પ્રજામત

પ્રજામત

જવાબદારી કોની?
ગેલેકસી હોટેલમાં આગ લાગી ત્રણ માણસો મરી ગયા જવાબદાર કોઈ નહીં? કરોડોની બૅન્ક લોન લઈ ભાગી ગયા જવાબદાર કોઈ નહીં? પુલો તૂટે કે ગેરકાયદે બિલ્ડિંગો બંધાઈ જાય જવાબદાર કોઈ નહીં? હોસ્પિટલો કે સ્કૂલોમાં બેદરકારી થાય મારપીટ થાય જવાબદાર કોઈ નહીં? આમ કેમ?
આજે રાજકારણીઓ તેમ જ દરેક વિભાગનાં ઘણા અધિકારીઓ પોતાની કટકી મેળવી મંજૂરી આપી દે છે ત્યારે જ આવાં કૌભાંડો ઊભાં થાય છે અરે એમના સાથ-સહકાર વગર એક કાગળ હલી નથી શકતો તો પછી આવાં કૌભાંડોમાં એમની જવાબદારી કેમ નથી થતી?
આમાં તો નિર્દોષ નાગરિકો જ મરે છે, એમના પસીનાના પૈસા પડી જાય છે, ને છેવટે આવાડ્ઢ કૌભાંડોમાંથી સરકાર હાથ ધોઈ નાખે છે, તો આ કૌભાંડો આમ જ થતા રહેશે? શું આ માટે કોઈને જવાબદાર ન ઠેરવી શકાય? આપણા કાયદા-કોર્ટો આટલા નબળા છે, કે કોઈને જવાબદાર નથી ઠેરવી શકાતા, કોઈ જણાવશે કે આવું જ ચાલ્યા કરશે?

  • વસંતલાલ ગડા (ભેલપુરી)

કાંદિવલી

જો હુકમી !!!
કાંદિવલી (વેસ્ટ), મહાવીર નગરમાં થોડા સમય પહેલા “ગોપીનાથ મુંડે ગાર્ડન ખુલ્યું છે. સારી રીતે મેઈન્ટેઈન પણ થઈ રહ્યું છે. યોગેશ સાગર દર મંગળવારે અને ગુરુવારે સવારે આવી લોકલ પ્રજાના પ્રોબ્લેમ્સ સાંભળે છે અને એનું વ્યવસ્થિત નિરાકરણ પણ કરી આપે છે એ આનંદની વાત છે. ત્યાં એક સુંદર “યોગ હોલ છે, જ્યાં સવારે યોગા કરાવવામાં આવે છે. ત્યાં સિનિયરોનું એક “ગાર્ડન ગ્રુપ છે જે રોજ લગભગ ૪ કે ૪.૩૦ થી૫.૩૦ કે ૫.૪૫ સુધી હનુમાન ચાલીસા સ્વરબદ્ધ ગાય છે, સામે હનુમાનજીનો ફોટો પધરાવીને. જ્યારે હનુમાન ચાલીસા ચાલતા હોય ત્યારે અમે બીજા સિનિયર સિટીઝનો બધા ચપ્પલ-બૂટ કાઢીને જતા હોઈએ છીએ, જે સંસ્કાર ગળથૂથીના છે. જયારે ફોટા હટાવીને એ લોકો જે ‘ગપાટા’ મારતાં હોય, કોઈ સિટીઝનો જો ચપ્પલ-બૂટ પહેરીને જાય તો અમુક ‘ગાર્ડન ગ્રુપ’ના બે ચાર સભ્યો બુટ- ચપ્પલ ઉતારવાની જો હુકમી કરે છે. મારા પોતાના બે જોડી ચપ્પલ જેની કિંમત ત્રણ-ત્રણ હજાર હતી. એ ગુમ થયાં છે. એવા સમયે જ્યારે સિનિયર સિટીઝન માટે આ ગાર્ડન ગ્રુપનાં સભ્યો ખરેખર કાયદો પોતે બનાવી બધાને ચપ્પલ કાઢવાની ફરજ પાડે છે. સિનિયર સિટીઝન લગભગ મહા મહેનતે બૂટ પહેરી ત્યાં ‘વોક’ કરવા આવતા હોય છે. પંખા આ યોગા-હોલમાં છે, એ જો હવા માટે જાય ત્યારે આ કહેવાતા ‘ગાર્ડનગ્રુપ’નાં સભ્યો જબરજસ્તીથી બૂટ કાઢવાનો જાણે હુકમ કરે છે, હવે તો એ જ ગ્રુપે પોતાના હાથે “પાદુકા બહાર કાઢીને આવો એવા હાથે લખેલા બોર્ડ પણ મુક્યા છે. પબ્લિક ગાર્ડનમાં સિનિયર સિટીઝન-પબ્લિક માટે આ કેવી તાનીશાહી? યોગેશ સાગર આ બાબત ઘટતું કરે. સભ્યોના નામ જણાવ્યા નથી. જણાવવા જેવા પણ નથી.

– અરવિંદ વેકરિયા, કાંદિવલી (વેસ્ટ)

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા
શરૂ કરાયેલી ઝુંબેશ અનુકરણીય

જાહેર રસ્તા ઉપર થૂંકવાથી રોગચાળાનો ફેલાવાનો ભય રહેલો છે. લોકોને જાહેર રસ્તા પર થૂંકતા અટકાવવા માટે અને અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજતરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત (રસ્તા પર) શહેરના તમામ જાહેર રસ્તા ઉ૫ર થૂંકનારા લોકો પાસેથી રૂપિયા પચાસથી લઈ એકસો રૂપિયા સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. વિવિધ રસ્તા ઉપર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લેવાશે. ઉપરાંત લોકો જાહેર રસ્તા ઉપર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ ફરજ ઉપર મૂકવામાં આવશે. આગામી સમયમાં શહેરના રસ્તા પર લોકોને થૂંકતા, કચરો ફેંકી ગંદકી કરતા અટકાવવા ખાસ પૉલિસી બનાવી તેનો અમલ કરવામાં આવશે. છેલ્લા અહેવાલ મુજબ એક જ દિવસમાં ૧૩૫ લોકોને દંડ કરાયા છે. અને હવેથી રોડ ઉપર થૂંકનારાના ઘરે ઈ-મેમો મોકલી દંડની વસૂલાત કરાશે. અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર બનાવવા અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, તે સ્તુત્ય અને આવકારદાયક છે, અને ગુજરાતની અન્ય તમામ મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓને માટે અનુકરણીય
પણ છે જ.

  • મહેશ વી. વ્યાસ
    પાલનપુર

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button