Tue Apr 28 2026

Logo

સરકારે અતિરિક્ત 25 લાખ ટન ઘઉંની નિકાસ મંજૂર કરી

2 hours ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે 25 લાખ ટન અતિરિક્ત ઘઉંની નિકાસ છૂટ આપવાનો નિર્ણય લીધો હતો, જેને આજે વાણિજ્ય મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ મંજૂરી આપી હતી અર્થાત્‌‍ નિકાસ નોટિફાઈ કરી છે. 

નોંધનીય બાબત એ છે કે ગત 20મી એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે દેશમાં ઘઉંના સ્ટોકની સંતોષજનક સ્થિતિ અને નોંધપાત્ર માત્રામાં નવાં પાકની લણણી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા અતિરિક્ત 25 લાખ ટન ઘઉંની નિકાસને મંજૂરી આપી હતી. આ સાથે જ હવે કુલ 50 લાખ ટન ઘઉં અને 10 લાખ ટન ઘઉંનાં ઉત્પાદનોની નિકાસને મંજૂર કરવામાં આવી છે. 

એકંદરે ઘઉંની નિકાસ નીતિ નિયંત્રાત્મક રહેશે, તેમ છતાં 25 લાખ ટન ઘઉંની અતિરિક્ત નિકાસને મંજૂરી આપવામાં આવી હોવાનું ડીજીએફટીએ નોટિફિકેશનમાં જણાવતા ઉમેર્યું હતું કે નિકાસ માટેની વિગતવાર પદ્ધતિઓ અંગે અલગથી એક આદેશ જારી કરવામાં આવશે.

વધુમાં ડીજીએફટીએ જણાવ્યું હતું કે હાલની નીતિ અંતર્ગતની શરતો જે ગત 13મી મે, 2022ના રોજ નિર્દિષ્ટ કરવામાં આવેલી છે તે શરતો યથાવત્‌‍ રહેશે, જેમાં ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સલામતીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવેલી પરવાનગીના આધારે અને તેમની સરકારોની વિનંતીના આધારે વધારાની 25 લાખ ટન ઘઉંની ઉપરોક્ત મંજૂરીની રકમ ઉપરાંત નિકાસની પણ મંજૂરી આપવામાં આવશે, એમ ઉમેરવામાં આવ્યું છે. 

દરમિયાન વર્તમાન પાક વર્ષ 2025-26 (જુલાઈ-જૂન)માં દેશમાં ઘઉંનું ઉત્પાદન 12.02 કરોડ ટન થવાનો અંદાજ કૃષિ મંત્રાલયે તેના દ્વિતીય આગોતરા અંદાજોમાં મૂકવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2026ની રવી મોસમમાં ઘઉંનો વાવેતર વિસ્તાર આગલી મોસમના 3.28 કરોડ હેક્ટર સામે વધીને 3.34 કરોડ હેક્ટર રહ્યો હોવાથી ઉત્પાદનના અંદાજમાં વધારો કરવામાં આવ્યો છે. 

અગાઉ જાન્યુઆરી મહિનામાં સરકારે પાંચ લાખ ટન ઘઉંનાં ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી હતી, ત્યાર બાદ ફેબ્રુઆરીમાં વધુ પાંચ લાખ ટન ઘઉંનાં ઉત્પાદનોની નિકાસ અને 25 લાખ ટન ઘઉંની નિકાસને મંજૂર કરી હતી.