પ્રજામત
લક્ષ્મીનું અપમાન?
આજ-કાલ કોઈ પણ પ્રોગામ-પ્રસંગ હોય તેમાં સંગીત મંડળી બોલાવવામાં આવે છે. ચાલુ પ્રસંગે સંગીતકારોને પાનો ચડાવવા અમીર વર્ગો પોતાની દેખાદેખીમાં રૂપિયાની નોટો ઉછાળે છે. જે નોટો આજુ-બાજુ ઉછળે છે. જમીન પર પડે છે.સ્ટેજ પર પડે છે. જેના પર ઘણા લોકોના પગ આવે છે. શ્રી લક્ષ્મીમાનું ઘણો અપમાન થાય છે. અમીરો પોતાની દેખા-દેખીમાં ભાન ભૂલે છે. અને ન કરવા જેવાં પાપો કરી નાખે છે. રૂપિયાની ગરમી એટલી બધી હોય છે કે પાપો દેખાતા જ નથી. તેમને જોઈને બીજા ઘણા બધા નોટો ઉડાડે છે. આમાં પાપનો ખાડો મોટો ને મોટો થતો જાય છે. શ્રી લક્ષ્મીમા પોતાનું અપમાન ક્યાં સુધી સહન કરશે? તેનો વિચાર કર્યો છે. તમારી પાસે નસીબ જોરે રૂપિયાની રેલમછેલ છે તો પુણ્યનાં કામો કરો ભારત એક ગરીબ દેશ છે. તો જો અમીરો પોતાની સંપત્તિનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે તો ભારતને ઘણી રાહત મળે પ્રભુ તેમને સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના.
-રાજકુમાર ગાલા, ઘાટકોપર
કોઈ જ કાયદાકીય વિસંગતતા ન સર્જાય તે માટે કેન્દ્ર, સરકાર તમામ
રાજ્યો માટે એક સમાન કાયદા (યુનિફોર્મ સિવિલ કોડ) ઘડે
તાજેતરમાં આસામની સરકારે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવાની દિશામાં પ્રથમ પગલું ભરીને રાજ્યમાં મુસ્લિમ મેરેજ `એન્ડ ડિવોર્સ એક્ટ 1935નાબૂદ કર્યો છે. ઉત્તરાખંડ વિધાનસભાએ તો યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર પણ કરી દીધું છે. હવે આસામ પણ ઉત્તરાખંડની જેમ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે. આપણાં દેશને જાતિ અને ધર્મની સંકુચિતતામાંથી બહાર કાઢી નાગરિકોને પ્રગતિશીલ બનાવવા હોય તો લગ્ન જેવા સામાજિક વ્યવહારોને એક સમાન રાષ્ટ્રીય કાયદો લાગુ કરવાની જરૂર છે. બંધારણના દૃષ્ટીએ બધા જ નાગરિક એક સમાન છે. અને તેથી જ દેશના બધા જ નાગરિકો માટે એક સરખા પર્સનલ લૉ હોવા જોઈએ. દેશના બંધારણમાં અનુચ્છેદ 44 દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકારોની ખાતરી આપે છે. આથી દેશના તમામ રાજ્યોમાં એક સરખા કાયદા હોવા જોઈએ. બધા જ રાજ્યોમાં એક સરખા કાયદા હશે તો કોઈ જ વિસંગતતા કે ગૂંચવણ ઊભી નહીં થાય. આથી કેન્દ્ર સરકારે આખા દેશ માટે એક સરખાં (સમાન) કાયદા ઘડવા જોઈએ.
મહેશ વી. વ્યાસ, પાલનપુર.
“જિંદગીમાં ચર્ચા..તેનાં પરિણામો”
જિંદગીના વ્યવહારોમાં બસ..હું કહું..માનું.. તેજ સાચું બાકી બધાની વાત ખોટી.. કે ખોટી રજૂઆત કરે છે તેવી દૃઢ માન્યતા ઘર કરી જાય તે સંબંધોમાં તો નુકસાનકારક સાબિત થાય.
ક્નિતુ આર્થિક નુકસાન પણ સહન કરવું પડે. તો સમજ એટલી જ મેળવવી કે બીજો પણ.. તેની વાત.. પણ સાચી હોય શકે.
સાથે સાથે પોતાની વાત ખોટી કે ગણતરી ઊંધી પડી નકામો અભિપ્રાય અવળો જ સાબિત થાય.. દરેકે દરેક માણસ સાચો જ હોય તેની માન્યતા પણ અંતિમ નિર્ણય હોય તે કરતા દરેકે દરેક માણસ સાચો ન હોય તો ખોટો પણ ન હોઈ શકે… પોતાની વાતની રજૂઆત કરવાનો બધાને જ અધિકાર છે.
બાકી ગેરસમજની કોઈ સમજ નથી હોતી તો ગેરસમજમાં સુલેહ… અરસપરસ સમજોતો.. થોડા સમય પૂરતો વિરામ પામે તે ઠીક.. આખરે તો તે મનમાં ઘર કરી જાય કે હું જ સાચો હતો. ક્યારેક નજીવી બાબતના વિચાર ફેરોથી મોટું નુકસાન કે મોટો ફાયદો જતો કરવો પડે.. તે નસીબની બલિહારી જ સમજવી. ખરેખર.. તો રાજકારણ… ફિલ્મી જગત… રમતગમતનાં ક્ષેત્રોમાં બધા સાથે વાતો-વિમર્શ કરવાની શરૂઆત ભલે બધાને આનંદ.. જ્ઞાન પ્રદર્શિત કરવાનો લહાવો દેખાય.. પણ જેમ જેમ ચર્ચા આગળ વધે તેમ તેમાં મતમતાંતર એટલા તો વધી ઉગ્ર બની જાય કે વર્ષો જૂના સંબધો પર બ્રેક લાગી.. તૂટી. અબોલા થાય જે ફરી પાછા બોલતા કરવા નામુમકીન બની રહે..
સહુથી બહેતર તો એજ કે આવા મતમતાંતર વાળા ક્ષેત્રો પર વધુ ચર્ચા, પોતાની વાત સાચી તે મનાવવાનો પ્રયાસ જ કરવો જેથી વ્યવહારોમાં ઓટ ન આવે.. પહેલાના જેવા જ જળવાય રહે.
-શ્રી હર્ષદ દડિયા (શ્રીહર્ષ)