Fri Apr 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 15 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-15 00:04:33
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-15 21:52:07

કોહલી પહેલી વાર બન્યો ઇમ્પૅક્ટ પ્લેયર, પંતની ગેરહાજરીમાં મુકુલ વિકેટકીપર

વિરાટ કોહલી પહેલી જ વખત આઇપીએલમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો. લખનઊ સામેની બેંગ્લૂરુની પ્લેઇંગ-ઇલેવનમાં તેનો સમાવેશ નહોતો. લખનઊની ઇનિંગ્સ 146 રનના સ્કોર પર સમેટાઈ ગઈ ત્યાર બાદ સ્પિનર સુયશ શર્માના સ્થાને કોહલીને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. કોહલીએ ફિલ સૉલ્ટ સાથે દાવની શરૂઆત કરી હતી, પરંતુ સૉલ્ટ નવ રનના કુલ સ્કોર પર પેસ બોલર પ્રિન્સ યાદવના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત કેપ્ટન રિષભ પંતની ગેરહાજરીમાં મુકુલ ચૌધરીએ વિકેટકીપર તરીકેની જવાબદારી સંભાળી હતી.

2026-04-15 21:38:23

લખનઊ 146 રનમાં ઑલઆઉટ, રસિખ સલામની ચાર વિકેટ

બેંગ્લૂરુએ બૅટિંગ આપ્યા બાદ લખનઊએ 20મી ઓવરના છેલ્લા બૉલ પર 146 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ અને રજત પાટીદારની ટીમને 147 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો છે. આયુષ બદોનીએ 38 રન, મુકુલ ચૌધરીએ 39 રન અને મિચલ માર્શે 40 રન કર્યા હતા. એમાં માર્શની વિકેટ કૃણાલ પંડ્યાએ અને બદોની-મુકુલની વિકેટ રસિખ સલામે લીધી હતી. કાશ્મીરના પેસ બોલર રસિખ સલામે સૌથી વધુ ચાર વિકેટ, ભુવનેશ્વરે ત્રણ વિકેટ તથા કૃણાલે બે વિકેટ લીધી હતી. કૃણાલ આઇપીએલમાં 100મી વિકેટના આંક સુધી પહોંચનાર 11મો ખેલાડી પણ બન્યો હતો.

2026-04-15 21:05:12

લખનઊએ 118 રનમાં પાંચ વિકેટ ગુમાવી, કૃણાલે લીધી 100મી વિકેટ

બેંગ્લૂરુ સામે લખનઊએ ખરાબ શરૂઆત કર્યા બાદ 14મી ઓવરમાં મહા મહેનતે 100 રન પૂરા કર્યા હતા, પણ ત્યાં સુધીમાં ઘણું અનિચ્છનીય બની ગયું હતું. લખનઊએ 83મા રન સુધીમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને કૅપ્ટન રિષભ પંત શૂન્ય પર કોણીની ઈજાને કારણે રિટાયર હર્ટ થયો હતો. બેંગ્લૂરુનો કૃણાલ પંડ્યા આઇપીએલમાં 100મી વિકેટ લેનાર 11મો સ્પિનર બન્યો હતો. ચારમાંથી બે વિકેટ તેણે લીધી હતી. 118 રનના ટીમ-સ્કોર પર લખનઊએ પાંચમી વિકેટ ગુમાવી હતી. આયુષ બદોની 38 રન કરીને આઉટ થયો હતો.

2026-04-15 20:27:39

ગુજરાત હાઇકોર્ટએ કહ્યું નોકરી દરમિયાન હદયરોગથી મૃત્યુ એમ્પલોઇમેન્ટ ઇન્જરી ના ગણી શકાય

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું છે કે, નોકરી દરમિયાન હૃદયરોગથી થયેલા મૃત્યુને સ્વયં એમ્પલોઇમેન્ટ ઇન્જરી ગણી શકાય નહીં જયા સુધી મૃત્યુનો સીધો સબંધ નોકરી સાથે હોવાનું સાબિત ના થાય.

2026-04-15 20:09:43

રિષભ પંતને કોણીમાં ઈજા, શૂન્ય પર જ રિટાયર્ડ હર્ટ

બેંગ્લૂરુ સામેની મહત્ત્વની મૅચમાં લખનઊના કૅપ્ટન રિષભ પંતને એલ્બૉ ગાર્ડ વિનાની ડાબી કોણીમાં બૉલ વાગતાં તે રિટાયર હર્ટ થયો હતો. તેનો આ ત્રીજો જ બૉલ હતો અને હજી શૂન્ય પર જ હતો. ફાસ્ટ બોલર હૅઝલવૂડનો બૉલ વાગતાં તેણે પૅવિલિયનમાં પાછા જવાનું પસંદ કર્યું હતું. ત્યારે લખનઊનો સ્કોર 1/33 હતો. તેની આ ઈજા પહેલાં માર્કરમ 12 રન બનાવીને વિકેટ ગુમાવી ચૂક્યો હતો. ઓપનર મિચલ માર્શ 22 રને રમી રહ્યો હતો.
BCCI

