સોયા ડિગમ સિવાયના આયાતી તેલની ટૅરિફ વૅલ્યૂમાં વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી તેમ જ બૅન્કો પણ બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે માગ નિરસ રહેતાં દેશી-આયાતી તેલના ભાવમાં સાંકડી વધધટે ટકેલું વલણ રહ્યું હતું.
જોકે, ગઈકાલે મોડી સાંજે સરકારે આજથી અર્થાત્ 14 માર્ચથી અમલી બને તેમ આયાતી તેલમાં એકમાત્ર સોયા ડિગમની ટૅરિફ વૅલ્યૂમાં ઘટાડો કર્યો હતો, જ્યારે અન્ય તેલની ટૅરિફ વૅલ્યૂમાં વધારો કર્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ટનદીઠ ક્રૂડ પામતેલની ટૅરિફ વૅલ્યૂ જ 1103 ડૉલર હતી તે વધારીને 1112 ડૉલર, આરબીડી પામતેલની ટૅરિફ જે 1122 ડૉલર હતી તે વધારીને 1132 ડૉલર અને આરબીડી પામોલિનની ટૅરિફ જે 1131 ડૉલર હતી તે વધારીને 1141 ડૉલર કરવામાં આવી હતી, જ્યારે ક્રૂડ ડિગમ સોયાબીન તેલની ટૅરિફ જે 1212 ડૉલર હતી તે ઘટાડીને 1183 ડૉલર કરી હતી. આમ ટૅરિફ વૅલ્યૂમાં ફેરફાર થતાં ક્રૂડ સોયા ડિગમની અસરકારક જકાતમાં ઘટાડો થશે, જ્યારે અન્ય આયાતી તેલની અસરકારક જકાતમાં વધારો થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1381, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1440થી 1445, સોયા રિફાઈન્ડના રૂ. 1440 અને સન રિફાઈન્ડના રૂ. 1715 તથા એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1425 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે બૅન્કો બંધ હોવાને કારણે કામકાજો નિરસ રહ્યા હતા.
વધુમાં આજે ગુજરાતના ગોંડલ મથકે 3500 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1300થી 1530માં થયા હતા, જ્યારે રાજકોટનાં મથકો પર મગફળીની 3200 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1300થી 1500માં થયા હતા.
તેમ જ આજે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2680માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1700માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.
દરમિયાન આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1430 સોયા રિફાઈન્ડના રૂ. 1440, સન રિફાઈન્ડના રૂ. 1710, સિંગતેલના રૂ. 1720, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1440 અને સરસવના રૂ. 1430ના મથાળે ટકેલા રહ્યા હતા.