પ્રજામત

પ્રજામત

એક નમ્ર સૂચન
તા. ૧૩મી જુલાઇના અંકમાં મુકેશ પંડયાના લેખ ગુરુ કેવા હોવા જોઇએ?ના પ્રતિભાવ રૂપે મેં એક પત્ર તા. ૧૫-૭-૨૨ના રોજ લખ્યો હતો તે તા.૨૮-૭-૨૦૨૨ના રોજ ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયો હતો તે બદલ આપનો ખૂબ આભાર.
એજ પત્રમાં મેેં બે સૂચન કર્યા હતાં. એક તો ફન વર્લ્ડમાં ભાષા વૈભવમાં હિન્દી-ગુજરાતી જોડી જમાવો વિશે. આ સૂચનનો આપે સ્વીકાર કર્યો અને તેનો અમલ પણ શરૂ કરી દીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારું બીજું સૂચન ‘મરણ નોંધ’ શિર્ષક વિશે હતું. તે હું ફરીથી દોહરાવ છું મરણ નોંધનું શિર્ષક જ્યાં મરણ નોંધ છાપવામાં આવે છે. તેની ઉપર જ હોવું જોઇએ. અત્યારે જયાં મરણ નોંધનું શિષર્ક મુકવામાં આવે છે. તેની નીચે અન્ય સમાચાર અથવા કલાસીફાઇડ જાહેરખબર હોય છે એ ખૂબ જ અજુગતુ લાગે છે. મારી વિનંતી છે કે તેમાં સુધારો કરી યોગ્ય કરશો.
– ઋષભ મજમુદાર, બોરીવલી (વે).
———
ગુજરાતી સમાજ સેવકને એનાયત થયો પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ ઍવોર્ડ
મૂળ દક્ષિણ ગુજરાતના અને વર્ષોથી મધ્ય પ્રદેશના આદિવાસી ઝાબુઆ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવીને વિવિધ સામાજિક પ્રકલ્પો પાર પાડનાર નિલેશ દેસાઇને સમાજસેવા ક્ષેત્રમાં પ્રસંશનીય કામગીરી કરવા બદલ ‘જમનાલાલ બજાજ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. નિલેશ દેસાઇ પાછલા ત્રીસ વર્ષથી ભીલ અને ભિલાલા સમુદાયના લોકોના સ્વાસ્થ્ય, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે કાર્યરત છે. નિલેશ દેસાઇને જમનાલાલ બજાજની ‘ક્ધસ્ટ્રક્ટિવ વર્ક’ કેટેગરીમાં એનાયત કરવામાં આવ્યો છે. જયાં અત્યંત પછાત આદિવાસી વિસ્તારમાં અસાધારણ સેવા કરવા બદલ તેમની પસંદગી કરવામાં આવી છે. ઇન્દોર સ્કૂલ ઑફ સોશિયલ વર્કમાંથી એમએસડબલ્યુની ડિગ્રી હાંસલ કરનાર નિલેશ દેસાઇએ વર્ષ ૧૯૮૭થી બંકર રોયની આગેવાનીમાં ભારત સરકાર માટે ઝાબુઆ જિલ્લામાં જલ સંરક્ષણનું કાર્ય આરંભ્યું હતું. તો આદિવાસી વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે કે તેમના શિક્ષણ અને ખેતી માટે પણ તેમણે પાછળ ત્રણ દાયકામાં તેમની ‘સંપર્ક સમાજ સેવી સંસ્થા’ના માધ્યમથી નક્કર અને પ્રસંશનીય કાર્ય કર્યું છે.
આ વિશે નિલેશ દેસાઇએ પુરસ્કાર બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આખરે સોશિયલ વર્ક ભણવાનું કે સોશિયલ વર્ક કરવાનું ધ્યેય જ એ હતું કે આપણા સમાજનું અને સમાજના માધ્યમથી રાષ્ટ્રનું યોગ્ય નિર્માણ થાય. આ ઍવોર્ડ આગામી નવેમ્બર મહિનામાં યોજાનારા એક સમારંભમાં એનાયત કરવામાં આવશે.
