પ્રજામત
મત કોને આપવો?
થોડા સમયમાં નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. આપણે ત્યાં મતદાન સરેરાશ ૬૦ થી ૬૫ ટકા જેટલું થાય છે. એટલે ચૂંટણી અગાઉ મતદાન વધારે કરવા ઝુંબેશ ચલાવાય છે, પરંતુ મતદાર તરીકે મૂંઝવણ થાય છે કે મત કોને આપવો? કારણ કે ચૂંટણી વખતે ઉમેદવારો ગમે તેટલાં વચનો આપે, પણ નગરની હાલત સુધરતી જ નથી. એ જ કચરાના ઢગ. અમુક વિસ્તારમાં પાણીની તંગી અને બીજા વિસ્તારમાં પાણીનો બગાડ, નગરપાલિકા/સરકાર સંચાલિત શાળા કે દવાખાનામાં જરૂરી સુવિધાઓનો અભાવ વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચાર, સભામાં શાસક પક્ષ અને વિરોધપક્ષોની આક્ષેપબાજી, વિપક્ષનો સભાત્યાગ, ભ્રષ્ટાચાર માટે તપાસ પંચની નિમણૂક અને તેના અહેવાલના ધજાગરા. આ બધું વર્ષોથી જોઈએ છીએ. તો શું ફરી વખત આ જ બાબતોના પુનરાવર્તન થવા માટે મત આપવો?
ગત ૩૦ ઓક્ટો.ના રોજ મોરબીના ઝૂલતા પૂલ દુર્ઘટનામાં આશરે ૨૫૦ નિર્દોષ લોકોના મોતના મામલે હાઈ કોર્ટના આદેશથી સરકારને બેદરકારી બદલ સંપૂર્ણપણે ભાજપ શાસિત મોરબી નગરપાલિકાને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે.સારો અને સ્વચ્છ વહીવટ માટે નગરપાલિકા સભ્યોને ચૂંટવામાં આવે છે. પરંતુ આવો વહીવટ થતો નથી. તો પછી મત કોને આપવો?
– અશ્ર્વિનકુમાર ન. કારીઆ, પાલનપુર
વાચકોને સદા સાથ આપતું અખબાર મુંબઈ સમાચાર
વંશ પરંપરાગત પરિવારમાં વંચાતું અખબાર ‘મુંબઈ સમાચાર’ કેવળ સમાચાર કે જાહેરાત પૂરતું નથી પણ વાર તહેવારે અને પરીક્ષાના પરિણામ માટે સાથ સહકાર આપતું હર કોઈનું લોકપ્રિય અખબાર છે. તાજેતરમાં શહેરમાં સાર્વજનિક રીતે ઉજવાતા ગણેશઉત્સવ માટે પરિવારમાં રાખવામાં આવતા ગણપતિઓની તસવીર છાપી હતી. બીજી બાજુ જૈન ધર્મમાં ઉજવતા પર્યુષણ તહેવારે ઉપવાસમાં રહેલા તપસ્વીઓની તસવીરો છાપીને ઉત્સાહમાં સાથ સહકાર આપ્યો હતો. બીજી બાજુ શાળાઓમાં એસએસસી અને એચએસસી પરીક્ષામાં સારા માર્ક્સ મેળવીને વિદ્યાર્થીઓની તસવીર પ્રગટ કરી હતી. આમ વાર તહેવારે હર કોઈનું માનીતું આ અખબાર દરેક રીતે વાચકોને સાથ સહકાર આપતું રહે છે અને ભવિષ્યમાં આપતું રહેશે આ માટે તંત્રી અને સંપાદક ટીમને અભિનંદન.
– ઘનશ્યામ એચ. ભરુચા, વિરાર.