2026-04-15 19:02:33

બિહારમાં વિભાગોની ફાળવણી, સીએમ સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપના સમ્રાટ ચૌધરીએ આજે શપથ લીધા હતા. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી તરીકે વિજય ચૌધરી અને વિજેન્દ્ર પ્રસાદ યાદવે પણ શપથ લીધા હતા. જેની બાદ આજે તેમના વિભાગોની ફાળવણી પણ કરવામાં આવી છે . જેમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને 29 વિભાગ, નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરીને 10 વિભાગ તેમજ વિજેન્દ્ર પ્રસાદ યાદવને 8 વિભાગો ફાળવવામાં આવ્યા છે.

2026-04-15 18:55:12

મમતા બેનર્જીએ કેન્દ્રીય દળો દ્વારા  હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળો દ્વારા તેમણે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે તે કોલકાતા એરપોર્ટ જઇ રહ્યા હતા ત્યારે તેમના વાહનને કેન્દ્રીય દળો દ્વારા  રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

2026-04-15 18:20:00

મહિલા અનામત બિલનો વિપક્ષ વિરોધ કરશે, ખડગેએ કહ્યું સરકારની નિયતમાં ખોટ

દેશમાં મહિલા અનામત બિલ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં વિપક્ષો સાથેની બેઠક બાદ  કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વિરોધ પક્ષો મહિલા અનામતનો વિરોધ નથી કરતા. પરંતુ સરકાર જે રીતે તેને લાગુ કરવાની યોજના બનાવી રહી છે તે સંપૂર્ણપણે રાજકીય હેતુઓથી પ્રેરિત અને જનતાને ગેરમાર્ગે દોરવા માટે રચાયેલ પગલું લાગે છે.

2026-04-15 17:30:28

અમિત શાહે મમતા સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું પૂર રાહતના નામે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ

પશ્ચિમ બંગાળમાં આ મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે  રાજકારણ ગરમાયું છે. જેમાં ટીએમસી અને ભાજપ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યું છે. જેમાં આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મમતા સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે બંગાળ સરકાર પર  પૂર રાહતના નામે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યો હોવાનો  આરોપ લગાવ્યો છે.

2026-04-15 17:29:37

યુદ્ધવિરામ બે અઠવાડિયા લંબાશે

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ રહેશે નહીં. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મીટિંગ નિષ્ફળતા પછી હવે મહત્ત્વની અપડેટ મળી છે. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ બે અઠવાડિયા માટે વધારવા સહમતિ બની છે.

2026-04-15 17:15:48

સીબીએસઈનું રિઝલ્ટ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)નું આજે દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પાસ થનારાની ટકાવારી 93.70 છે, જે ગયા વર્ષની તુલનામાં 0.04 ટકા વધુ છે.

2026-04-15 16:55:31

વૈશ્વિક ઉર્જા સંકટ અંગે ભારતનું સ્પષ્ટ વલણ, સમુદ્રમાં દાદાગીરી અસ્વીકાર્ય

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે  હોર્મુઝની સ્ટ્રેટના લીધે વિશ્વમાં ઉભા થયેલા ઉર્જા સંકટ અંગે ભારતનો મત સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે  ભારત સલામત અને અવરોધ વિનાના દરિયાઈ વેપાર માર્ગોની મજબૂત હિમાયત કરે છે. તેમજ વેપારી જહાજો પર કોઇ પણ પ્રકારના હુમલા સ્વીકારી શકાય તેમ નથી. એસ. જયશંકરે  આ વાત જાપાન દ્વારા આયોજિત AZEC-પ્લસ એશિયા ઝીરો એમિશન કોમ્યુનિટીની વર્ચ્યુઅલ મીટિંગમાં જણાવી હતી.

2026-04-15 16:35:43

યુદ્ધવિરામ અંગે ઈરાનની નવી ચેતવણી

મિડલ ઈસ્ટમાં 28 ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જારી છે. યુદ્ધને રોકવા માટે અગિયારમી એપ્રિલના પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહી હતી, પરંતુ હવે ઈરાનએ જણાવ્યું છે કે ઈરાન પણ યુદ્ધ નથી ઈચ્છતું પણ વાતચીત મારફત સમાધાન ઈચ્છે છે.

2026-04-15 15:56:41

ઓપરેશન સિંદૂર બાદ પીઓકેમાં ફરી સક્રિય થયા આતંકી લોન્ચ પેડ, ઘૂસણખોરી પ્રયાસ તેજ

ભારતના ઓપરેશન સિંદૂરમાં સેનાએ પીઓકેના એક્ટિવ અનેક આતંકી લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા. જોકે, હાલ મળેલી ગુપ્ત માહિતી મુજબ જમ્મુ કાશ્મીર નજીક એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડરની પાર પીઓકે ફરી આતંકી લોન્ચ પેડ એક્ટિવ થયા છે. મળતી માહિતી મુજબ 70 થી વધુ આતંકી લોન્ચ પેડ સક્રિય થયા છે. તેમજ જમ્મુ કાશ્મીરમાં 800 થી વધુ આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલ આવ્યા છે.

