Fri Apr 17 2026

Logo

આશા ક્યારે’ય છોડીને જતી નથી, પણ આપણે જ એને છોડી દઈએ છીએ..

2026-03-06 09:08:00
Author: Mumbaisamachar Team
Article Image

અરવિંદ વેકરિયા

ગત સપ્તાહે મેં લખેલું કે મહેન્દ્ર બોહરા કોઈ ફિલ્મનાં ક્લાયમેક્સમાં ‘બિઝી’ હતા. મને ફિલ્મનું નામ યાદ નહોતું.. પણ શાંતિલાલ જાદવ નામના રેગ્યુલર વાચકે મને મેસેજ કરી જણાવ્યું છે કે: તા: 27.02.26ના લેખમાં તમે, મહેન્દ્ર બોહરા સંજય દત્તની કોઈ ફિલ્મમાં વ્યસ્ત હતા. મારી યાદદાસ્ત મુજબ એ ફિલ્મ તેજા હોઈ શકે... 

આ માહિતી પહોંચાડવા બદલ વાચકમિત્રનો આભાર...
મુળરાજભાઈની હવે રાહ જોયા સિવાય કોઈ છૂટકો નહોતો. વિજય રાવલ કલ્યાણના શો પછી, ત્રણ સારી થિયેટરોની તારીખ લઈને ‘મળે સૂર...’ નો ‘બંધ’ કે ‘ચાલુ’નો નિર્ણય લેવાનો હતો. એ મુકેશ/ દેવેશ/વિજયની આશા હતી, પણ કલેક્શન ઓછું આવે ત્યારે મને નિરાશા થતી. હું કદાચ આ પહેલી બાબતે નકારાત્મક હતો. વિજય હજી સકારાત્મક હતો. કેવો વિચિત્ર સંજોગ.!

ખરેખર, ગજબનો સંબંધ છે વહાલનો અને વ્યવહારનો, એક અવિરત વહાલ કર્યા કરે અને બીજું પળેપળનો હિસાબ કર્યા કરે.

વિજયને નાટક પ્રત્યે વહાલ અને કલેક્શનનાં કારણે હિસાબ કરનારો હું. સાચું કહું તો હું ઈચ્છતો કે અત્યાર સુધી સરભર રહેલા ‘આંકડા’ જળવાય રહે. મુકેશ થાણાનાં શોમાં બોલી ગયેલો કે  દાદુ, તેજપાલ પહેલાનાં બે શોમાં સારા પૈસા તૂટ્યા, હ...પણ વિજયની આશા હજુ જીવંત હતી. ‘બંધ’ કરવાની વાત પર એ બોલેલો, ના દાદીયા, એટલું જલદી બંધ નથી કરવાનું. હજુ બે-ત્રણ શો સારી તારીખો ટ્રાય કર્યા પછી વિચારીશું. 

મને આ વાતનો હરખ પણ થતો અને કલેક્શન જોઈ નિરાશ પણ થતો. મને એક વાતની રાહત હતી કે ‘બંધ’ કરવાની વાત મેં ‘ખુલ્લમખુલ્લા’ કરી દીધી હતી. ખેર! નાટક ગમ્યું અને તેમણે ચલાવવા લીધું. જો તુષારભાઈ વહેલાં ‘બહાર’ આવી ગયા હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હોત, પણ એની ‘અંદર’ની મુદત ખબર પડતી નહોતી. મને આશા હતી કે તે આવી જશે. 

મેં સાંભળેલું કે આશા ક્યારે’ય તમને છોડીને જતી નથી પણ તમે જ ક્યારેક છોડી દેતાં હો છો. મારું એવું જ હતું, નાટક ‘ઉપડે’ કે તુષારભાઈ ‘બહાર’ આવે એ બાબત આશા છોડી દીધી હતી. હા, મુળરાજ રાજડા શૂટિંગ પૂરું કરી બરોડાથી પાછા આવે એ આશા મેં હજી જીવતી રાખી હતી.

વિજય તો આદું ખાઈને ‘મળે સૂર...’ની તારીખો લેવા હડીયાપાટી કરવા માંડેલો. થિયેટરની ત્યારે સખત ખેંચ રહેતી. જાણીતા પ્રસ્તુતકર્તાઓની એ સમયે જાણે ‘મોનોપોલી’ હતી, જેમાં ઘણાં નિર્માતાનું પદ પણ શોભાવતા. હાલમાં તો રંગભૂમિ થોડી ધીમી પડી છે એટલે ‘પબ્લિક શો’ કરતાં ‘સોલ્ડ-આઉટ’ શો વધુ થાય છે. કલેકશનનો વિચાર કરીએ તો આંગળીનાં વેઢે ગણાય એટલાં નાટકો સરભર થાય છે અને સાથે બ્લોક-બુકિંગ તો જાણે ફરજિયાત બની ગયું છે એટલે કેટલાંક નાટકોમાં ‘હાઉસ-ફૂલ’નાં બોર્ડ ઝુલતા દેખાય છે. 

