Fri Apr 17 2026

Logo

બનાસકાંઠાનું ઉણ ગામ 'રણમેદાન' બન્યું: દીકરીને પરત લેવા બે સમાજ આમને-સામને, તોડફોડ અને પોલીસ લાઠીચાર્જ...

2026-03-18 19:44:33
Author: Vimal Prajapati
Article Image

ઓગડઃ બનાસકાંઠામાં અત્યારે સમાજવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. રબારી સમાજ અને ચૌધરી સમાજ અત્યારે સામ-સામે આવી ગયાં છે. કિંજલ રબારીના વિવાદ પછી હવે ચૌધરી સમાજ પણ પોતાની દીકરી પાછી માંગી રહ્યાં છે. ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરી પરત લાવવા મુદ્દે આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલા રૂણી ગામમાં ચૌધરી સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું. આ મહાસંમેલન દરમિયાન મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. 

ચૌધરી સમાજના દીકરીને લેવા ઉણ ગામમાં ધામા

આ મહાસંમેલનમાં સમાજના આગેવાનો અને યુવાનો વચ્ચે પણ ઘર્ષણ થયું હોવાનું જાણવા મળ્યું છે. મહાસંમેલન બાદ ચૌધરી સમાજના લોકો ઉણ ગામમાં પોતાની દીકરીને લેવા માટે પહોંચ્યાં હતાં. આ દરમિયાન રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ભારે બબાલ થઈ હતી. એટલું જ નહીં, પરંતુ એકબીજા પર હુમલો કર્યો હતો. આ સાથે અનેક વાહનોની તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવીને હુમલાખોરો પર લાઠીચાર્જ કરીને મામલાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

ઉન ગામમાં પોલીસ કાફલો તૈનાત કરાયો

અત્યારે મામલાની ગંભીરતાને જોતા ઓગડના ઉન ગામમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ધિંગાણું થયું તેમાં ટોળાએ 20થી 25 ગાડીના કાચ તોડી પાડ્યાં હતાં. એટલું જ નહીં, પરંતુ ટોળાએ થરાદ-ભાભર હાઇ-વે બ્લોક કર્યો હોવાના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હાઈવે બ્લોક કર્યો હોવાના કારણે 3 કિમી સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. દીકરીને પરત લાવવા માટે જે મહાસંમેલન મળ્યું હતું, તે ઉગ્ર બની જતા સ્થિતિ ચિંતાજનક જોવા મળી હતી. 

ચૌધરી સમાજની દીકરીએ શું વિનંતી કરી?

મૂળ મુદ્દો એ છે કે, એક વર્ષ અગાઉ ઉણ ગામના રબારી સમાજના યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. અત્યારે જ્યારે રબારી સમાજે વિરોધ કરીને કિંજલ રબારીના પાછી લેવી તેવી રીતે હવે ચૌધરી સમાજ પણ પોતાની દીકરીને પાછી લાવવા માટે ઉગ્ર બન્યો છે. રબારી સમાજના યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે લગ્ન કર્યા તેમને અત્યારે એક બાળક પણ છે, જેથી આ દીકરીએ વિનંતી કરી હતી કે, મારા બાળકને તેની પિતાથી શા માટે અલગ કરવામાં આવી રહ્યાં છે? પરંતુ સમાજ આ વાત સાંભળવા માટે તૈયાર નથી. એટલે હવે વાત હુમલા સુધી પહોંચી ગઈ છે.

અહીં એ જણાવવાનું કે ચૌધરી સમાજની દીકરીનો વીડિયો વાયરલ થયા પછી નવો વળાંક આવ્યો છે, જેમાં પરિવારમાં વિવાદ ઊભો થાય નહીં તેની અપીલ કરી હતી. આ ઉપરાંત, 64 ગોળા સમાજના પ્રમુખે પણ જાહેરમાં પાંચ દિવસમાં દીકરીને પરત લાવવાની જવાબદારી લીધી છે, પરંતુ હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું થશે.