છત્રપતિ સંભાજીનગર: 14 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવવા બદલ ગંગાપુરની કોર્ટે સગીરાની માતાના પ્રેમીને કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી હતી.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ. બી. બહાળકરે આરોપી અંકુશ પ્રહ્લાદ જાધવ (39)ને દોષી ઠેરવીને 20 વર્ષની કેદ તથા પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે સગીરાની માતાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી હતી.
આ ઘટના પંદરમી જૂન, 2024ના રોજ બની હતી. 14 વર્ષની પીડિતાને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ આની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. આથી પોલીસે પીડિતાની પૂછપરછ કરતાં પીડિતાએ ગભરાઇને અજાણી વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું. જોકે પોલીસે તપાસ કરતાં પીડિતાની માતા અને અંકુશ જાધવ વચ્ચે અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાદમાં અંકુશને તાબામાં લઇને આકરી પૂછપરછ કરતાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યાનું કબૂલ્યું હતું.
આથી અંકુશ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન પીડિતાને જન્મેલા બાળક અને આરોપી અંકુશનો ડીએનએ રિપોર્ટ સૌથી મોટો પુરાવો સાબિત થયો હતો. કોર્ટે તાજેતરમાં આરોપી અંકુશ જાધવને દોષી ઠેરવ્યો હતો અને તેને 20 વર્ષની કેદ ફટકારી હતી.