Tue Apr 28 2026

Logo

પંજાબ બાદ ગુજરાતમાં AAP ને ઝટકો, આ દિગ્ગજ રબારી નેતાએ કર્યા રામ રામ

1 day ago
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે આ જાણકારી આપી છે.

સાગર રબારીએ શું કરી સોશિયલ મીડિયા પોસ્ટ
સાગર રબારીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું,  હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર. વ્યક્તિગતસંબંધો, દોસ્તી, ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે.

સાગર રબારીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના કલાકો પહેલા જ રાજીનામું આપતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખેડૂત નેતા તરીકેની ઓળખ ધરાવતા સાગર રબારી આમ આદમી પાર્ટીના મજબૂત સ્તંભ ગણાતા હતા. ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહેતી હતી.

હજુ સુધી સાગર રબારીએ રાજીનામા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેઓ કયા પક્ષમાં જોડાશે અને શું આગામી પગલું રહેશે તેના પર નજર રહેશે. રાજુ કરપડા બાદ હવે સાગર રબારીએ રાજીનામું આપતાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં મોટી અસર પડશે.

કોણ છે સાગર રબારી

સાગર રબારીની ઓળખ ખેડૂત નેતા તરીકેની છે. તેમણે અર્થશાસ્ત્ર વિષય સાથે આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને જર્નાલિઝમમાં ડિપ્લોમા કોર્સ કર્યો છે. 1984માં તેઓ ચુનીભાઈ વૈદ્ય સાથે ગુજરાત લોકસમિતિમાં જોડાયા હતા અને 2012 સુધી જોડાયેલા રહ્યા હતા. મહુવામાં નિરમાના સિમેન્ટ પ્લાન્ટ વિરુદ્ધ થયેલા ખેડૂત આંદોલનમાં તેમણે કનુભાઈકલસરિય સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેઓ સમયાંતરે ખેડૂતોના હિતમાં પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. 

2018માં સાગર રબારીએ પાકવીમો, લઘુત્તમ ટેકાના ભાવ, સિંચાઈની સમસ્યા, જમીનસંપાદન જેવા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા માટે ખેડૂત એકતા મંચની સ્થાપના કરી હતી. નર્મદા ડેમનું પાણી ખેડૂતોને અપાવવા માટેનું આંદોલન, ભાવનગરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામેનું આંદોલન તથા મીઠી વીરડી અને મહુવાના આંદોલનોમાં તેઓ સક્રીય રહેલા છે.

ઉલ્લેખનીય છે કે સાગર રબારીની અત્યાર સુધીની છબિ તમામ વર્ગ અને જ્ઞાતિના ખેડૂતોમાં સમાન વલણની રહી છે અને એ રીતે ગુજરાતમાં અનેક ખેડૂત આગેવાનો સાથે એમનો સીધો સંપર્ક રહ્યો છે.