પ્રજામત
સીએનજી કે ડીઝલ?
બહારગામ ભાડેથી જતી મોટા ભાગની ગાડીઓ સીએનજી પર ચાલે છે અને પોતાનો નફો મેળવવા માટે તેમનો પ્રતિ કિ.મિ.નો દર ડીઝલ ગાડી જેટલો જ હોય છે. પણ સીએનજી પંપ માટે ગાડીઓ અનેક કિ.મિ.નું અંતર કાપે છે અને તેની પણ વસૂલી ગ્રાહક પાસેથી કરે છે તેમાં મુસાફરોમાં પૈસા અને સમય વેડફાય છે. આથી ગ્રાહકોએ પોતાની સગવડ માટે સીએનજી વગરની ગાડી જ લેવી જોઈએ.
- ભરત એમ. મહેતા, દીપક બી. રાવલ,
બોરીવલી (પૂર્વ)
પાણી બચાવો પાણી આપણને બચાવશે
હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, ત્યાં બેંગલૂરુ ખાતે જળસંકટ સર્જાયું છે, અને પાણીના એક ટેન્કરના રૂપિયા પાંચ હજાર ખર્ચવા પડી રહ્યા છે. ગુજરાતમાં 138 જળાશયોમાં હવે 50 ટકાથી પણ ઓછું જળસ્તર હોવાના અહેવાલ છે. 36 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું જળસ્તર છે. ત્યારે પાણીની તીવ્ર તંગીની પરિસ્થિતિ સર્જાય તે પહેલા દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને નાગરિક ધર્મ અદા કરે અને પાણીમાં કરકસર કરે તે અનિવાર્ય છે. બિનજરૂરી નબળી ચકલીઓ બંધ રાખીને તેમ જ નળની નીચે વાસણ ધોવાને બદલે જો બાલ્ટીમાં કે ટબમાં પાણી રાખીને વાસણ ધોવાની કામગીરી થાય તો ચાર વ્યક્તિનો પરિવાર રોજનું 20થી 25 લિટર પાણી બચાવી શકે છે. આ માટે માત્ર ટેવ પાડવાની જરૂર છે.
વોશિંગ મશીનમાં બે જોડી કપડાં હોય કે 10 જોડી પાણી સરખું જ વપરાશે. એટલે વધારે કપડાં હોય તો જ વોશિંગ મશીનનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે દર મહિને 4500 લિટર પાણી બચી શકે છે. ન્હાતી વખતે શૉવરનો ઉપયોગ કરવાને બદલે એક બાલ્ટી પાણીથી નહાવાનું રાખવાથી 80 ટકા પાણી બચાવી શકાય છે. શેવિંગ (દાઢી) કરતી વખતે નળ ચાલુ રાખવાને બદલે જોઈએ તેટલું પાણી ટમ્બલરમાં લઈ દાઢી બનાવવી જોઈએ.
- મહેશ વી. વ્યાસ, પાલનપુર
પોલિટિકલ એન્જિનિયરિંગ
વિરોધીઓ પાસે વિકાસ અને વિરાસત વચ્ચે ટકરાવ ઊભો કરવા તથા જબ્બર ગાળો દેવા સિવાય દેશના ઝળહળ ભવિષ્યનો કોઈ એજન્ડા નથી એમ પ્રચારવું, રેશનની દુકાને મળતા સસ્તા અનાજના મુદ્દે બાજરીની ગુણવત્તા સીએમની ટાલની માફક ચમકતી હોય છે એવી સરાહના કરવી, કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને દાન આપવા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ કરતી ચૂંટણી બોન્ડ જેવી યોજનાઓને સર્વોપરિ અદાલતમાં પડકારવી, જેમના પોતાના હોશ ઠેકાણે નથી તેઓ મારી પ્રગતિશીલ માતૃભૂમિને હેરાનગતિ પહોંચાડનારા ચીતરનારા અને અનર્થકારી ઊહાપોહ મચાવનારા સોશિયલ મીડિયાના એવા નમૂનેદાર ફંટૂશ સભ્યો વિરુદ્ધ ચિત્તચોર ચળવળ ચલાવવી, આવકવેરા-જીએસટી-મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષના અધિકારીઓએ ભ્રષ્ટ રીતરસમો દ્વારા એકઠી કરેલી સંપત્તિઓ ટાંચમાં લાવવી આદિ સાંપ્રતકાળમાં રાજકીય ક્ષેત્રે દૃષ્ટિગોચર થાય છે.
-જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ, અમદાવાદ
એ સમાજને અભિનંદન
ઔરંગાબાદના જૈન સમાજે એવો નિર્ણય લીધેલ હોવાનું જાણવા મળેલ છે કે જે લગ્નમાં ભોજનમાં 6 થી વધારે વાનગીઓ હોય ત્યાં જમવું નહીં. ત્યાંના અગ્રવાલ સમાજે પણ આ નિર્ણયને અનુસરવા નિર્ણય
કરેલ છે.
અગ્રવાલ સમાજે તેથી આગળ વધી એવો નિર્ણય લીધો છે કે લગ્નપૂર્વે કે પશ્ચાત ડીજે સંગીત વગાડવું નહીં. આવા નિર્ણયો બદલ આ બંને સમાજ અભિનંદનને પાત્ર છે. કારણ કે આજકાલ લગ્ન ભોજનમાં ભાતભાતની એટલી બધી વાનગીઓ પીરસવામાં આવે છે કે જોઈને જ મન ધરાઈ જાય! વળી ઝાઝી વાનગીઓ હોવાથી બગાડ પણ ઝાઝો જ થાય. દેશમાં રોજ કરોડ માણસો રાત્રે ભૂખ્યા સૂઈ
રહે છે ત્યારે આવો બગાડ ન જ પોસાય!
ડીજે સંગીત ન બજાવવાનો નિર્ણય એટલો જ આવકારદાયક છે તેનાથી મકાનમાં બારી-બારણા ધ્રૂજે છે, વૃદ્ધો, બાળકો, સગર્ભા મહિલાઓ, નવજાત શિશુઓ માટે ડીજેનો ઘોંઘાટ નુકસાનકારક છે. ખરેખર સરકારે તેના પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે.
- અશ્વિનકુમાર ન. કારીઆ