Tue Apr 21 2026

Logo

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ: ઉજ્જૈનમાં દીક્ષા લીધા બાદ મળ્યું નવું નામ

1 day ago
Author: Devayat Khatana
Article Image

ઉજ્જૈન: પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જાણીતા મોડલ અને ઈન્ફ્લુએન્સર હર્ષા રિછારિયાએ (Harsha Richhariya) સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરી લીધો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મંગલનાથ સ્થિત ગંગાઘાટ પર આવેલા મૌની તીર્થ આશ્રમમાં  વિધિવત રીતે દીક્ષા ગ્રહણ કરી હતી. પંચાયતી નિરંજની અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી સુમનાનંદ ગિરિ મહારાજે તેમને સંન્યાસની દીક્ષા આપી હતી. હર્ષાએ આ પરિવર્તનને સોશિયલ મીડિયા પર પોતાના 'નવા જન્મની શરૂઆત' ગણાવી છે.

સંન્યાસ પરંપરાના કઠિન નિયમો અનુસાર, દીક્ષા લેતી વખતે હર્ષા રિછારિયાએ શિખા અને દંડનો ત્યાગ કર્યો હતો. આ ધાર્મિક વિધિ દરમિયાન તેમણે પોતાના પિતૃઓનું પિંડદાન અને તર્પણ કરવાની સાથે સ્વયંનું પણ પિંડદાન કર્યું હતું, જે સંન્યાસ માર્ગમાં પાછલી જિંદગી સાથેના તમામ સંબંધો તોડવાનું પ્રતીક માનવામાં આવે છે. આ તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ હર્ષા રિછારિયાને નવું નામ ‘સ્વામી હર્ષાનંદ ગિરિ’ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે આશ્રમના સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

મૂળ ભોપાલની રહેવાસી હર્ષા રિછારિયા મોડલ, એન્કર અને એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 18 લાખથી વધુ ફોલોઅર્સ છે. જાન્યુઆરી 2025માં પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન નિરંજની અખાડાની શાહી સવારીમાં સંતો સાથે રથ પર બિરાજમાન થઈને તે ભારે ચર્ચામાં આવી હતી. પીળા વસ્ત્રો, રુદ્રાક્ષની માળા અને ભાલ પર તિલક ધારણ કરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. દીક્ષા લીધા બાદ સ્વામી હર્ષાનંદ ગિરિએ જણાવ્યું હતું કે, તેઓ હવે પોતાનું સંપૂર્ણ જીવન ધર્મ, સંસ્કૃતિ અને સમાજની સેવામાં સમર્પિત કરશે અને સંન્યાસની મર્યાદાઓનું પાલન કરશે.