Sun May 03 2026

Logo

વલો કચ્છ: એક યુવાને પ્રશ્ન કર્યો, ખહોડી એટલે શું?

3 hours ago
Author: Giriraj
Article Image

 

 



 

- ગિરિરાજ

 

ખહોડી એટલે શું? એક યુવાને પ્રશ્ન કર્યો.

 

વડીલ સ્મિત કરીને બોલ્યા, ‘તને ખહોડીનો અર્થ જાણવો છે કે અર્થ સમજવો છે?’

 

યુવાને કહ્યું, બન્ને પણ સરળ રીતે કહેજો.

 

વડીલ ધીમે ધીમે વાત શરૂ કરે છે: ‘ખહોડી એટલે એ માણસ, જે ડુંગરા અને વગડામાં ભટકીને ‘ડુથ’ નામના ઘાસમાંથી દાણા શોધે. બહુ કઠિન કામ. ભૂખ લાગે, થાક લાગે, છતાં પણ ખંતથી કામ પૂરું કરે.’

 

‘પણ એમાં ખાસ શું છે?’ યુવાને તરત પૂછ્યું.

 

‘હા, અહીં જ તો વાત છે.’ વડીલ બોલ્યા, ‘શાહ અબ્દુલ લતીફ ભટ્ટાઇ ખહોડીને ફક્ત ઘાસ શોધનાર માણસ તરીકે નથી જોતા. તેઓ તેને ભક્ત સાથે સરખાવે છે પરમાત્માની શોધમાં નીકળેલો માણસ. આવું એક સુફી માનક જ વિચારી શકે હો. શાહના રસાલામાં પ્રાપ્ત વિગતો અનુસાર જૂના વખતમાં કચ્છમાં માંધાણા નામના ઘાસમાંથી કાઢેલા દાણાના રોટલા બનાવવામાં આવતા-કચ્છના રાઓશ્રી દેશળજી બીજાને કવિ કેશવ કહે છે. માંધાણે છ માની અસીં, કુટે પિટે ખેઓ અર્થાત્ અમે માંધાણુને કૂટીપીટી, તેમાંથી દાણું કાઢીને તેના રોટલા બનાવી ખાઈએ છીએ. આ ડુથ નામના ઘાસના દાણાને ગુજરાતમાં સામોના નામે ઓળખવામાં આવે છે.’

 

યુવાનની આંખોમાં રસ જાગ્યો: ‘ઓહ હો, કેવી રીતે?’

 

જેમ ખહોડી અજાણ્યા ડુંગરોમાં જાય છે, જોખમ લે છે, દુ:ખ સહે છે તેમ ભક્ત પણ જીવનમાં સત્ય શોધવા માટે મુશ્કેલ રસ્તા પસંદ કરે છે. સરળ રસ્તે ક્યારેય ઊંડું જ્ઞાન મળતું નથી.

 

એટલે જ શાહ લતીફ કહે છે કે, ‘જેને ડુથ જોઈએ, તેને ડુંગરોમાં જવું જ પડે?’

 

બિલ્કુલ! હવે વડીલ ખુશ થઈ બોલ્યા, ‘તને વાત સમજાઈ રહી છે.’

 

યુવાન ફરી પૂછે છે: ‘પણ ખહોડી તો ભૂખ માટે કરે છે, ભક્ત તો ભગવાન માટે બન્નેમાં શું જોડાણ?’

 

હવે વડીલ ગંભીરતાથી આગળ વધ્યા: ‘ભૂખ બન્નેને છે. ખહોડીને પેટની, ભક્તને આત્માની. એક દાણા માટે ભટકે છે, બીજો શાંતિ માટે. તો જોડાયો ને સંબંધ?’

 

થોડું મૌન છવાઈ ગયું.

 

પછી વડીલ ફરી બોલ્યા: ‘ખહોડી પથ્થર પર સૂઈ જાય છે, તકલીફ સહે છે. તેને આરામ નથી મળતો. એ જ રીતે ભક્તને પણ સત્ય સુધી પહોંચવા માટે આરામ છોડવો પડે.’