સર્વે જીવા ખમનતુ મે
મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે સર્વે જીવા ખમનતુ મે ધર્મમાં સમાજ વ્યવસ્થા સુચારૂ રહે તેવા નિયમ હોય જ છે પરંતુ જૈન ધર્મ અતિ સૂક્ષ્મ અને સર્વાગિણ સર્વ વ્યાપી છે. વ્યક્તિની જ્યાં જ્યાં ભૂલની સંભાવના હોય ત્યાં ત્યાં મિચ્છામિ દુક્કડમ્ કરવાનું હોય છે. સમષ્ટિના પ્રત્યેક તત્ત્વ અન્ય તત્ત્વ સાથે જોડાયેલા હોય છે. એકની અસર અનેકો પર થાય છે. જ્યારે તમારાથી કોઈને જાણતા અજાણતા દુ:ખ પહોંચ્યું હોય ત્યારે જ ખમાવું જરૂરી છે જેથી સંબંધો કે પરિસ્થિતિ બગડતી અટકે નહિતર સંબંધોમાં ખટાશ આવી ગયા પછી મધુરતા લાવવી મુશ્કેલ બને છે. પ્રત્યેક જીવ મનુષ્ય સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય છે. ભૂલનું જ્યારે હૃદયપૂર્વક પ્રાયશ્ર્ચિત્ત થાય તે જ ખરું મિચ્છામિ દુક્કડમ્.
– પ્રો. બિંદુ મહેતા, ઘાટકોપર.
સનાતન ધર્મ
તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીનના પુત્ર જે વિધાનસભ્ય પણ છે એ ઉદયનિધિ સ્ટાલીને સનાતન હિન્દુ ધર્મ વિશે એલફેલ બફાટ કરી વિવાદ સર્જ્યો છે. પિતા મુખ્ય પ્રધાન છે. એનો ફાયદો ઉઠાવી વિધાનસભ્ય બન્યા છે. બાકી પોતાની હેસિયત કંઈ જ નથી. તામિલનાડુના એ સત્તા પક્ષવાળા દ્રવિડ છે જ્યારે ઉત્તર ભારતની પ્રજા આર્ય છે એટલે એ એમને પહેલેથી જ નફરત કરે છે એટલે એમને હિન્દી ભાષા પ્રત્યે પણ છોછ છે. સ્ટાલીનના એ ‘સુપુત્રે’ સનાતન ધર્મ ડેંગ્યુ અને મલેરિયા જેવો છે એટલે એનો નાશ થવો જોઈએ એમ છાતી ઠોકીને કહ્યું અને પોતાના એ વ્યક્તવ્ય માટે ગર્વ છે. એટલે માફી માગવા કે પાછું ખેંચવાનો કોઈ સવાલ જ નથી એમ ધરાર કહ્યું. એમને એમના જેવા જ કૉંગ્રેસના પ્રમુખ ખડગેના પુત્રનો સાથ મળ્યો અને આ બે રોગ સાથે એચ.આઈ.વી અને કોઢનો પણ સમાવેશ કરો એવી સલાહ પણ મળી. આ વિવાદ ચગાવવામાં ન્યૂઝ ચેનલો પણ જવાબદાર છે. આવા વિવાદાસ્પદ બયાનને ફક્ત સમાચાર તરીકે ન બતાવતાં ચોવીસ કલાક ઉદયનીધીના ફોટા અને વીડીયો સાથે બતાડતા રહ્યા. બાકી તો ટી.વી. કેમેરા સામે આવે ત્યારે કોઈપણ ભાગ્યે જ પોતાની ભાષા પર કાબૂ રાખી શકે. પોતાને મહાન બતાવવા ગમે તેમ બકવાસ પણ કરે. એટલે જ શ્રી મોદીજી પોતાના મંત્રીઓ અને ભાજપા કાર્યકર્તાઓને બોલવા પર સંયમ રાખવાનું કહે છે. જેથી નકામા વિવાદ ન થાય. આશા રાખીએ ટી.વી. ચેનલવાળા પોતે થોડું મંથન કરી આવા સમાચારોને સીમિત રાખી વિવાદો ઊભા કરવાનું ટાળે. – જિતેન્દ્ર શાહ, હૈદરાબાદ.