હવે નિર્માતા લોકભોગ્ય નાટકો બનાવવા માંડ્યાં છે. સારાં નાટકો બનાવવાં છે, પણ પછી થિયેટરમાં કાગડા ઊડે એ કોને પસંદ પડે? ધંધામાં ફાયદો થાય એવો જ ‘માલ’ બનાવવો પડે. સૌ પૈસાનું રોકાણ, વધુ પૈસા મળે એ માટે જ કરતાં હોય છે. પૈસા ઈતિહાસની સૌથી ખરાબ શોધ, પણ મનુષ્યને પારખવાની સૌથી વિશ્વસનીય સામગ્રી અને એટલે જ સારી કથાવસ્તુ ધરાવતાં નાટકો બંધ અથવા ઓછા, અને લોકભોગ્ય નાટકો વધુ બનવા લાગ્યાં. આ બધા વચ્ચે વિજયે બે થિયેટરની તારીખો મેળવી લીધી. ત્રીજી તારીખ માટે એની ટ્રાય ચાલુ હતી. સાથે પ્રાયોજિત શો માટેની મહેનત પણ ખરી...

હું દર બે-ચાર દિવસે મુળરાજ રાજડાને ઘરે ફોન કરતો રહેતો. એક સારી વાત એ હતી કે ઈન્દુમતી રાજડાએ મારી સાથે થયેલ વાત મુળુભાને કહી દીધી હતી અને સામે મુળુભાએ ‘સોરી’ પણ કહેવડાવ્યું.

આ તરફ, મારું મન મળે સૂર...નું શું થશે અને મહેન્દ્ર બોહરાને શું કહીશ એવા વિચારો આવ્યા જ કરતાં. મારી લાગણી બંને પક્ષે હતી. મુકેશ ગ્રુપ વધુ ‘લોસ’ ન ભોગવે અને મુળુભાએ ‘સોરી’ કહી એમની મારાં પ્રત્યેની ભાવના વ્યક્ત કરી. મને લાગણી હતી કારણ કે ભૂતકાળમાં મારે માટે કરેલી ભલામણો. કોઈ પણ જાતનાં સ્વાર્થ વગર. બસ, આ લાગણી જળવાય રહે. દિલથી ઉદભવતી લાગણીઓને શણગારવામાં એટલું મોડું ના કરવું કે સામેવાળાનું સરનામું જ બદલાય જાય. અને એ લાગણી અને ભાવના ટકી રહે એ માટે હું પ્રયત્નશીલ હતો.

વિજયે મેળવેલી બે  થિયેટરની તારીખમાં. પહેલી હતી ભારતીય વિદ્યા ભવન-સાંજ, અને બીજી હતી ભાઈદાસ-પાર્લા બપોર.... હવે આ તારીખો કેવી નીકળે છે એતો નીવડ્યે વખાણ. હું થોડો અસ્વસ્થ તો હતો. ‘મળે સૂર...’ મારું પણ ‘બાળક’ હતું.

પણ જયારે એ ‘વેન્ટિલેટર’ પર હોય તો ચિંતા તો રહે અને મહેન્દ્ર બોહરા તો ફિલ્મી માણસ, ક્યારે વિચાર પડતો મૂકી દે એ કહી ન શકાય. દરિયા કરતાં મોજા અને મગજ કરતાં વિચારોના ધમપછાડા વધુ હોય છે એ મેં અનુભવ્યું.

ભવન્સ સાંજનો શો તેજપાલ વખતે વાપરેલા ‘સેન-સાયકી’નાં લે-આઉટ સાથે જ જા.ખ. આપી બુકિંગ ખોલ્યું. બુકિંગ ઉપર ફોન કરી પૂછવાની હિમ્મત જ ન થઈ. રવિવાર આવ્યો. શો સારો ગયો. કલેક્શન બાબત એક રાજીપો રહ્યો કે ટાંટિયા મળી ગયાં. શો પત્યાં પછી વિજય રાવલે સામેથી કહ્યું કે, ‘દાદુ, ભાઈદાસ-પાર્લા હવે છેલ્લી ટ્રાય. એમાં જો ‘હોપ’ દેખાઈ તો ત્રીજી ડેટ માટે રખડીશ.’ મેં કહી દીધું કે,‘વિજય હું તો થાણાનાં શોમાં જ કહેતો હતો, ખેર! ભાઈદાસ-પાર્લા હવે જોઈ લઈએ.’

મને હવે નવું નાટક બનાવવાની તાલાવેલી લાગેલી. એક વાર તો થયું કે કોઈ બીજા લેખકનો સંપર્ક કરું પણ મુળરાજભાઈએ સજેસ્ટ કરેલું તો પછી એમની લાગણી સાથે હું કેમ રમી શકું! એ વિચાર પડતો મૂકી બધું ભગવાન ઉપર છોડી દીધું. આમ પણ દરેક સમયે ઈશ્વરનું ધારેલું જ થાય છે, પરંતુ દુ:ખ એ છે કે સુખનાં સમયે આ વાત યાદ નથી આવતી.   
દુનિયાનાં બે ઘાતક હથિયાર:
(1) પત્નીનાં આંસુ. (2) બાજુવાળા ભાભીનું સ્માઈલ.