હરિદ્વારઃ અક્ષય તૃતિયાના પાવન અવસરના દિવસે ચારધામ યાત્રાનો શુભારંભ થયો છે. ભાવિકોનું એક ગ્રૂપ હરિદ્વારથી રવાના થયું હતું. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખૂલે એ પહેલા કેટલાક ભાવિકો ત્યાં પહોંચી ગયા હતા. 20 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખૂલશે. ગંગોત્રી મંદિરના કપાટ 12.15 વાગ્યે અને યમુનોત્રી મંદિરના કપાટ 12.35 વાગ્યા ખુલશે એ પછી ભાવિકોને દર્શન થશે. મંદિરને ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે તો રાત્રીના સમયે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ ભાવિકોને કોઈ રીતે મુશ્કેલી ન પડે એ માટેની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે.
#WATCH | Uttarakhand: The formal commencement of the pilgrimage to Baba Kedarnath—one of the most revered centers of faith in Uttarakhand—has begun. Panchmukhi palanquin of Lord Kedarnath set out for Kedarnath Dham amid grand religious rituals and traditions.
— ANI (@ANI) April 19, 2026
In the morning, the… pic.twitter.com/RGzNcFVCaC
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
યાત્રા શરૂ થાય એ પહેલા તમામ સુવિધાઓ અને વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી. યાત્રાના રૂટ પર આવતી તમામ દુકાનોને પણ સુશોભન કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્તથી લઈને સૈન્યના જવાન સુધીની ટુકડીઓ રૂટ પર આવી ચૂકી છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને નિર્વિઘ્ન અને સુરક્ષિત સંપન્ન બનાવવા માટે વહીવટીતંત્રે કમર કસી છે.ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે સુરક્ષા વ્યવસ્થાને અત્યંત હાઈ-ટેક અને સુદ્રઢ બનાવવામાં આવી છે. સમગ્ર યાત્રા રૂટને 2 સુપરઝોન 12 ઝોન અને 30 સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે. દરેક સ્તરે સુપરઝોનલ, ઝોનલ અને સેક્ટર પોલીસ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. યાત્રાના માર્ગો પર દેખરેખ રાખવા માટે 6 પોલીસ સ્ટેશન, 9 રિપોર્ટિંગ પોલીસ ચોકી, 1 વોચ એન્ડ વોર્ડ અને 13 સીઝનલ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે.
12 ટુરિઝમ ચોકી તૈયાર
આ ઉપરાંત પ્રવાસીઓની મદદ માટે ખાસ 12 ટુરિઝમ પોલીસ ચોકીઓ પણ તૈયાર કરવામાં આવી છે. એડિશનલ એસપી અને 7 , નિરીક્ષક અને સબ-ઈન્સ્પેક્ટર 150, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ 400, હોમગાર્ડ અને પીઆરડી જવાન 640, આ રીતે ટુકડીઓનું વિભાજન કરવામાં આવ્યું છે. એક કંપની પીએસી (PAC) અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ની બે ટીમો પણ તૈનાત રહેશે. ધામમાં ખોવાયેલ-મળેલ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા આરોગ્ય વિભાગ દ્વારા 6 નિષ્ણાત તબીબોની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે વિશેષ મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે.
સ્વાસ્થયનું ધ્યાન રાખવા ટીમ તૈયાર
જાનકીચટ્ટી અને બડકોટ ખાતે બબ્બે નિષ્ણાત તબીબો સેવા આપશે. ગંગોત્રી અને જિલ્લા હોસ્પિટલમાં બંને સ્થળે એક-એક નિષ્ણાંત તબીબની નિમણૂક કરવામાં આવી છે. મેડિકલ ઓફિસરની એક ટીમ ગંગોત્રીમાં, જ્યારે જાનકીચટ્ટી અને યમુનોત્રીમાં મળીને કુલ 7 મેડિકલ ઓફિસર તૈનાત રહેશે. ભીડને નિયંત્રિત કરવા અને પ્રાથમિક સારવાર માટે મોટી સંખ્યામાં 'સ્વાસ્થ્ય મિત્રો'ની નિમણૂક કરાઈ છે. ગંગોત્રીમાં 10 સ્વાસ્થ્ય મિત્રો કાર્યરત રહેશે. યમુનોત્રી અને જાનકીચટ્ટીમાં કુલ 24 સ્વાસ્થ્ય મિત્રોની ટીમ તૈનાત રહેશે. હીના સ્ક્રીનિંગ પોઈન્ટ ખાતે 2 મેડિકલ ઓફિસર અને 10 સ્વાસ્થ્ય કર્મચારીઓ બે શિફ્ટમાં સતત હાજર રહેશે. દોબાટા સ્ક્રીનિંગ પોઈન્ટ ખાતે સવારના સમયે 6 અને સાંજના સમયે 9 સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે 2 મેડિકલ ઓફિસર ફરજ બજાવશે.
18 લાખથી વધારે ભાવિકોનું રજીસ્ટ્રેશન
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આવતીકાલે યમુનોત્રી અને ગંગોત્રીના કમાડ ખોલી નાખવામાં આવશે. 18 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તા.19 એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રીના કમાડ ખુલશે. ઓફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ થઈ ગયું છે. તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દરેક રૂટ પર પોલીસે પોઈન્ટ નક્કી કર્યા છે. ચારધામ યાત્રા ભારતની સૌથી પવિત્ર અને આસ્થાનું પ્રતીક મનાતી યાત્રા છે. ઉત્તરાખંડના હિમાલયની ગોદમાં આવેલા ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ યાત્રા માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ કુદરતી સૌંદર્ય અને આત્મિક શાંતિનો અદભૂત અનુભવ પણ કરાવે છે.