Tue Apr 21 2026

Logo

સાસણમાં સાવજને જોવા હવે ગ્લાસ રૂફ વિસ્ટાડોમ કોચ દોડાવશે રેલવે

3 weeks ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સાસણગીરમાં સાવજ જોવા માટે દર વર્ષે લાખો સહેલાણીઓ આવે છે. હવે આ સહેલાણીઓને વધુ એક સુવિધા મળે, તેવો નિર્ણય રેલવે વિભાગે લીધો હતો. 

રેલ્વે વિભાગે સાસણગીર અને તેની આસપાસ દોડતી મીટર ગેજ ટ્રેનોમાં ખાસ ગ્લાસ રૂફવાળા વિસ્ટાડોમ કોચ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝન હાલની સેવાઓમાં આવા બે કોચ ઉમેરશે, જે સાસણગીરથી કાસિયા નેસ સુધીના રૂટ પર પ્રવાસીઓને વધુ સારો અનુભવ કરાવશે. 
આ કોચમાં સંપૂર્ણપણે કાચની પેનલ અને 360-ડિગ્રી રિવોલ્વિંગ સિટ હશે, જેનાથી મુસાફરો ગીર જંગલના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે. હાલમાં રાજસ્થાનના બિકાનેરમાં આ કોચમાં ફેરફાર કરી બનાવવામાં આવી રહ્યા છે અને આગામી ત્રણેક મહિનામાં તલાળાથી પસાર થતી ટ્રેનોમાં તેને ફીક્સ કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રવેશદ્વાર તરીકે જાણીતું સાસણગીર વર્ષે લગભગ 8 લાખ પર્યટકોને આકર્ષે છે. આ પ્રદેશમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇન, ખાસ કરીને તલાળા અને સાસણગીર વચ્ચે અને પછી કાસિયા નેસ સુધી, આરક્ષિત વન વિસ્તારોમાંથી પસાર થાય છે. આ એક અનોખો અનુભવ હોય છે. આ રૂટ પર ટ્રેનો 30 કિમી પ્રતિ કલાક દોડે છે. જેથી વન્યજીવો અને મુસાફરોની સલામતી રહે અને જંગલ અને સિંહને જોવાની મજા પર્યટકો માણી શકે. 

નવા કોચ અંગેની ચર્ચા સાસણ ગીર ખાતે વરિષ્ઠ રેલવે અધિકારીઓ, વન વિભાગ અને હોટેલ ઉદ્યોગના સભ્યોની બેઠક દરમિયાન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આ દરમિયાન, કેન્દ્ર સરકારે તાલાલા-સાસણ-વિસાવદર-જુનાગઢ સુધીના મીટરગેજ રૂટને હેરિટેજ રેલ્વે ટ્રેક તરીકે જાહેર કરવા માટે એક સર્વે પણ હાથ ધર્યો હોવાની માહિતી પણ મળી હતી.