Fri May 08 2026

Logo

જૂનાગઢમાં ભાજપના કાર્યકરે ગટર યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો

1 day ago
Author: Mayur Patel
Article Image

જૂનાગઢઃ શહેરમાં ભાજપના કાર્યકરે ગટર યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતાં ચકચાર મચી ગઈ હતી. જૂનાગઢ મનપાના 450 કરોડના ગટર પ્રોજેક્ટમાં 150 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જૂનાગઢમાં ભાજપના જ કાર્યકર નરેશભાઈ ડવે RTI દ્વારા કરેલા ખુલાસામાં ભૂગર્ભ ગટરના કામમાં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

પેઢીઓના નામે નકલી બિલો રજૂ કર્યા

તપાસમાં સામે આવ્યું  કે મોરબી, મહેસાણા અને વિજાપુરની પેઢીઓના નામે નકલી બિલો રજૂ કરવામાં આવ્યા હતા. આ પેઢીના માલિકોએ પણ સ્વીકાર્યું છે કે તેમણે કોઈ માલ સપ્લાય કર્યો નથી અને આ બિલ તેમના નથી.  વોટર વર્કસ શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જીએસટી વગરના બોગસ બિલો બનાવી સરકારી નાણાંનો વ્યય કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.

ફરિયાદ મુજબ પોલીસ આને મનપાનો આંતરિક વિષય ગણાવી રહી છે, જ્યારે કમિશનર લેખિત ફરિયાદ ન મળી હોવાનું કહી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જે કંપની પર દેખરેખની જવાબદારી હતી તેને જ તપાસ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગટરની ડિઝાઇન યોગ્ય ન હોવાથી ચોમાસામાં પાણી રોડ પર ફરી વળે તેવી ભીતિ છે. માટી ખોદાણની રોયલ્ટીમાં પણ ચોરી થઈ હોવાના આક્ષેપ છે.

જ્યારે પણ મેઝરમેન્ટ બુક કે અન્ય પુરાવા માંગવામાં આવે છે, ત્યારે અધિકારીઓ 'રેકોર્ડ નથી' તેમ કહીને વિગતો આપવાનું ટાળી રહ્યા છે. ટૂંકમાં, પોતાની જ સરકારના કાર્યકર દ્વારા ભ્રષ્ટાચાર સામે મોરચો માંડવામાં આવતા જૂનાગઢ મહાનગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે.