Fri May 08 2026

Logo

પાલિકાની હોસ્પિટલોના સફાઈના કૉન્ટ્રેક્ટમાં શું રંધાઈ રહ્યું છે?

1 day ago
Author: Sapna Desai
Article Image

આઠ હૉસ્પિટલની સફાઈનો કૉન્ટ્રેક્ટ એક જ કંપનીને આપવાના નિર્ણયને પગલે નગરસેવકોના સવાલ: મિલિભગતની શંકા વ્યક્ત કરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં ત્રણ વર્ષ માટે સફાઈ સેવા માટેનો સિંગલ કૉન્ટ્રેક્ટનો પ્રસ્તાવ બુધવારે સ્થાયી સમિતિએ નકારી કાઢ્યો હતો. એ પણ નોંધવામાં આવ્યું હતું  સમિતિની મંજૂરી પહેલાં જ કેટલીક હૉસ્પિટલોમાં કામ શરૂ થઈ ગયું હતું. આ પગલાંની ટીકા કરતા સ્થાયી સમિતિના અધ્યક્ષે પાલિકાના અધિકારીઓને સ્થાયી સમિતિને નહીં ગણકારવા બદલ ચેતવણી આપી હતી અને પ્રસ્તાવને પુનર્વિચાર માટે પ્રશાસનને પાછો મોકલી દીધો હતો.

મુંબઈની આઠ પાલિકાની મહત્ત્વની હૉસ્પિટલ જેમાં કેઈએમ, સાયન, નાયર, કૂપર, ભગવતી, અગ્રવાલ, જોગેશ્ર્વરી, ટ્રોમા અને નાયર ડેન્ટલનો સમાવેશ થાય છે. આ હૉસ્પિટલોમાં સફાઈ સેવા માટે એક જ કૉન્ટ્રેકટ આપવા માટે ૧૦૧ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. પ્રશાસને તમામ આઠ હૉસ્પિટલની સફાઈનું કામ એક જ કંપનીને સોંપવાનો નિર્ણય લીધો હતો. જોકે આ પ્રસ્તાવ જયારે ચર્ચા માટે સ્થાયી સમિતિમાં આવ્યો ત્યારે સમિતિના તમામ સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ હરીશ ભાંડિર્ગેએ આરોપ કર્યો હતો કે  મંજૂર થયા વગર જ કેટલીક હૉસ્પિટલોમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ કામ શરૂ થઈ ગયુંં છે.

પાલિકાના સભાગૃહના નેતાએ એક જ કંપનીની મોનોપોલી ઊભી કરીને આવશ્યક સેવાનો કૉન્ટ્રેક્ટ એક જ કંપનીને આપવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમિતિના અન્ય નગરસેવકોએ પણ પ્રશાસનના પ્રસ્તાવ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

નગરસેવકોની નારાજગી સામે સ્થાયી સમિતિ અધ્યક્ષે પ્રશાસનને સ્થાયી સમિતિની ઉપેક્ષા કરવી નહીં અને મંજૂરી પહેલા જ કામ કેવી રીતે શરૂ કરી દીધું તેની તપાસનો આદેશ આપ્યો હતો. નગરસેવકોએ અધિકારી અને કૉન્ટ્રેક્ટર વચ્ચે સંભવિત મિલીભગતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેથી સમિતિના અધ્યક્ષે જવાબદારી નક્કી કરવા અને જવાબદાર અધિકારીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યોહ તો.