Tue Apr 21 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ટીએમસી કાર્યકર્તા પર જીવલેણ હુમલો, ભાજપ પર લાગ્યાં ગંભીર આરોપ

1 day ago
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાઓ પહોંચી ગયો છે. મતદાનને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યાં છે. તેમાં હવે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગઈકાલે રવિવારે મોડી રાત્રે ટીએમસી કાર્યકર્તા પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં કાર્યકર્તા દિવ્યેંદુ ગાયેન ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત એ કે, આ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો ટીએમસીએ આરોપ લગાવ્યો છે. જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. મતદાનના થોડા દિવસ પહેલા જ ભાજપ પર આવો આક્ષેપ લાગ્યો હોવાના કારણે પશ્ચિમ બંગાળમાં ચર્ચાઓ શરૂ થઈ છે. 

ક્યારે બની આ હુમલાની ઘટના?

વિગતે વાત કરવામાં આવે તો, ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ દક્ષિણ 24 પરગણામાં ગોસાબાના શંભૂનગર ગ્રામ પંચાયતમાં હુમલાની આ ઘટના બની હતી. સૂત્રોની જણાવ્યાં પ્રમાણે ટીએમસી કાર્યકર્તા પાર્ટીનું કામ પૂર્ણ કરીને બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ અચાનક તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં દિવ્યેંદુ ગાયેનને પગમાં ગોળી વાગી હોવાના કારણે તે રસ્તા પર પડી ગયો હતો. સ્થાનિકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

 ગંભીર આક્ષેપ લાગ્યો છતાં ભાજપ હજી પ મૌન

ટીએમસી કાર્યકર્તાના હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે કોલકાતાની ચિત્તરંજન નેશનલ મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલા મામલે ટીએમસીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. ટીએમસીનું કહેવું છે કે, આ હુમલો રાજકીય ષડયંત્ર છે. ટીએમસીએ આટલો મોટો અને ગંભીર આક્ષેપ લગાવ્યો હોવા છતાં પણ ભાજપ દ્વારા હજી આ મામલે કોઈ નિવેદન આપાવમાં આવ્યું નથી. જો કે, આ મામલે હકીકત જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.