નવી દિલ્હીઃ લાર્જ સ્કેલ ઈલેક્ટ્રોનિક્સ પીએલઆઈ (પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ હેઠળ ગત જૂન મહિના સુધીમાં લાભકર્તાઓને સૌથી વધુ રૂ. 19,090.98 કરોડનાં પ્રોત્સાહન મળ્યા છે, જ્યારે આ ક્ષેત્રમાં રૂ. 20,580.20 કરોડનાં રોકાણ આકર્ષાયા છે. નોંધનીય બાબત એ છે કે સરકારે વર્ષ 2020માં સ્થાનિકમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા અને નિકાસને પ્રોત્સાહન આપવા રોકાણ આકર્ષવા, રોજગારનું સર્જન કરવા અને આયાત નિર્ભરતા ઘટાડવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના 14 ક્ષેત્રો માટે રૂ. 1.91 લાખ કરોડનાં ખર્ચ સાથેની પીએલઆઈ સ્કીમની જાહેરાત કરી હતી.
આ સ્કીમ હેઠળ સરકાર માન્યતાપ્રાપ્ત પીએલઆઈ લાભકર્તા કંપનીઓને પાયાના વર્ષની તુલનામાં થયેલ વેચાણ વૃદ્ધિને આધારે નાણાકીય પ્રોત્સાહન આપે છે. લાર્જ સ્કેલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (એલએસઈએમ) માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ વર્ષ 2020માં શરૂ થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સ્થાનિક સ્તરે મોબાઈલ ફોનનું ઉત્પાદન કરવાનો હતો.
સ્કીમ હેઠળ લગભગ 32 કંપનીઓને મંજૂરી આપવામાં આવતા દેશ વિશ્વમાં બીજા ક્રમાંકનો મોબાઈલ ફોનનો ઉત્પાદક દેશ બનવાની સાથે ટોચની નિકાસ થતી કૉમૉડિટીમાં સ્માર્ટ ફોનનો સમાવેશ થયો છે.
જોકે, આ સ્કીમની સમયમર્યાદા જે વર્ષ 2020થી 2025 સુધીની એમ પાંચ વર્ષ માટેની હતી, પરંતુ તેને વર્ષ 2025-26 સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2021-22માં દેશમાંથી સ્માર્ટ ફોનની નિકાસ જે 5.5 અબજ ડૉલરના સ્તરે હતી તે વર્ષ 2025-26માં વધીને 30 અબજ ડૉલરની સપાટીએ પહોંચી છે. ડીપીઆઈઆઈટી તરફથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2020માં સ્કીમ અમલી થઈ ત્યારથી ગત જૂન મહિનામાં સુધીમાં સરકારે લાભકર્તા કંપનીઓને રૂ. 36,754 કરોડનાં પ્રોત્સાહનો આપ્યા છે, જ્યારે રૂ. 6662 કરોડ ફાર્મા ક્ષેત્રને, રૂ. 3271.440 કરોડ ખાદ્ય ઉત્પાદક કંપનીઓને અને રૂ. 3174.15 કરોડ ઑટો કમ્પોનન્ટ સેગ્મેન્ટની કંપનીઓને છૂટા કરવામાં આવ્યા છે.