મુંબઈઃ કહેવાય છે કે પાપ ગમે ત્યારે પોકારે છે. ગુનો ક્યારેક તો બહાર આવી જાય છે. આવી જ ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બની હતી. અહીં ત્રણેક વર્ષ પહેલા દીકરીએ પ્રેમી સાથે મળી પિતાની હત્યા કરી હતી, પરંતુ પ્રેમીએ જ ગુનાનો ભાંડો ફોડી દીધો છે. હેડ કોન્સ્ટેબલ પિતાનું મૃત્યુ થતાં દીકરી તેમની જગ્યાએ ભરતી પોલીસમાં ભરતી થઈ હતી, પરંતુ આ પોલીસ દીકરી જ પોલીસ પિતાની હત્યારણ નીકળી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
ભદ્રાવતી નિવાસી પોલીસ અધિકારી આશિષ મહેશ શેડમાકે (30) એ 23 માર્ચે રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે તેમની ગર્લફ્રેન્ડ, મહિલા પોલીસ અધિકારી આર્યા જયંત બલ્લાવર પર તેનાં પિતા હેડ કોન્સ્ટેબલ જયંત બલ્લાવરને ઝેર આપીને મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. અહેવાલો અનુસાર, આશિષ અને આર્યા લાંબા સમયથી સંબંધમાં હતા. જ્યારે આર્યના પિતાને આ સંબંધની ખબર પડી ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો. આનાથી પરિવારમાં સતત તણાવ રહેતો હતો.
આનો ઉકેલ લાવવા પિતાની હત્યાનું કાવતરૂ દીકરીએ ઘડ્યું, જેમાં પ્રેમી સહભાગી બન્યો હતો. હત્યા માટે આશિષે ઝેરની વ્યવસ્થા કરવા માટે તેના સંબંધીના સગીર પુત્રની મદદ લીધી હતી. ભદ્રાવતીના 22 વર્ષીય ચૈતન્ય ઉર્ફે મોન્ટી સચિન ગેડમનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેણે 24 એપ્રિલ, 2023 ના રોજ કાચની બોટલમાં ઝેર આપ્યું હતું અને રૂ. 5,000 લીધા હતા.
બીજા દિવસે, 25 એપ્રિલ, 2023 ના રોજ, આર્યાએ મિલ્કશેકમાં ઝેર ભેળવીને તેના પિતાને પિવડાવ્યું હતું. ઝેર પીધા પછી, જયંત બલ્લાવર ફરજ પર હાજર પણ થયા, પરંતુ તેમની તબિયત અચાનક બગડી ગઈ અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. તે સમયે, પોલીસે આકસ્મિક મૃત્યુ તરીકે કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન, આર્યાએ ગેરમાર્ગે દોરતી માહિતી આપી હતી, જેના કારણે કેસ પડદો પડી ગયો હતો.
આરોપી પોલીસ વિભાગ સાથે સંકળાયેલી હોવાથી તપાસ દરમિયાન જરૂરી ગંભીરતાથી હાથ ધરવામાં આવી ન હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે બંને 2022 થી પ્રેમ સંબંધમાં હતા, અને 2023માં હત્યા કરવામાં આવી હતી. આ પછી, તેઓ લગભગ 1-2 વર્ષ સુધી સાથે રહ્યા હતા, પરંતુ જ્યારે તેમના મતભેદો વધી ગયા, ત્યારે આશિષે હત્યાનો પર્દાફાશ કર્યો હતો.
અહેવાલો જણાવે છે કે આશિષ અને આર્યા 2025માં ચંદ્રપુર પોલીસ વિભાગમાં ભરતી થયા હતા અને તાજેતરમાં જ તેમની તાલીમ પૂર્ણ કરી હતી. રામનગર પોલીસે આશિષ મહેશ શેડમાકે, આર્યા જયંત બલ્લાવર, ચૈતન્ય ઉર્ફે મોન્ટી સચિન ગેડમ અને એક સગીર વિરુદ્ધ આઈપીસીની કલમ 120 (બી), 302, 201 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે તેમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
આ ઘટનામાં દીકરીએ તો માફ ન કરી શકાય તેવો ગંભીર ગુનો આચર્યો જ છે, પરંતુ પિતાએ પણ દીકરીની જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા પર કાપ મૂકવાની ભૂલ કરી હતી. પુખ્તવયના સંતાનો પોતાના મનપસંદ યુવક-યુવતી સાથે જીવન વિતાવવાનો નિર્ણય લે ત્યારે માતા-પિતાએ સમજદારીપૂર્વક વર્તવું જોઈએ.