Sun Nov 01 2026

Logo

ટાઇગર શ્રોફ પર ગોળીબાર: ત્રણેય શૂટરને 31 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી...

2026-10-21 18:38:28
Author: Yogesh D. Patel
ટાઇગર શ્રોફ પર ગોળીબાર: ત્રણેય શૂટરને 31 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી...

મુંબઈ: જુહુ વિસ્તારમાં ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરવા બદલ રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પકડાયેલા ત્રણેય શૂટરને બુધવારે સવારના મુંબઈ લવાયા બાદ કોર્ટમાં હાજર કરતાં તેમને 31 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.આરોપીઓમાં હરિયાણાના સોનીપતના રેહાન રિશીઉદ્દીન અન્સારી ઉર્ફે સુક્કા, ફુલ સિંહ અને બિહારના બેગુસરાયના અને હાલ અંધેરીમાં રહેતા રિતિક કુમાર ઉર્ફે રોશનનો સમાવેશ છે.

ટાઇગર શ્રોફ પર ગોળીબારના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ બુધવારે આરોપીઓને મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યા હતા અને વિગતવાર તપાસ માટે તેમની 14 દિવસની કસ્ટડીની માગણી કરી હતી.પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ગુનામાં વપરાયેલા શસ્ત્રો જપ્ત કરવાના બાકી છે અને આરોપીઓએ બે મોબાઇલનો નાશ કર્યો હતો. ગુનાનું કાવતરું અને ઉદ્દેશ જાણવા માટે આરોપીઓની કસ્ટડીની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું.

દરમિયાન બચાવ પક્ષના વકીલ અજિંક્ય મિરગલ અને સત્યબ્રાત જોશીએ તેનો વિરોધ કર્યો હતો અને શસ્ત્રોની જપ્તી માટે કસ્ટડીની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે આરોપીઓ ટ્રાન્ઝિટ રિમાન્ડમાં હતા ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓને 31 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.