ભરત ભારદ્વાજ
ભાજપની માનસિકતા ‘અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું’ જેવી છે ને તેનો તાજો નમૂનો ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા યુસુફ પઠાણને પ્લોટના મુદ્દે ગુજરાત સરકારે લગાવેલી ગુલાંટ છે. એક સમયે ભાજપ શાસકો યુસુફ પઠાણે સરકારી જમીન પચાવી પાડી હોવાનો કેસ કરીને તેની સામે લડતા હતા, પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ ઠોકી દેવાની વાતો કરતા હતા એ હવે પઠાણના પગોમાં આળોટી ગયા છે.
ભાજપ શાસકોએ 978 ચોરસ મીટરના પ્લોટમાંથી 500 મીટરનો પ્લોટ તો પઠાણને પાઈ પણ આપ્યા વિના આપી દેવાનું નક્કી કર્યું છે જ્યારે બાકીનો 478 ચોરસ મીટરનો પ્લોટ પણ બજાર ભાવે નહીં પણ ભાજપ શાસકો નક્કી કરે એ ભાવના પંચાવન ટકા ભાવે આપી દેવાનું નક્કી કર્યું છે. મતલબ કે, લગભગ 21 કરોડનો પ્લોટ પઠાણને એકાદ કરોડમાં મળી જશે.
ભાજપ અચાનક પઠાણના પગમાં કેમ આળોટી ગયો ? કેમ કે યુસુફ પઠાણ ભાજપના વોશિગં મશીનમાં ધોવાઈને પવિત્ર થઈ ગયા છે. પહેલાં પઠાણ મમતા બેનરજી જેવાં અપવિત્ર નારીની સંગતમાં હતા તેથી ભાજપે તેમની સામે કેસ કરેલો, તેમનો પ્લોટ પાછો લેવા ઉધામા કરેલા પણ પઠાણે મમતાનો સાથ છોડીને ભાજપના પડખામાં ભરાયા એ સાથે તેમનાં બધાં પાપ માફ થઈ ગયાં છે. પઠાણ એટલા પવિત્ર થઈ ગયા કે, ભાજપ હવે તાસકમાં ધરીને પઠાણને સરકારી પ્લોટ ભેટમાં આપી રહ્યો છે.
યુસુફ પઠાણ વડોદરાના તાંદળજા વિસ્તારમાં બંગલો બનાવીને રહે છે. આ બંગલાની બાજુમાં આવેલો 978 ચોરસ મીટરનો ખાલી પ્લોટ યુસુફે પોતાને વેચાણથી આપવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનંતી કરેલી પણ ભાજપ શાસિત કોર્પોરેશને ઘસીને ના પાડી દીધેલી. યુસુફ પઠાણે પોતે જાણીતા ક્રિકેટર હોવાથી ને પોતે બજાર ભાવે ખરીદવા માગતા હોવાથી પ્લોટ પોતાને મળી જ જશે એ ભરોસે દીવાલ બનાવી દીધેલી પણ કોર્પોરેશને ના પાડી તેમાં સલવાઈ ગયેલા. ભાજપના નેતા આ મામલો લટકાવી રાખીને મજા લેતા હતા.
2024ની લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર પશ્ર્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક પરથી જીત્યા એ સાથે જ ભાજપના નેતા ઊભા થઈ ગયા. યુસુફ પઠાણ અચાનક તેમના દુશ્મન બની ગયા ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર રીતે દબાણ કરીને સરકારી પ્લોટ પચાવી પાડવા બદલ નોટિસ ફટકારી દીધી.
યુસુફ પઠાણે આ નોટિસને હાઇકોર્ટમાં પડકારી પણ 21 ઓગસ્ટ, 2025ના રોજ, ગુજરાત હાઇ કોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી હતી. ભાજપ શાસકોનું વલણ હાઈ કોર્ટમાં સ્પષ્ટ હતું કે, પઠાણે જમીન પચાવી પાડી હોવાથી ખાલી કરવી જ પડશે. ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂઆત કરેલી કે, પઠાણે એક પણ રૂપિયો ભર્યા વિના જમીન જ પચાવી પાડી છે તેથી તેની સામે કાનૂની પગલાં પણ લઈશું. હાઈ કોર્ટે આ દલીલ માન્ય રાખીને પઠાણની અરજી નકારેલી.
યુસુફ પઠાણે આ નિર્ણય સામે અપીલ દાખલ કરી ત્યારે હાઇ કોર્ટે પઠાણને સવાલ કર્યો હતો કે, જમીન કાયદેસર રીતે ફાળવવામાં આવી નથી કે તમે કોઈ રકમ ચૂકવી નથી તો પછી સરકારી જમીનનો કબજો કેવી રીતે મેળવ્યો? હાઇ કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મિલિભગતમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા પણ વ્યક્ત કરેલી. ભાજપ શાસકોનું વલણ જોતાં પઠાણે આ જમીનથી હાથ ધોવા પડશે એવું લાગતું હતું ત્યાં જ ભાજપે ગુલાંટ મારી દીધી છે.