2026-04-15 15:31:19

એર ઈન્ડિયાને 20,000 કરોડનું નુકસાન

દેશની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયા અત્યારે ભયંકર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીએ 20,000 કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. વધતા નુકસાનને કારણે આગામી દિવસોમાં કંપની માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે.

2026-04-15 15:22:53

છત્તીસગઢ વેદાંતા પાવર પ્લાન્ટના બોઈલર વિસ્ફોટમાં મૃત્યુ આંક 17 એ પહોંચ્યો

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે થયેલા બોઈલર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ અંગે મળતી માહિતી મુજબ હાઇ પ્રેશર સ્ટીમ પાઇપ ફાટવાથી ઘણા કામદારો દાઝી ગયા હતા. આ ઘટનામાં ઘાયલો કામદારોને હાલમાં રાયપુર અને રાયગઢમાં સારવાર આપવામાં આવી રહી છે.

2026-04-15 13:59:27

બિહારમાં મોદી-નીતિશ મોડલ જ ચાલશેઃ સમ્રાટ ચૌધરી

બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ સમ્રાટ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હું આજથી જ બિહાર માટે કામ કરવાનું શરૂ કરી દઈશ. બિહારમાં માત્ર મોદી-નીતિશ મોડલ જ ચાલશે.

2026-04-15 09:50:44

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં દુર્ઘટના

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયો હતો. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.

2026-04-15 09:25:07

મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચેથી જગ વિક્રમ કંડલા બંદરે પહોંચ્યું

ઈરાન-અમેરિકા વચ્ચે સીઝફાયરના એલાન બાદ ભારતીય તિરંગો ધરાવતું જહાજ જગ વિક્રમ સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા બંદરે પહોંચ્યું છે. આ એક LPG ટેન્કર છે. 20 હજાર મેટ્રિક ટન ગેસ લઈને આ જહાજ ગુજરાત આવ્યું છે. ગત શુક્રવારે મોડી રાત્રે આ જહાજ મિડલ ઈસ્ટમાંથી પસાર થયું હતું. ઓમાનની ખાડી થઈને આ જહાજ ભારત આવી પહોંચ્યું હતું. ગેસ લઈને આવેલું જહાજ ભારત આવી પહોંચતા હવે સપ્લાય ચેઈન ખોરવાશે નહીં. પર્શિયન ગલ્ફમાંથી પસાર થનારૂ આ ભારત આવેલું નવમું જહાજ છે. હજુ પણ બીજા દેસ જેટલા જહાજ મિડલ ઈસ્ટના સમુદ્રમાં હોવાના રિપોર્ટ છે.

2026-04-15 08:39:51

ઈરાનને 20 વર્ષ પાછળ ધકેલી દીધુંઃ ટ્રમ્પનો દાવો

અમેરિકા-ઈરાન વચ્ચે સંઘર્ષ નિર્ણાયક મોડ પર પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થવાની નજીક છે. આ ઉપરાંત ઈસ્લામાબાદમાં ફરીથી શાંતિ મંત્રણા શરૂ થવાનો પણ તેમણે સંકેત આપ્યો હતો.

2026-04-15 07:59:42

બિહારમાં નીતિશ સમ્રાટ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી તરીકે નીતિશ સમ્રાટ વડાપ્રધાન મોદીની હાજરીમાં શપથ લેશે. બિહારમાં પહેલીવાર મુખ્યમંત્રી પદે ભાજપના ચહેરાને સ્થાન મળ્યું.જેડીયુમાંથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ DyCM તરીકે શપથ લેશે. આ શપથ વિધિમાં ભારતીય જનતા પાર્ટીના બિહારના મોટા નેતાઓ તથા નીતીશકુમાર સરકારમાં મંત્રી પદે રહેલા કેટલાક મંત્રીઓ પણ ખાસ હાજરી આપશે

2026-04-15 07:58:31

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર આજે થશે સ્પષ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ઉમેદવારોની અંતિમ યાદી આજે જાહેર થશે. 15 મનપામાં 5985 ફોર્મ ભરાયા હતા, 5985 સામે 1934 ફોર્મ રદ્દ થયા હતા, 34 જિ.પંચાયતમાં 4942 ફોર્મ ભરાયા હતા,4942 સામે 1383 ફોર્મ રદ્દ થયા હતા, 84 નપામાં 7228 ફોર્મ ભરાયા હતા, 7228 સામે 1164 ફોર્મ રદ્દ થયા હતા, 260 તા.પં.માં 20638 ફોર્મ ભરાયા હતા, 20638 ફોર્મ સામે 5338 ફોર્મ રદ્દ થયા હતા. આજે સાંજે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.