અયોધ્યા: અયોધ્યામાં રાજઘાટ પર ચાલી રહેલા મહાયજ્ઞમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનાને કારણે બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમ પર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ સ્વામીજી મહારાજ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે.
ચાર ફાયર ફાઇટર ઘટનાસ્થળે કાર્યરત
મહાયજ્ઞમાં અચાનક લાગેલી આગને આગને કાબુમાં લેવા માટે ચાર ફાયર ફાઇટર ઘટનાસ્થળે કાર્યરત છે. અયોધ્યામાં રાજઘાટમાં બાટી વાલે બાબા ઘાટ પાસે લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે આગ લાગી હતી. રાજ્યના પરિવહન મંત્રી દયાશંકર સિંહ ગોશાઈગંજના ધારાસભ્ય અભય સિંહ સાથે ઘટનાસ્થળે હાજર છે.
ત્રણ અલગ-અલગ સ્થળોએ ભારે આગ ફાટી નીકળી હતી
આ દુર્ઘટનામાં ચાર લોકો દાઝી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી. 108-કુંડિય મહાયજ્ઞના સમાપન પછી લાગેલી આગના કારણે ત્રણ અલગ-અલગ સ્થળોએ ભારે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આગ લાગી ત્યાં પરિસર ખાલી કરાયું હતું
આ અંગે પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું હતું કે નવ દિવસના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ ઘટનાના દોઢ કલાક પહેલા થયો હતો. આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, યજ્ઞશાળામાં આગ લાગી ત્યાં પરિસર ખાલી કરાયું હતું.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમ છતાં, પરિવહન મંત્રી દયાશંકર સિંહે નોંધ્યું હતું કે 700 મીટર દૂર એક અલગ સ્થળે આગ લાગી હતી અને તે આગ કેવી રીતે લાગી તે અંગે જાણી શકાયું નથી.