Fri Apr 17 2026

Logo

કેન્દ્ર સરકારે ઉડાન 2.0 યોજના માટે ₹ 28,840 કરોડની મંજૂરી આપીઃ 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવાશે

2026-03-25 20:23:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ડૉમેસ્ટિક એર ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે સરકારે મજબૂત પ્રયાસ કર્યા છે. આ યોજનાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉડાન 2.0 યોજના માટે 28,840 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે. 
આ યોજના અંતર્ગત નવા એરપોર્ટ ઈન્ફ્રા.નો વિકાસ કરવામાં આવશે. આ સાથે એરલાઈન્સને કેટલીક જરૂરી નાણાકીય સહાય પણ મળી રહેશે. આ ઉપરાંત નાના એરોડ્રમ્સના સંચાલન માટે માટે પણ મોટી મદદ મળી રહેશે. 

200 નવા હેલિપેડ તૈયાર થશે

કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સૂચના તથા પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, યોજના અંતર્ગત 100 નવા એરપોર્ટનો વિકાસ કરવામાં આવશે. હાલમાં જે એરપોર્ટ છે એના રનવેને અપગ્રેડ કરવામાં આવશે. પ્રત્યેક એરપોર્ટને આશરે 100 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

આગામી આઠ વર્ષમાં આ નાના એરપોર્ટ પર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 12159 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના અંતર્ગત 200 નવા આધુનિક હેલિપેડ તૈયાર કરવામાં આવશે. પ્રાથમિક ધોરણે આ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે માટે 3661 કરોડનો ખર્ચ આવી શકે છે. 

એરલાઈન્સ કંપનીઓને પણ મદદ મળી રહેશે

પ્રોજેક્ટ્સને વ્યવહારુ બનાવવા માટે એરલાઇન કંપનીઓને 10 વર્ષના સમયગાળા દરમિયાન વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) ના રૂપમાં ₹10,043 કરોડની સહાય પૂરી પાડવામાં આવશે.ઉડાન યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ દેશના નાના એર નેટવર્કને વધારે મજબૂત કરવાનો છે. 

છેવાડાના વિસ્તાર સુધી એર ક્નેક્ટિવિટી પહોંચતા આર્થિક વિકાસને પણ વેગ મળી રહેશે. ડૉમેસ્ટિક ઉત્પાદનને વધારે મજબૂત કરવા માટે બજેટમાં 400 કરોડ રૂપિયાની વિશેષ સહાય પણ મંજૂર કરવામાં આવી છે.