Tue Apr 28 2026

Logo

કોરોના પછી અમદાવાદીઓનું આરોગ્ય કથળ્યું? હોસ્પિટલ બેડની સંખ્યામાં તોતિંગ વધારો

3 weeks ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ કોરોના પછી અમદાવાદીઓનું આરોગ્ય કથળ્યું હોય તેમ લાગે છે. કોવિડ બાદ અમદાવાદ અને વડોદરામાં હોસ્પિટલ બેડની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. જેમાં સુપર સ્પેશિયાલિટી અને મિડ સેગમેન્ટ હોસ્પિટલમાં વધારો થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી પછી અમદાવાદમાં હોસ્પિટલ બેડની સંખ્યામાં આશરે 2,000નો વધારો થયો છે. આ વધારો મુખ્યત્વે સુપર સ્પેશિયાલિટી અને મિડ-સેગમેન્ટ હોસ્પિટલ બેડમાં થયો છે.

માર્ચ 2020થી રાજ્યમાં શરૂ થયેલી કોવિડ-19 મહામારીએ રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેને વધતી માંગને પહોંચી વળવા માટે ઓક્સિજન અને આઈસીયુ (ICU) સુવિધાઓ સાથે સેંકડો નવા બેડ ઉમેરવા માટે પ્રેરિત કર્યા હતા. અંદાજ મુજબ, મહામારીની શરૂઆતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આશરે 10,000 બેડ હતા.

અમદાવાદમાં કેટલી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ છે?

સૂત્રોએ  જણાવ્યું હતું કે, અંદાજ મુજબ આજે શહેરમાં આશરે 2,200 હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ છે. માત્ર ખાનગી ક્ષેત્રમાં બેડની કુલ સંખ્યા આશરે 10,000 થી 12,000 છે. કોવિડ પૂર્વેના સમયગાળાની તુલનામાં 20-25% નો વધારો થયો છે.  આશરે 2,000ની આસપાસ બેડની સંખ્યા વધી છે.

સૂત્રોએ ઉમેર્યું કે, મુખ્યત્વે બે શ્રેણીઓમાં વધારો જોવા મળ્યો છે: પ્રથમ, કાર્ડિયાક, યુરોલોજી અથવા કેન્સર જેવી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને બીજી, 50 થી 100 બેડ ધરાવતી હોસ્પિટલો. મહામારી પછી તરત જ ઘણી હોસ્પિટલો શરૂ થઈ હતી, પરંતુ 2022 થી સ્થિતિ સ્થિર થઈ છે. આ દરમિયાન સૌથી મોટો ફાયદો ICU અને ઓક્સિજન બેડની સ્થાપનાનો થયો છે, જે નવા બેડના અંદાજે 15% જેટલા છે.

સિવિલમાં ઉમેરાશે 1800 બેડ

સરકારી ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 'મેડિસિટી' ખાતે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. મહામારી પછી સામાન્ય હેતુઓ માટે 1,200 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હતી. આ ઉપરાંત, UNMICRC, IKDRC અને GCRI જેવી સંસ્થાઓએ પણ નવા અથવા હાલના પરિસરમાં ઓછામાં ઓછા 300 બેડ ઉમેર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં  વધુ 1,800 બેડ ઉમેરવામાં આવશે.

PMJAY અને 'મા' યોજના જેવી સરકારી યોજનાઓનો વ્યાપ વધ્યો છે. જે હવે કોવિડ પૂર્વેના સમયની સરખામણીએ ઘણી વધુ હોસ્પિટલોને આવરી લે છે. સરકારી અથવા ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ લોકો માટે 'ગેમ ચેન્જર' સાબિત થયો છે.  આ ઉપરાંત અમદાવાદ જેવા શહેર માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે, ખાસ કરીને આગામી કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખીને બેડ્સની સંખ્યા વધી રહી છે. 

સૂત્રોએ જણાવ્યું કે, જણાવ્યું કે, કોવિડને કારણે મિડિયમ સેગમેન્ટની હોસ્પિટલોનું મહત્વ સમજાયું છે. તેમણે ઉમેર્યું કે હવે ડોક્ટરો દ્વારા સંચાલિત હોસ્પિટલો કે જે એસેટ-લાઇટ મોડલ અપનાવે છે તે ભવિષ્યનો માર્ગ છે. આ હોસ્પિટલો પરવડે તેવા દરે રોબોટિક સર્જરી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી રહી છે. આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપના પ્રવેશ સાથે શહેરમાં આરોગ્ય સુવિધાઓમાં મોટો વધારો જોવા મળશે.

વડોદરામાં પણ વધી બેડની સંખ્યા

વડોદરામાં કોવિડ-19 મહામારી પછી 4,775 બેડનો વધારો નોંધાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, 2019માં વડોદરામાં 2,649 હોસ્પિટલો હતી જેની કુલ ક્ષમતા 16,725 બેડની હતી. હવે, સિંગલ-બેડ હોસ્પિટલો સહિત કુલ 3,200 હોસ્પિટલો છે, જેની સંયુક્ત ક્ષમતા 21,500 બેડ પર પહોંચી છે.