Tue Apr 21 2026

Logo

સંગીત અને ટેકનોલોજીનું ફ્યુઝન: કચ્છી બોલી અને એઆઈના સંગમથી ગુંજશે મતદાનનો નાદ: ‘૨૬ એપ્રિલે તું વૉટ કર જે’ અભિયાનનો પ્રારંભ

1 day ago
Author: Mumbaisamachar Team
Article Image

ભુજ: આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીનો ઉત્સવ ઉજવવા અને પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગના ‘મતદાતા જાગૃતિ કાર્યક્રમ’ હેઠળ કચ્છી બોલીની આત્મીયતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના સમન્વયથી તૈયાર કરાયેલ વિશેષ ગીત "૨૬ એપ્રિલે તું વૉટ કર જે" લોન્ચ કરવામાં આવ્યું છે.
 
કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલ તથા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના નાયબ કલેક્ટર વિવેક બારહટના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ સાકાર થયો છે. આ ગીત પાછળ વહીવટી તંત્રના જ કર્મનિષ્ઠ અધિકારીની કલાત્મક સૂઝ  રહેલી છે. કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર (મતદારયાદી) હિરેન આર. ગોસ્વામીએ આ ગીતના શબ્દો, કમ્પોઝીશન, મ્યુઝિક અરેન્જમેન્ટથી લઈને વીડિયો મિક્સિંગ કર્યું છે.

આ મતદાન જાગૃતિ ગીતને નિરાલી કે.ગોસ્વામી અને પારસ કે.ગોસ્વામીએ સ્વર આપ્યો છે. લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના અદભુત મિશ્રણ દ્વારા તેને કર્ણપ્રિય બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને નવી પેઢીના યુવા મતદારોને આકર્ષવા માટે આ ગીતના વીડિયો નિર્માણમાં એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો પ્રયોગ કરવામાં આવ્યો છે.

અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય વિપુલ આર.ગોસ્વામી અને નિશીથ મોદીએ આ અભિયાનમાં મહત્વનો ટેકનિકલ સહયોગ પૂરો પાડ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)