદનો પૂરતી મર્યાદિત રહી જાય, ત્યારે એક રાષ્ટ્ર પાસે પોતાના અસ્તિત્વ માટે લડવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આ યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે, છતાં વિશ્વ સમુદાય હજુ પણ કોઈ ઠોસ કાર્યવાહી કરવા તૈયાર નથી. માનવ અધિકારોની વાતો કરનારા દેશો આજે પોતે જ તે અધિકારોનું ગળું ઘોંટી રહ્યા છે.
વિશ્વે હવે એ સમજવાની જરૂર છે કે જો આજે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંસ્થાઓની ગરિમા જાળવવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈ પણ દેશ સુરક્ષિત રહેશે નહીં. આક્રમકોને પાઠ ભણાવવો અને તેમને આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવાબદાર ઠેરવવા એ માત્ર ઈરાન માટે જ નહીં, પણ સમગ્ર માનવતાના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. જે રીતે ઇતિહાસમાં અત્યાચારીઓનો અંત આવ્યો છે, તે જ રીતે આ નિરંકુશ ઉલ્લંઘન કરનારાઓએ પણ વૈશ્વિક ન્યાયનો સામનો કરવો જ પડશે. આજે વિશ્વે એક થઈને આ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ અને આ જંગને રોકવા માટે દબાણ લાવવું જોઈએ, કારણ કે યુદ્ધ ક્યારેય શાંતિનો માર્ગ હોઈ શકતું નથી, તે માત્ર વિનાશ નોતરે છે.