 

શાહની બેતથી સમજીએ,

 

ડોથી સા ડોરીન, જા જુઅ સુઈ ન બુધી, પાસા મથે પાહણે, 

 

ખાહોડી ખોડીન, વિજા ઉત વોડીન, જિત નેહાયત નાંય કા

 

અર્થાત્, જે સ્થાન જોએલ કે સાંભળેલ પણ નહિ તે સ્થાન ડોથા લોકો શોધી શકે છે. એ ખાહોડી પોતાનાં શરીર પથરા ઉપર મૂકી દે છે. જેને કંઈ અંત જ નથી એવું જ્ઞાન શોધી શકે છે.

 

જે કો ડુથ કરે, ત ડુંગર ડોરણ ડાખડો, 

 

છપર કી ન ડે, સુખડિયું સુતન કે

 

અર્થાત, જેને ડુથ (એક જાતનું ઘાસનું અનાજ)ની શોધ કરવી હોય, તેણે ડુંગરોમાં ભટકવાની જહેમત ઉઠાવવી જ જોઈએ. ડુંગર ઊંઘતાઓને સારી વસ્તુઓ આપતા નથી.

 

યુવાને હળવી મજાકમાં કહ્યું: ‘એટલે આધ્યાત્મિકતા પણ થોડી ‘ટફ’ છે એમ ને!’

 

વડીલ હસી પડ્યા, ‘ટફ નહીં, કીમતી છે. સસ્તી વસ્તુઓ લાંબા સમય સુધી ટકતી નથી.’

 

અને ખહોડીનો અંત ક્યાં આવે?

 

‘ખહોડીનો અંત નથી,’ વડીલ ધીમે બોલ્યા, એ જ તો શાહ લતીફનો સંદેશ છે. શોધ ક્યારેય પૂરી થતી નથી. પરમાત્મા અનંત છે, એટલે શોધ પણ અનંત છે.

 

યુવાન હવે વિચારમાં ડૂબી ગયો, એટલે જીવનમાં આપણે પણ કંઈક શોધતા જ રહીએ છીએ એમ ને?

 

હા, વડીલ બોલ્યા, પણ પ્રશ્ન એ છે તું શું શોધે છે? આરામ કે અર્થ? યુવાન ચોંકી ગયો.

 

વડીલ આગળ બોલ્યા: ‘આજકાલ લોકો સરળ રસ્તા શોધે છે ઝટપટ સફળતા, તરત સુખ. પણ ખહોડી શીખવે છે કે જે કિંમતી છે, તે માટે મહેનત કરવી પડે.’ 

 

એટલે જ જૂના સમયમાં લોકો માંધાણા કે સામા માટે મહેનત કરતા?

 

હા, વડીલે કહ્યું, ‘એ ફક્ત ખોરાક નહોતો, એ જીવનની શીખ હતી. દાણા મેળવવા જેટલી મહેનત, એટલી જ જિંદગી સમજવા માટે જોઈએ.’

 

યુવાને અંતિમ પ્રશ્ન કર્યો: ‘તો ખહોડી આપણને શું શીખવે છે?’

 

વડીલ થોડી ક્ષણ ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા: ‘ખહોડી કહે છે રસ્તો મુશ્કેલ હોય તો ડરશો નહીં, લક્ષ્ય દૂર હોય તો થાકશો નહીં, અને શોધ અનંત હોય તો અટકશો નહીં.

 

યુવાનના ચહેરા પર હવે સંતોષ હતો.

 

છેલ્લે વડીલે ‘શાહ’ની વધુ ઓળ‘ખાણ’ આપી. લતીફ બાલ્યકાળથી જ ખુદાપરસ્ત બની ગયા હતા. અવારનવાર એમનું મન ઊંડા ચિંતનમાં ઊતરી જતું. ‘શાહ લતીફ ઑફ ભિટ્ટ’ નામે એક દળદાર ગ્રંથ 1940માં ઑક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત થયેલ છે. એ સિવાય પણ શાહ લતીફના સાહિત્યના ઘણા અનુવાદો અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થઈ ગયા છે.