– અંકિત દેસાઈ
———-
સાવધાન: ગુજરાત બીજું પંજાબ, મેક્સિકો ન બને
માગ અને પુરવઠાના આર્થિક સિદ્ધાંત સંદર્ભમાં જો આ બાબત આલેખાય તો ગુજરાતમાં હાલના સમયમાં કેફી દ્રવ્યોની હેરાફેરી વ્યાપક સ્તરે વધેલી છે. દેશનો સૌથી લાંબો દરિયાકિનારો તેમ જ આંતરરાષ્ટ્રીય સરહદ આ હેરાફેરીનું સરળ માધ્યમ બન્યા છે. દેશમાં પ્રજાની (અમુક સ્તરની) વધેલી આર્થિક સમૃદ્ધિ તેમ જ તે પ્રજાનો પશ્ર્ચિમી જીવનશૈલી પ્રત્યેનો અવિચારી/ અવિવેકી લગાવ/ચયન તેમ જ વડીલો દ્વારા સંતાનોને આપવામાં આવેલી નિરંકુશ આઝાદી (છૂટછાટ) તેમ જ સંતાન પ્રત્યેનું દુર્લક્ષ દેશમાં કેફી દ્રવ્યોના સેવનની ગંભીર સમસ્યાને ઔર ન વકરાવે તો જ નવાઈ. બિલયન્સ ઓફ બિલયન એન્ડ ટ્રિલિયન ડોલરિયા આર્થિક વિકાસની લાહ્યમાં આપણે આપણું દેશહિત, અદબ/ઓળખને અરાજકતાના ભમ્મરિયા કૂવામાં ધકેલી ભવિષ્યમાં દેશ એક સમકક્ષ, પંજાબ, મેક્સિકોની જેમ, માફિયાતંત્ર ઊભું ન થાય તેની તકેદારી પ્રજા તેમ જ સત્તાધીશોએ રાખવી રહી.
– મુકુલ ઘ. સોની
કાંદિવલી (પૂર્વ).
————-
મફતની લાલચ છોડો
મફતમાં આપવાની લાલચ આપનાર રાજ્યને ડુબાડે છે તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે શ્રીલંકા. મત મેળવવા અમુક નેતા વીજળી-પાણી વિગેરે મોફતમાં આપવાનું પ્રલોભન આપે છે, પણ પ્રજાએ હવે જાગી જવું જોઈએ. મોફતમાં અપે તો એ કરોડો રૂપિયા ભરપાઈ કેવી રીતે કરે? કોઈ નેતા પોતાના ખિસ્સામાંથી આપવાનું નથી. તો તેનો ભાર પ્રજા પર જ પડશે. આજે શ્રીલંકામાં મોંઘવારી કેટલી વધી ગઈ છે. એટલી જ મોંઘવારી વધશે જ્યાં મોફતમાં અમુક આપવામાં આવે છે, તો હવે પ્રજા મોફતના પ્રલોભનમાં આવી ફાલતું નેતાને વોટ આપવા કરતા પ્રમાણિક નેતાને મત આપવો કે જેથી ભવિષ્યમાં કફોડી હાલત ન થાય. સશક્ત નેતા અટલ બિહારી વાજપેઈનું પણ કહેવુું હતું કે જનતાને કાંઈ પણ મોફતમાં ન આપો. ફક્ત શિક્ષા, ન્યાય અને ઈલાજ મોફતમાં મળવું જોઈએ. મોફતખોરી પ્રજાને કામચોર અને દેશને કમજોર બનાવે છે તો હવે લાલચ છોડો.
– રાજકુમાર ગાંગજી ગાલા
ઘાટકોપર (ઈસ્ટ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.