Tue Apr 21 2026

Logo

મુંદ્રામાં પત્નીને જાણ કર્યા વગર પતિએ કર્યા બીજા લગ્ન ને પછી....

1 day ago
Author: Mumbaisamachar Team
Article Image

AI Image


ભુજઃ કચ્છના મુંદ્રા શહેરમાં પત્નીની જાણ બહાર અને કાયદેસરના છૂટાછેડા લીધા વગર પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પીડિત મહિલાએ પોતાના પતિ અને સસરા વિરુદ્ધ મારપીટ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરાવ્યો હતો.

શું છે મામલો

મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી વનીતાબેન શર્માએ તેમના પતિ મનોજભાઈ મહાવીર શર્મા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. વનીતાબેનના જણાવ્યા અનુસાર, મનોજભાઈ અવારનવાર નાની-નાની બાબતોમાં ઝઘડો કરી તેમની સાથે શારીરિક મારકૂટ કરતા હતા. તાજેતરમાં થયેલા વિવાદમાં પતિએ પત્નીને જોરથી ધક્કો મારતા માથાના ભાગે લોહી નીકળે તેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ફરિયાદમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી કે, મનોજભાઈએ વનીતાબેન સાથેના લગ્ન સંબંધ ચાલુ હોવા છતાં અને કાયદેસરના કોઈ પણ પ્રકારના છૂટાછેડા લીધા વિના જ અન્ય સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ બાબતે જ્યારે પત્નીએ વિરોધ કર્યો ત્યારે પતિએ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અન્યાય સામે વનીતાબેને જ્યારે તેમના સસરા મહાવીર જીતમલ શર્મા સાથે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સસરાએ પણ પુત્રનો પક્ષ લઈ વનીતાબેનને ફોન પર જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મારપીટ, છેતરપિંડી અને ધમકીના આ બનાવ સંદર્ભે મુંદરા પોલીસે વનીતાબેનની ફરિયાદના આધારે આરોપી પતિ મનોજ શર્મા અને સસરા મહાવીર શર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)