(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ઈરાન વચ્ચેનો વિવાદ ફરી સપાટી પર આવતા આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને ક્રૂડતેલના ભાવમાં મક્કમ વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 21 પૈસાનો સુધારો જોવા મળ્યા બાદ અંતે 25 પૈસાના ઘટાડા સાથે 93.16ના મથાળે બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર હાલમાં અમેરિકા અને ઈરાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝનાં મુદ્દે સામસામે હોવાથી માર્ગ બંધ રહેતાં ક્રૂડતેલનો વૈશ્વિક પુરવઠો વિક્ષેપિત થઈ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 92.91ના બંધ સામે સુધારાના અન્ડરટોને 92.73ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 93.24 અને ઉપરમાં 92.70ની રેન્જમાં રહ્યા બાદ અંતે 25 પૈસાના ઘટાડા સાથે 93.16ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 28 પૈસા મજબૂત થયો હતો.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પુનઃ બંધ થવાને કારણે આજે વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહેશે. તેમ છતાં ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેનાં યુદ્ધવિરામને કારણે અમુક અંશે રૂપિયાને ટેકો મળતો રહેતાં આગામી દિવસોમાં અમારા મતે ડૉલર સામે રૂપિયો 93થી 93.60 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.14 ટકા વધીને 98.03 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 4.64 ટકા વધીને બેરલદીઠ 94.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 26.76 પૉઈન્ટ ઘટીને અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી સાધારણ 11.30 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 683.20 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.