Mon Apr 27 2026

Logo

પાંચમી ટી-20 મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતીય મહિલા ટીમને 23 રનથી હરાવી: 4-1થી જીતી સીરિઝ

Benoni   2 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

બેનોની (સાઉથ આફ્રિકા): ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામેની પાંચ ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમનો 23 રનથી વિજય થયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ પાંચ મેચની ટી-20 સીરિઝ 4-1થી જીતી લીધી હતી. બીજી તરફ, ભારતીય મહિલા ટીમનું  પ્રદર્શન આ સીરિઝમાં ખરાબ રહ્યું હતું.

દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતી હતી. ત્યારબાદ ભારતીય મહિલા ટીમે ચોથી મેચ 14 રનથી જીતી હતી. પાંચમી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

લૌરા વોલ્વાર્ડે શાનદાર બેટિંગ કરતા 92 રન ફટકાર્યા હતા. તે સિવાય દક્ષિણ આફ્રિકાના અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યા નહીં અને ટીમ છ વિકેટના નુકસાન પર 155 રન કરી શકી હતી. જવાબમાં ભારતીય ટીમ તરફથી ભારતી ફૂલમાલી (40) સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડી મોટી ઇનિંગ રમી શકી નહીં અને ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટ ગુમાવી 132 રન કરી શકી હતી.

વોલ્વાર્ડે 56 બોલમાં 92 રન ફટકાર્યા હતા. જેમાં તેણીએ 11 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. તેણીએ સુને લુસ સાથે પ્રથમ વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. વોલ્વાર્ડ્ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી છે. તેણે પાંચ મેચમાં 330 રન કર્યા છે.  દિપ્તિ શર્માએ મેચમાં 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેણીએ 5 મેચમાં 21.29 ની સરેરાશથી સાત વિકેટ ઝડપી છે.