ભુજ: રણપ્રદેશ કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માત અને આત્મહત્યાની અલગ-અલગ ચાર દુર્ઘટનાઓમાં માતાના મઢની પદયાત્રાએ નીકળેલા મૂળ મુંબઈના શ્રદ્ધાળુ અને એક યુવાન સહિત કુલ ચાર લોકોના કરુણ મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ભક્તિભાવ સાથે ભુજથી માતાના મઢ પદયાત્રાએ નીકળેલા મુંબઈના 45 વર્ષીય ધર્મેશભાઈ સુભાષચંદ્ર પંડયા ગત રાત્રે બે વાગ્યાના અરસામાં તેઓ દેશલપર અને મંજલ વચ્ચે આવેલા 'દાદા-દાદી પાર્ક' પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી એક બોલેરો જીપકારે તેમને ટક્કર મારી દેતાં માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ ભાવેશ પંડયાએ નખત્રાણા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી,આગળની કાર્યવાહી આદરી છે.
માર્ગ અકસ્માતની બીજી જીવલેણ ઘટના ભુજની ભાગોળે રુદ્રમાતા નજીક ગત સવારે 6:30 વાગ્યે બની હતી. એક અજાણી મોટરકાર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં, મોટરસાઇકલ સવાર 25 વર્ષીય યુવરાજસિંહ ગુલાબસિંહ જાડેજાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેણે મૃત જાહેર કર્યો હતો.
અકાળ મોતનો વધુ એક કિસ્સો ભુજ તાલુકાના ભારાસર ગામ મધ્યે બનવા પામ્યો હતો જેમાં 23 વર્ષીય યુવતી દીપાલીબેન સામજીભાઈ સીજુએ ગઈકાલે રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
બીજી તરફ, ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવાન દિનેશભાઈ કરશનભાઈ મહેશ્વરીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)