Thu Nov 19 2026

Logo

ટ્રેનમાં રાતે અગિયાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નહીં કરી શકાય આ કામ, અત્યારે જ જાણી લો નહીંતર...

2026-10-28 22:43:54
Author: Darshana Visaria
ટ્રેનમાં રાતે અગિયાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નહીં કરી શકાય આ કામ, અત્યારે જ જાણી લો નહીંતર...

ઈન્ડિયન રેલવેમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે મોટો અને કડક નિર્ણય લીધો છે. દેશભરની તમામ ટ્રેનોના કોચમાં રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી મોબાઈલ, લેપટોપ અને પાવર બેંક જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટેના ચાર્જિંગ પોઈન્ટ્સ ફરજિયાતપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દક્ષિણ પૂર્વ રેલવે (SER)માં ચાર્જિંગ દરમિયાન મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનલ રેલવેને આ નિયમનું કડકાઈથી પાલન કરાવવા અને કોઈપણ પ્રકારની છૂટછાટ ન આપવા તાકીદ કરી છે.

અકસ્માતનું કારણ: 

વાત કરીએ કે રેલવે બોર્ડ દ્વારા આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો એની તો તાજેતરમાં જ દક્ષિણ પૂર્વ રેલવે ઝોનમાં ચાલુ ટ્રેને એક મુસાફરે પાવર બેંક ચાર્જિંગમાં મૂકી હતી, જે અચાનક ભારે ધુમાડા સાથે ફાટી ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે રાતના પ્રતિબંધિત સમય દરમિયાન ઓન-બોર્ડ સ્ટાફે ચાર્જિંગ પોઈન્ટની સ્વિચ બંધ કરી નહોતી.

આગ અને શોર્ટ સર્કિટનો ખતરો: 

બેટરી ઓવરહીટ થવી, ખામીયુક્ત ચાર્જર કે શોર્ટ સર્કિટના કારણે ટ્રેનના કોચમાં રાત્રે આગ લાગવાનું મોટું જોખમ રહે છે. તેથી ૨૬ ઑક્ટોબરના રોજ પરિપત્ર જાહેર કરીને તમામ ઝોનને રાત્રિ દરમિયાન પાવર સપ્લાય કટ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે.

કર્મચારીઓની જવાબદારી નક્કી, સરપ્રાઈઝ ચેકિંગ થશે

રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નિયત સમય (રાત્રે 11થી સવારે 5) દરમિયાન ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાની જવાબદારી સંબંધિત ઓન-બોર્ડ સ્ટાફની રહેશે. કર્મચારીઓને આ મામલે વિશેષ તાલીમ અને કાઉન્સેલિંગ આપવામાં આવશે. આ નિયમનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે ચકાસવા માટે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને સુપરવાઈઝર્સ દ્વારા ઓચિંતી તપાસ (Surprise Inspection) કરવામાં આવશે. જો કોઈ કોચમાં ચાર્જિંગ પોઈન્ટ ચાલુ જણાશે તો સંબંધિત સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવાશે.

આ નવો નિયમ નથી, ભૂતકાળમાં પણ અપાયા હતા નિર્દેશ

ટ્રેનોમાં રાત્રે ચાર્જિંગ બંધ રાખવાનો આ નિયમ તદ્દન નવો નથી. વર્ષ 2014માં બેંગલુરુ-હજૂર સાહિબ નાંદેડ એક્સપ્રેસમાં લાગેલી આગ બાદ રેલવે સેફ્ટી કમિશનરની ભલામણથી ૧૯ જૂન 2014ના રોજ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ માર્ચ 2021માં પણ આ નિયમ કડકાઈથી અમલી બનાવવાની સૂચના અપાઈ હતી. જોકે, સ્ટાફની ઢીલી નીતિને કારણે ઘણા રૂટ્સ પર તેનું પાલન થતું નહોતું, જે હવે પાવર બેંક બ્લાસ્ટ બાદ ફરીથી સખત રીતે લાગુ કરાયું છે.

મુસાફરો માટે ખાસ માર્ગદર્શિકા

પહેલાંથી ચાર્જિંગ કરી લેવું: રાત્રિ મુસાફરી કરતા પ્રવાસીઓએ ટ્રેનમાં બેસતા પહેલાં જ પોતાના મોબાઈલ કે ગેજેટ્સ ચાર્જ કરી લેવા, રાત્રે 11 વાગ્યા પછી ચાર્જિંગ પોઈન્ટ પર નિર્ભર રહેવું નહીં.

ચોરી અને અકસ્માતથી બચાવ: રાત્રે સૂતી વખતે ચાર્જિંગમાં મૂકેલો ફોન ચોરાઈ જવાની શક્યતા પણ વધુ રહે છે, જે આ પ્રતિબંધથી ઘટશે.

ધ્યાન રાખો: ચાર્જિંગ દરમિયાન જો ઉપકરણ અસામાન્ય રીતે ગરમ થાય, ધુમાડો નીકળે કે વાસ આવે તો તાત્કાલિક પ્લગ કાઢીને કોચ એટેન્ડન્ટ કે ટીટીઈને જાણ કરવી.