Tue Apr 21 2026

Logo

ઈરાને બીજા તબક્કાની શાંતિ મંત્રણા બેઠકમાં સામેલ થવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ

Tehran   1 day ago
Author: Vimal Prajapati
Article Image

 

તહેરાનઃ ઈરાને ફરી એકવાર પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાન અત્યારે આ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ બીજા તબક્કાની આ શાંતિ મંત્રણા બેઠક વચ્ચે ઈરાને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ઈરાને અચાનક જ શાંતિ મંત્રણા બેઠકમાં સામેલ થવાની ના પાડી દીધી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઈરાની સરકારી મીડિયા એજન્સી દ્વારા આ વિગતો શેર કરવામાં આવી છે. ઈસ્લામાબાદ અત્યારે શાંતિ મંત્રણાના બીજા તબક્કાની બેઠક માટે તૈયાર કરી રહ્યું હતું, પરંતુ હવે તેના પર પાણી ફરી વળ્યું છે.

શાંતિ મંત્રણા બેઠક વચ્ચે ઈરાને ચોંકાવનારૂ નિવેદન 

ઈરાની મીડિયા એજન્સી IRNAએ જણાવ્યું કે, ઈરાને અમેરિકા સાથેની શાંતિ મંત્રણા બેઠકના બીજા તબક્કામાં સામેલ થવાની ના પાડી દીધી છે. IRNA દ્વારા એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, વોશિંગ્ટનની વધુ પડતી માંગણીઓ, અવાસ્તવિક અપેક્ષાઓ, વલણમાં સતત ફેરફાર, વારંવાર વિરોધાભાસ અને નૌકાદળ નાકાબંધી ચાલુ રાખવાને કારણે તે બીજા રાઉન્ડની વાટાઘાટોમાંથી ગેરહાજર રહેશે. એટલું જ નહીં પરંતુ અમેરિકાની આ હરકતોને ઈરાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન માને છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ચોખ્ખી ધમકી આપી

અમેરિકાની વાત કરવામાં આવે તો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ચોખ્ખી ધમકી આપી હતી કે, જો આ વખતે ઈરાન તેની માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો મોટો હુમલો કરવામાં આવશે. અમેરિકા ઈરાનના પુલ, પાવર પ્લાન્ટને પણ નષ્ટ કરી દેશે તેવી ધમકી આપી હતી.  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે  નવો, પારદર્શક અને ન્યાયી સોદા માટે અમેરિકાની ટીમ આજે પાકિસ્તાન પહોંચવાની હતી. પરંતુ હવે આ બેઠકનો કોઈ અર્થ રહ્યો નથી તેવું જણાઈ રહ્યું છે. 

ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવ્યો

અમેરિકા ઈરાન પર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવે છે તો ઈરાન અમેરિકા પર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવી રહ્યું છે. મૂળ વાત તો એ છે કે, બંને દેશો પોતાના અહંકારમાં આવીને મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યાં છે, જેના કારણે અનેક દેશો પર ચિંતત છે. વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો, ઈરાને વાટાઘાટોના ભંગ માટે વોશિંગ્ટનને દોષી ઠેરવ્યું છે. હવે જોવાનું એ છે કે અમેરિકા આના પર કેવી પ્રતિક્રિયા આપે છે? જો કે, ઈરાનનો આ નિર્ણય મધ્ય પૂર્વમાં સંકટને વધુ ઘેરો બનાવી શકે છે.