ભાજપની નફફટાઈની હદ એ છે કે, ગુજરાત સરકાર એક ખેલાડી તરીકે આપેલા યોગદાનની કદર કરીને પઠાણને 500 મીટરનો પ્લોટ આપવાની છે. પઠાણ તો બે દાયકા પહેલાં ભારત વતી રમેલા પણ ભાજપને એ યાદ નહોતું. હવે અચાનક તેમને યાદ આવ્યું કેમ કે પઠાણ હવે મમતાને છોડી ચૂક્યા છે.
યુસુફ પઠાણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના ભાઈ ઈરફાન પઠાણ જેટલા સફળ નથી પણ સાવ અવગણી શકાય એવા ખેલાડી પણ નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ટાવરિંગ સિક્સર્સ ફટકારીને પ્રેક્ષકોનું જોરદાર મનોરંજન કરનારા યુસુફ પઠાણ 2007નો પહેલો ટી-20 વર્લ્ડકપ જીતનારી ટીમના સભ્ય હતા. પઠાણ 2007ના વર્લ્ડ કપમાં એક જ મેચ રમેલા અને આ મેચ પાકિસ્તાન સામેની ફાઈનલ હતી. ભારત માટે અવિસ્મરણીય બની ગયેલી પાકિસ્તાન સામેની ફાઈનલમાં યુસુફે ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરીને 15 રન બનાવેલા.
વીરેન્દ્ર સેહવાગ ઈજાગ્રસ્ત થતાં યુસુફને તક મળેલી. યુસુફ હાલના ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર સાથે ઓપનિંગમાં આવેલા અને 8 જ બોલ રમેલા પણ 8 બોલમાં પણ એક સિક્સર ફટકારીને પોતાના અલગ અંદાજનો પરચો તો આપી જ દીધેલો. એ વખતે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફનો ભારે ખૌફ હતો પણ યુસુફભાઈએ મેચની પહેલી જ ઓવરના બીજા બોલે આસિફની ઓવરમાં મિડ-વિકેટ પર ટાવરિંગ સિક્સર ફટકારીને પાકિસ્તાની છાવણીમાં સોપો પાડી દીધેલો. યુસુફે ફાઈનલમાં 1 જ ઓવર નાખેલી ને માત્ર 5 રન આપીને સારો દેખાવ કરેલો.
યુસુફે ઘરેલુ ક્રિકેટમાં જોરદાર દેખાવ ચાલુ રાખેલો તેથી 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆત થઈ એ પહેલાંથી શેન વોર્નની નજરમાં વસી ગયેલા. શેન વોર્ને 2008માં રાજસ્થાન રોયલ્સના કોચ કમ કેપ્ટન તરીકે સ્ટાર્સને લેવાના બદલે જબરજસ્ત ટેલેન્ટેડ યંગસ્ટર્સને લેવાની રણનીતિ અપનાવેલી તેથી ગુજરાતી ખેલાડીઓની ભરમાર હતી. યુસુફ પઠાણ, રવીન્દ્ર જાડેજા, નિરજ પટેલ, જયદેવ શાહ, મુનાફ પટેલ, સિદ્ધાર્થ ત્રિવેદી સહિતના ગુજરાતીઓ પહેલી આઈપીએલ ચેમ્પિયન ટીમના સભ્યો હતા.
યુસુફે 2008માં પહેલી આઈપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરેલું ને ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા. યુસુફ શ્વાસ અધ્ધર કરી દે એવી સિક્સરો ફટકારીને પરફેક્ટ પાવર હિટર તરીકે લોકપ્રિય થઈ ગયેલા. તેના કારણે તેમને ભારતની વન ડે ટીમમાં સ્થાન મળ્યું પણ અસાતત્યપૂર્ણ દેખાવના કારણે યુસુફની આંતરરાષ્ટ્રીય કરીયર લાંબું ના ચાલી.
યુસુફ અને ઈરફાન બંને પઠાણ ભાઈ જબરદસ્ત ટેલેન્ટેડ હતા પણ ગમે તે કારણોસર બંને પોતાની પ્રતિભાને ન્યાય ના કરી શક્યા. ઈરફાનમાં તો ભારતના જ નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા હતી. ખેર, એ અલગ મુદ્દો છે પણ મૂળ મુદ્દો એ છે કે, યુસુફ પઠાણનું એક ક્રિકેટર તરીકે એટલું યોગદાન છે જ કે ગુજરાત સરકાર તેમને મફતમાં પ્લોટ આપી શકે પણ અત્યાર લગી આપ્યો નહીં કેમ કે પઠાણ ભાજપના કંઠીધારી નહોતા.
ભાજપને નીતિમત્તા કે સિદ્ધાંતો સાથે કંઈ લેવાદેવા નથી ને માત્ર રાજકારણમાં તેને રસ છે, ભાજપનું બધું રાજકીય કારણોસર જ હોય છે ને દેશભક્તિ કે લોકહિત સાથે તેને કશી લેવાદેવા જ નથી તેનો આ વધુ એક પુરાવો છે. જેમણે ડાબલા બાંધ્યા છે એ લોકોને આ વાત સમજાતી નથી પણ આ વાસ્તવિકતા છે.