પ્રજામત

પ્રજામત

આ શું કહેવાય?
આજકાલ રેવડી કલ્ચર ખૂબ ચર્ચામાં છે. જેનો બુદ્ધિજીવી વર્ગ વિરોધ કરે છે. નેતાઓ કામકાજ વગર મફત પેન્શન-પગારો લે તે ચાલે. ગરીબોને મદદ ન કરાય આવી નકારાત્મક વિચારધારાએ લોકશાહી સામે ખતરો ઊભો કરી મૂડીવાદને પ્રોત્સાહન આપ્યું છે. ગાંધીની વાતો કરી નેતાઓ દેશનું અને દેશવાસીઓનું આર્થિક શોષણ કરી રહ્યાં છે. ગરીબ કંગાલ બનતો જાય છે. પૈસાદાર ધનવાન બનતો જાય છે. ચૂંટણીમાં કરોડો રૂપિયા ઉડાવનાર નેતાઓ ૫ વર્ષ સાંસદ-ધારાસભ્ય બની આજીવન મફત પેન્શન લે છે. જેથી સરકારની તિજોરી પર ભારે આર્થિક બોજ પડે છે. વધતી જતી બેકારી અને ગરીબી સામે લોકો લાચાર બનતા જાય છે. આવા ગરીબોને મદદ કરનાર સામે રેવડી કલ્ચરનો આરોપ મુકાય છે. આરોપ મૂકનારાઓ મફત પેન્શન-પગારો લે છે તે શું રેવડી કલ્ચર નથી? પહેલાં તે બંધ કરો.
– જગદીશ ઉપાધ્યાય, વિદ્યાનગર
——–
શા માટે રખડી પડેલ છે
મુંબઈ-ગોવા મહામાર્ગ?
રખડી પડેલ મુંબઈ-ગોવા મહામાર્ગનું કામ પૂર્ણ કરવાની ખાતરી સાર્વજનિક બાંધકામ મંત્રી રવીન્દ્ર ચૌહાણશ્રીએ વિધાનસભામાં દિધેલ. આ મહામાર્ગને લીધે કોંકણનો વિકાસ રખડેલ છે. પ્રત્યેક વર્ષ ચોમાસામાં મુંબઈ-ગોવા મહામાર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય પ્રવર્તે છે. છેલ્લાં બાર વર્ષમાં વિવિધ સરકાર આવી અને ગઈ, સમસ્યા યથાવત્ રહેલ છે. દરવર્ષે કોંકણના ગણેશ ભક્તશ્રીઓના હાલ થાય છે. મુંબઈ-ગોવા મહામાર્ગનું કામ આજે પણ ગોકળગાય ગતિથી થઈ રહેલ છે. આગામી પાંચ વર્ષમાં પણ પૂર્ણ થશે કે નહીં એની શંકા છે.
કથિત મહામાર્ગનું બાંધકામ આરંભ કર્યા પછી રાજ્યમાં શરૂ થયેલ નાગપુરથી મુંબઈ દરમ્યાનની સમૃદ્ધિ મહામાર્ગ અને શિવરી નહાવા-શેવા દરિયાઈ માર્ગની ચર્ચા વિચારણા પૂર્ણ થયેલ હોઈ, મુંબઈ-ગોવા મહામાર્ગ શા માટે રખડી પડેલ છે એનું ચોક્કસ કારણ શીધ્રાતિશીધ્ર ગોતવું અત્યાવશ્યક છે.
– પ્રિન્સિ. કુંવરજી બારોટ, અંધેરી (પ.)
———-
નગરપાલિકા ધ્યાન આપે!
મુંબઇમાં જે વસ્તુ તૂટે તે ફરી જલદી બનતી નથી. પરેલમાં પુલ તૂટવાથી ઘણા બધા મૃત્યુને ભેટયા હતા. પછી સરકાર જાગી અને મુંબઇના બધા પુલોની તપાસ કરી તેમાં ઘણા પુલો તથા સ્કાય વોક તોડી પાડયા તેમાંથી કેટલાં પુલો તથા સ્કાય વોક નવા બન્યા છે? બધું કામ ગોકળગાયની જેમ થાય છે. દર ચોમાસામાં જૂના જર્જરિત મકાનોની સંખ્યા વધતી જ જાય છે. તેમાં સરકારે ઘણા મકાનો જમીનદોસ્ત કરી દીધા તેમાંથી નવા ટાવર કેટલા બન્યા? હું જયાં રહું છું ત્યાં બિલ્ડરે વર્ષો પહેલાં જૂનું મકાન તોડી પાડયું છે. ભાડું પણ નથી આપતો અને નવો ટાવર પણ બનાવતો નથી, નોકરિયાત ભાડુતો કેટલા વર્ષો પોતાના ખર્ચે ભાડા પર રહે? જો ભાડુતોને કોઇ તકલીફ વગર યોગ્ય ભાડુ મળતું હોય અને સમયસર ટાવરમાં નવો ફલેટ મળતો હોય તો કયો ભાડુત જીવના જોખમે જૂના જર્જરિત મકાનોમાં રહે? તો આ બાબતે સરકારે ત્વરે કોઇ કડક પગલાં લેવા જોઇએ જેથી પાઘડીના ભાડૂતોની સમસ્યા ૧૦૦ ટકા દૂર થઇ શકે.
– રાજકુમાર ગાંગજી ગાલા
ઘાટકોપર, મુંબઇ
———
અદાલતનો સમય વધારો
આજે ૨૦૨૨માં જૂના કાયદાઓ સમયની સાથે બદલાવવા જરૂરી છે.
દેશમાં કેટલા વર્ષોથી કેસોનો ભરાવાની બૂમરાણ થાય છે. પણ નિકાલ ઇચ્છા ન હોવાથી થતો નથી.
આજે પણ ન્યાયાધીશ ૧૦.૩૦ વાગે આવે છે. તે સમય ૯.૩૦થી ૬ વાગ્યા સુધી તાત્કાલિક કરી નાખવો જોઇએ. ઉનાળું વેકેશન ૨ મહિના, અન્ય બિનજરૂરી રજાઓ નાબૂદ કરવી જોઇએ. ૩થી વાર તારીખ પાડવી ન જોઇએ. લાંચ રુશ્ર્વતના ચુકાદાની કિંમત નથી. લાંચીયો પકડાય એટલે ૬ મહિના માટે સસ્પેન્ડ અને પછી બદલી કરી પાછી નોકરી ચાલુ, તો પકડવાનો અર્થ શું?
ઘણા બધા દાવાઓ અર્થ વગરનાં હોવા છતાં હેરાન કરવા માટે હોય છે.
– મહેશ ડી. વેદાંત
વાપી, ગુજરાત

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.