Tue Apr 21 2026

Logo

હોર્મુઝ દરિયાઈ માર્ગમાં તણાવ વધ્યો, અમેરિકાએ ઈરાની જહાજ કબ્જે કર્યું

Newyork   1 day ago
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધારે તીવ્ર બની રહ્યો છે. ઈરાન અને અમેરિકામાંથી કોઈ પણ પીછેહઠ કરવા માટે તૈયાર નથી. તેવામાં એક નવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક યુએસ નેવીએ ઈરાની માલવાહુ જહાજ ‘ટૌસ્કા’ (TOUSKA)ને જપ્ત કરી લીધું છે. આ ઈરાની જહાજે અમેરિકાના નૌકાદળીય નાકાબંધીને તોડવાનો પ્રયાસ કરતું હોવાનો આક્ષેપ છે. 

યુએસ સેન્ટ્રલ કમાન્ડે આપી વિગતો

નોંધનીય છે કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જાહેરાત કરી હતી કે યુએસ દળોએ અરબી સમુદ્રમાં ઈરાની ધ્વજવાળા કાર્ગો જહાજ ‘ટૌસ્કા’ (TOUSKA)ને  યુએસ નૌકાદળના નાકાબંધીનું ઉલ્લંઘન કરવાના આરોપસર અટકાવ્યું હતું. X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, સેન્ટકોમે જણાવ્યું કે, ટામ્પા, ફ્લોરિડા અને અરબી સમુદ્રમાં તૈનાત યુએસ દળોએ 19 એપ્રિલના રોજ ઈરાની ધ્વજવાળા કાર્ગો જહાજ સામે નૌકાદળ નાકાબંધી લાગુ કરી હતી જે ઈરાની બંદર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. માર્ગદર્શિત-મિસાઇલ વિનાશક USS સ્પ્રુઅન્સે જહાજને અટકાવ્યું કારણ કે તે બંદર અબ્બાસ તરફ આગળ વધી રહ્યું હતું.

ગયા અઠવાડિયાથી અમેરિકા ઈરાની બંદરો પર નાકાબંધી લગાવી હતી, જેના જવાબમાં ઈરાને હોર્મુઝને ફરી બંધ કરી દીધું હોવાની જાહેરાત કરી દીધી હતી. આ કારણે વૈશ્વિક વેપાર પ્રભાવિત થયો છે, જહાજો બંને બાજુ રોકાયા છે અને વ્યવસાયને નુકસાન થઈ રહ્યું છે. જો કે, અમેરિકાની આ હરકતના કારણે હવે ઈરાને ગુસ્સે થયું છે, અમેરિકાને વળતો જવાબ આપવામાં આવશે તેવી ચેતવણી પણ આપી છે. 

અમેરિકાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ

ઈરાને કહ્યું કે, આક્રમક યુનાઇટેડ સ્ટેટ્સે, યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને અને ચાંચિયાગીરીના કૃત્યોમાં સામેલ થઈને, ઓમાન સમુદ્રના પાણીમાં એક ઈરાની વ્યાપારી જહાજની નેવિગેશન સિસ્ટમને અક્ષમ કરી દીધી, તેના પર ગોળીબાર કર્યો અને તેના ઘણા આતંકવાદી સૈનિકોને જહાજના ડેક પર તૈનાત કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઈરાનના હઝરત ખાતમ અલ-અંબિયા લશ્કરી મુખ્યાલયે ઓમાનના સમુદ્રમાં ઈરાની વાણિજ્યિક જહાજ પર અમેરિકાના હુમલાની પુષ્ટિ કરી અને હવે વળતા હુમલાની ચેતવણી આપી છે.