દિગ્ગજ ગાયિકા 92 વર્ષીય આશા ભોસલેના નિધનથી સંગીત જગત સહિત સહિત બોલીવૂડને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે. બોલીવૂડ સેલેબ્સ દિગ્ગજ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ બધા વચ્ચે બોલીવૂડના દિગ્ગજ અદાકારા સાયરા બાનુએ આશા ભોસલે સાથેની છેલ્લી મુલાકાત યાદ કરતાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સાયરા બાનુએ એક ઈન્ટરવ્યુમાં આશાતાઈ સાથેની તેમની છેલ્લી મુલાકાત અને દાયકાઓ જૂની યાદો તાજી કરી હતી. ચાલો જોઈએ શું કહ્યું છે સાયરા બાનુએ...
હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં દિગ્ગજ અદાકારા સાયરા બાનુએ જણાવ્યું હતું કે આશાજી માત્ર એક મહાન ગાયિકા જ નહીં, પરંતુ એક સુંદર વ્યક્તિ પણ હતા. તેમણે આશાજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સાયરા બાનુએ જણાવ્યું હતું કે તાજેતરમાં રમઝાન મહિનામાં તેમણે આશાજીનો એક ઇન્ટરવ્યુ જોયો હતો, જેમાં તેઓ એકતા અને સદ્ભાવનાનો સંદેશ આપી રહ્યા હતા. આ ઈન્ટરવ્યુથી પ્રભાવિત થઈને સાયરાજીએ તેમને ફોન કર્યો હતો. આ તેમની છેલ્લી વાતચીત સાબિત થઈ.
સાયરા બાનુએ આશા ભોસલે સાથેની અંતિમ મુલાકાતને યાદ કરતાં જણાવ્યું હતું કે છેલ્લે અર્જુન તેંડુલકરના લગ્નમાં જોયા હતા. તેમણે કહ્યું હતું કે, એ સમયે તેઓ ઘણા નબળા દેખાતા હતા, તેમને જોઈને મને મોટો આંચકો લાગ્યો હતો. જ્યારે હું એમને મળી ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે તેઓ આટલા બીમાર પડી જશે અને આપણને બધાને છોડીને જતાં રહેશે.
સાયરા બાનુએ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, આશાજી, લતાજી, મોહમ્મદ રફી સાહેબ અને મુકેશજી જેવા દિગ્ગજો કલાકારોને રેકોર્ડિંગ ક્યુબિકલમાં સાથે બેસવા દેતા હતા. જેથી જરૂરી ફેરફારો તરત જ કરી શકાય.
આશા ભોસલેએ સાયરા બાનુને પહેલેથી જ કહ્યું હતું કે, સાયરાજી નવા અને દુબળા-પાતળા હોવાથી તેમનો અવાજ પણ બારીક હતો, તેથી આશાજી પણ તેમના ગીતોમાં પોતાનો અવાજ બારીક (ઝીણો) કરી લેતા હતા જેથી તે અભિનેત્રીના વ્યક્તિત્વ સાથે સુસંગત લાગે.