(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો શનિવારે છેલ્લો દિવસ હતો. સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની ચૂંટણી 26મી એપ્રિલે યોજાનાર છે. ફોર્મ ભરવાના છેલ્લે દિવસે કહી ખુશી કહી ગમ જેવો માહોલ હતો.
સુરતમાં આમ આદમીનાં મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ઉમેદવારે અચાનક ફિનાઈલ પી લેતા કચેરીમાં દોડધામ થઈ પડી હતી. ઘટનાને પગલે હાજર સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમુક ટેકનિકલ મુદ્દાઓને કારણે તેઓ ફોર્મ ભરી શક્યાં ન હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ સાથે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા સાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ ગયા હતા. તે સમયે ભાજપ અને આપના નેતાઓએ સામસામે નારેબાજી કરતા વાતાવરણ થોડું તંગ થયું હોવાના સમાચાર મળ્યા છે.
બીજી બાજુ લગભગ લગભગ દરેક પક્ષમાં ટિકિટ ન મળતા નારાજગીનો સૂર જોવા મળ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી, તો અમુકે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. ઘણા ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા ગયા ત્યારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગોધરામાં મોંઘીદાટ કારના કાફલા સાથે ઉમેદવારી નોંધાવા ગયેલા નેતાનો વીડિયો વાયરલ થયો હતો. તો મળતી માહિતી અનુસાર વેરાવળના કૉંગ્રેસના ઉમેદવાર સંજય જેઠવા માત્ર એક મિનિટ માટે મોડા પડતા ફોર્મ ભરી શક્યા ન હતા. જેઠવા બપોરે ત્રણ વાગ્યાને એક મિનિટે પહોંચ્યા હતા, આથી તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું ન હતું. આ મામલે રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં તિલકવાડા, ગરુડેશ્વર અને રાજપીપળામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અમદાવાદમાં બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર તસ્લિમ તીર્મિઝીની ઉમેદવારી મામલે કૉંગ્રેસના જ બે જૂથ સામસામે આવી જતાં તંગદિલી સર્જાઈ હતી, જેના પગલે તસ્લિમ તીર્મિઝીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આવી ઘણી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.