Fri Apr 24 2026

Logo

અમિત શાહનો 'બંગાળ વિજય' મિશન: 152માંથી 110 સીટ જીતવાના દાવા પાછળનું અસલી ગણિત

2026-04-24 14:53:53
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ અમિત શાહને રાજનીતિના 'ચાણક્ય' કહેવામાં આવે છે. ગઈકાલે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું ઐતિહાસિક 92 ટકા મતદાન બાદ આજે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ 152માંથી 110 સીટ જીતવાનો દાવો કર્યો હતો. અમિત શાહના આત્મવિશ્વાસ પાછળની અસલી કહાની ગુપ્ત સર્વે અને બૂથ મેનેજમેન્ટમાં છુપાયેલી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે અમિત શાહનો 110 સીટ જીતવાનો દાવો વૈજ્ઞાનિક અને ઐતિહાસિક આંકડા પર આધારિત છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 152 સીટમાંથી 59 સીટ જીતી હતી, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. ગત વર્ષે ભાજપ 84 સીટ પર બીજા ક્રમે હતી. એટલે કે કુલ 143 સીટ પર ભાજપ અને ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી) વચ્ચે સીધી ટક્કર હતી. 

અમિત શાહનો આત્મવિશ્વાસ 2024ના લોકસભા ચૂંટણી પરથી પણ છે. ભાજપે નંદીગ્રામ જેવી સીટ પર લીડ 1956થી વધારીને 8100 મત સુધી પહોંચાડી દીધી છે. ભાજપે ગત ચૂંટણીમાં 10 હજારથી ઓછા જીતની 25 બેઠક પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ એવી સીટો છે, જે અમિત શાહના 110ના આંકડાને હકીકતમાં બદલી રહી છે.

અમિત શાહે બંગાળમાં પ્રવાસી કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખોની ફોજ ઉતારી હતી. તેમણે જ્યાં ટીએમસીના ગોટાળાની આશંકા હતી તેવા બુથો પર પહેલાથી નજર રાખી હતી. અમિત શાહ પાસે દર બે કલાકનો લાઈવ ફિડબેક હતો. 
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન એક પણ રાજકીય હત્યા ન થઈ જે ખુદ એક આશ્ચર્ય છે. જ્યારે હિંસા અટકે છે ત્યારે સાઈલેંટ મતદારો બહાર નીકળે છે. શાહનું માનવું છે કે, આ સાઈલન્ટ મતદારો અને મહિલા મતદારો જ ભાજપને 110ની પાર લઈ જઈ રહ્યા છે. શાહની ટીમે બંગાળમાં ટીએમસીના ધારાસભ્યની વિરોધમાં માહોલ હોય તેવી 41 સીટ પણ ચિન્હિત કરી હતી.

આ ઉપરાંત અમિત શાહના આત્મવિશ્વાસ પાછળ બંગાળની માતા-બહેનોનો ગુસ્સો છે. જે આરજી કર મેડિકલ કોલેજની ઘટના અને સંદેશખાલી બાદ જ્વાળામુખીની જેમ ફાટ્યો છે. શાહે વાયદો કર્યો કે 5 તારીખે ભાજપની સરકાર બન્યા બાદ બંગાળની દીકરીઓ રાત્રે 1 વાગ્યે પણ કોઈ જાતના ડર વગર રોડ પર નીકળી શકશે. ભાજપે આરજી કર પીડિતાની માતા અને સંદેશખાલીના પીડિતોને ઉમેદવાર બનાવીને મનોવૈજ્ઞાનિક સંદેશ પણ આપ્યો છે.

આ ઉપરાંત અમિત શાહને જે ઈન્પુટ મળ્યા છે તે મુજબ બંગાળની માતૃશક્તિએ આ વખતે સુરક્ષાના નામ પર કમળનું બટન દબાવ્યું છે. શાહ મુજબ, જે રાજ્યમાં મહિલા મુખ્ય પ્રધાન જ મહિલાઓની સુરક્ષાના સવાલ ઉઠાવે ત્યાં મહિલાઓ હવે બદલાવ માટે તૈયાર છે. આ ઉપરાંત આજે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું, બંગાળનો આગામી મુખ્ય પ્રધાન કોઈ બહારનો નહીં હોય પરંતુ બંગાળમાં જન્મેલો, બંગાળી મીડિયમમાં ભણેલો અને શુદ્ધ બંગાળી બોલતો કાર્યકર્તા જ હશે.